ભુજઃ પાકિસ્તાનને રણ અને દરિયા બંને માર્ગે અડીને આવેલા કચ્છનાં સરહદી ગામડાંમાં પૂર્વથી પશ્ચિમ સુધી હિન્દુ વસ્તી ધીમેધીમે ઘટી રહી છે. પૂર્વમાં રાપર તાલુકાનો પ્રાંથળ પ્રદેશ હોય કે પશ્ચિમ તરફ આવતા માર્ગે મધ્યમાં ખાવડા અને પછી નખત્રાણા-અબડાસા અને લખપત તાલુકો હોય. આજની વસ્તીની તુલનાએ લગભગ 70થી 75 ટકા વસ્તી સીમાને સ્પર્શતાં ગામડાંઓથી અનેકવિધ કારણોસર ભુજ-ગાંધીધામમાં પથરાઈ છે, તો મુંબઈમાં પણ એક અલાયદું કચ્છ ઊભું થઈ ગયું છે.
વારંવારના દુકાળ અને કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ, પાણી, આરોગ્યથી માંડીને માળખાગત સુવિધાઓ પૂરી પાડવાની દિશામાં ઉદાસીન વલણ થકી છેવાડાનાં ગામડાઓ શહેરો ભણી સરકતાં થયાં. સૌથી વધુ પલાયન લખપત-અબડાસા તાલુકાથી થયું અને તેમાં પણ સૌથી ઊંચો આંક અને હાલ ઉપસ્થિતિની દૃષ્ટિએ જોઈએ તો ભાનુશાળી અને જૈન સમાજ લગભગ સરકી ગયો છે.
ભાનુશાળી સમાજની આગવી વ્યવસ્થા
વાપી-વલસાડ અને મુંબઈ સુધી ગયેલા અબડાસાના ભાનુશાળી સમાજે દર નવરાત્રીએ વતનમાં અચૂક આવવાનો નિયમ રાખ્યો છે. અબડાસાનાં સરહદી ગામોમાં એક સમયે 50 હજારથી વધુની વસ્તી હતી, એ આજે સાતેક હજાર છે. તેઓ સમાજવાડી - પોતાનાં વડીલોપાર્જિત મકાનો સચવાય તે માટે ભારે ચિંતિત છે અને તેથી જ દરવર્ષે ગામમાં કેટલા લોકો કાયમ રહેશે અને કેટલા નવરાત્રીમાં જશે એની નોંધ રાખવામાં આવે છે. આ અંતર્ગત નલિયા, મોથાળા, બાલાચોડ, જખૌ, તેરા, બિટ્ટા, વમોટી, છસરા, ઐંડા, જંગડિયા, ખોખરા, ભારાપર સહિતનાં ગામેગામ સામૂહિક વ્યવસ્થા ગોઠવી ફરાળ ભોજનનું આયોજન પણ કરાય છે.
કચ્છી દશા ઓસવાળ નામ પૂરતા
સમગ્ર વિશ્વમાં કચ્છી દશા ઓસવાળ જૈનની આબાદી 30 હજાર રહી છે. એક સમયે અબડાસા જ્ઞાતિનું હેડક્વાર્ટર હતું અને અહીં 15 હજારની વસતી હતી. નલિયા, કોઠારા, તેરા, જખૌ, સાંધાણ, સુથરીમાં ભરચક વસતી હતી. ધર્મની દૃષ્ટિએ પંચતીર્થ ગણાતા વાડાપદ્ધર, વાંકુ, લાલા, પરજાઉં, રાપર ગઢ નાની પંચતીર્થ ગણાય, આજે તાલુકામાં 350ની જ જૈનોની વસતી છે. તમામ સુવિધાથી સજ્જ નાની-મોટી પંચતીર્થ ચાતુર્માસ, પર્યુષણ ટાણે ગાજે છે, પછી શાંત ભાસે છે.
ખાવડામાંથી લોહાણાનું સ્થળાંતર
ભુજની ઉત્તરે બન્ની-પચ્છમ-પાશી અને પછી ખાવડા વિસ્તારમાં એક સમયે રઘુવંશી સમાજની એટલી મોટી વસ્તી હતી કે આજે પણ કચ્છમાં ‘ખાવડાઈ’ લોહાણા અલગથી ઉલ્લેખ થાય. હવે ખાવડામાં બીએપીએસ દ્વારા નગર ઊભું કરી દેવાતાં થોડા પરિવારો વસે છે. બાકીના કચ્છ જ નહીં ગુજરાતભરમાં સ્થળાંતરિત થઈ ગયા. અંધૌ, રતડિયામાં આજે આશાપુરા માતાનું મંદિર છે પણ ભક્તો નથી અને મંદિર બંધ છે. અંધૌ મંદિર સદંતર બંધ છે.
બેલામાંથી જૈનોનું પલાયન
પૂર્વ કચ્છમાં તદ્દન સરહદને અડીને બેઠેલા પ્રાંથળના બેલા ગામેથી જૈનસમાજના તમામ ફિરકા પ્રથમ રાપર, ભુજ અને હવે રાપરથી ગાંધીધામ-મુંબઈ કે અમદાવાદ સ્થળાંતરિત થઈ ગયા છે. 250થી વધુ હારબદ્ધ નાની-મોટી દુકાનોથી શોભતી બેલાની બજારને હવે સન્નાટાએ ઘેરી લીધી છે.


