કેન્દ્રીય નેતાના નામે અઢી કરોડ લીધા છેતરાયેલા પાટીદાર નેતાનો આપઘાત

Tuesday 15th August 2023 15:02 EDT
 
 

અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ અપાવીશું તેમ કહીને દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી સાથે બેઠક કરાવી પાટીદાર આગેવાન કિરીટ પટેલ પાસે રૂ. 2.5 કરોડ પડાવી લેવાયા હતા. આ પ્રકરણમાં જિલ્લા પોલીસવડાને જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ ગંભીરતા દાખવવામાં આવી ન હતી. આખરે કિરીટ પટેલે આત્મહત્યા કરી હતી. મહત્ત્વની વાત એ છે કે, પાટીદાર આગેવાનની હત્યા પ્રકરણમાં પીડિત પરિવાર ન્યાયની આશામાં ભટકી રહ્યો છે, ત્યારે પાટીદાર ધારાસભ્ય-સાંસદો મોં સીવીને બેઠા છે, જ્યારે આ મુદ્દે ન્યાય અપાવવા દલિત ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી મેદાને પડ્યા છે. આ કારણોસર મહેસાણા પંથકમાં પાટીદારોમાં જાણે બે ફાંટા પડ્યા હોય તેવો માહોલ સર્જાયો છે.
મહેસાણાના પાટીદાર આગેવાન કિરીટ પટેલે વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપની ટિકિટ અપાવીશું તેમ કહીને કેટલાક લોકોએ દિલ્હીમાં એક કેન્દ્રીય મંત્રી સાથે મુલાકાત કરાવી હતી. મંત્રીને ગિફ્ટ પણ આપવામાં આવી હતી. મંત્રી સાથે બેઠક યોજાયા બાદ તબક્કાવાર કુલ મળીને રૂ. 2.40 કરોડની રકમ લેવામાં આવી હતી. જ્યારે જાણ થઈ કે ભાજપની ટિકિટના બહાને છેતરપિંડી થઈ છે, ત્યારે કિરીટ પટેલે પાંચ આરોપી વિરુદ્ધ પોલીસનો સંપર્ક કર્યો હતો પણ પોલીસે ફરિયાદ નોંધી નહોતી. આખરે જિલ્લા પોલીસવડાને પણ ફોન કરીને ધ્યાન દોર્યું હતું, છતાં પોલીસે કોઈ ધ્યાન ન આપતાં કિરીટ પટેલે આત્મહત્યા કરી હતી. કિરીટ પટેલે 16 પાનાંની સ્યૂસાઇડ નોટમાં આખી વાત વિગતવાર લખી છે.


comments powered by Disqus