શ્રીહરિકોટાઃ ભારતનું મિશન મૂન ચંદ્રયાન-3 ચંદ્રની સપાટીથી એકદમ નજીક પહોંચી ચૂક્યું છે. સોમવારે ચંદ્રયાનને વધુ એક ઓર્બિટ નજીક લઈ જવામાં આવ્યું છે. બેંગાલુરુમાં સ્થિત ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઇસરોએ જણાવ્યું કે, ચંદ્રયાન-3 હવે ચંદ્રમાની સૌથી નજીકની કક્ષામાં પહોંચી ચૂક્યું છે. ચંદ્રયાન-3નું પ્રક્ષેપણ 14 જુલાઈએ કરવામાં આવ્યું હતું અને 5 ઓગસ્ટે તેણે ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કરી લીધો હતો. આ અંગે ઇસરો દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી હતી.
ઇસરો દ્વારા જાણકારી આપવામાં આવી કે હવે 16 ઓગસ્ટે સવારે આશરે સાડા આઠ વાગ્યે આવનારી પ્રક્રિયા કરવામાં આવશે. જે અંતર્ગત ચંદ્રયાનની કક્ષા ધીમેધીમે ઘટાડવામાં આવશે અને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક લઈ જવામાં આવશે.
100 કિ.મી. ઓર્બિટ બાદ અલગ થઈ જશે લેન્ડિંગ મોડ્યુલ
ઇસરો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અંતરીક્ષ યાનને 100 કિ.મી.ની કક્ષા સુધી પહોંચાડવા માટે એક વધુ પ્રક્રિયાને અંજામ આપવામાં આવશે, જે બાદ લેન્ડર અને રોવરથી યુક્ત લેન્ડિંગ મોડ્યુલ આગળની પ્રક્રિયા માટે પોપલ્શન મોડ્યુલથી અલગ થઈ જશે. જે બાદ લેન્ડરના ડિબૂસ્ટ એટલે કે લેન્ડરની ઝડપને કાબૂ કરનારી પ્રક્રિયાથી પસાર થઈ 23 ઓગસ્ટે ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ ક્ષેત્ર પર સોફ્ટ લેન્ડિંગ થવાની આશા છે.


