ગાંધીનગરઃ ગુજરાત સરકાર ઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમ વિસ્તારને રૂ. 393 કરોડના ખર્ચે નવું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવા કાર્યરત્ છે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું કામ ટેન્ડરિંગ પ્રોસેસ દ્વારા પીએસપી પ્રોજેક્ટ્સ લિમિટેડને સોંપ્યું છે, જે દોઢ વર્ષમાં એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ ઇન્ફાસ્ટ્રક્ચર, રસ્તાનું નેટવર્ક ઇલેક્ટ્રિકલ-આઇસીટી-પાણી-ગટરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, યુટિલિટી બિલ્ડિંગ, પાર્કિંગ ઉપરાંત જાહેર સુવિધાઓ સ્થાપશે.
સમગ્ર પ્રોજેક્ટમાં ધારણા કરતાં ખર્ચ વધી રહ્યો છે, જેમ કે પ્રથમ તબક્કે ધારેલા રૂ. 293 કરોડના મૂડીખર્ચમાં 34 ટકાનો ધરખમ વધારો થયો છે, એવી જ રીતે બીજા તબક્કાનો રૂ. 274 કરોડનો ખર્ચ ટેન્ડર પ્રક્રિયા પૂરી થાય એ પહેલાં જ 25 ટકા વધીને રૂ. 345 કરોડે પહોંચ્યો છે. પરિણામે ત્રણેય તબક્કા પૂર્ણ થશે ત્યારે રૂ. 945 કરોડનો અંદાજિત પ્રોજેક્ટ આખરે રૂ. 1500 કરોડમાં પડે તો તે નવાઈ નહીં હોય.
રસપ્રદ એ છે કે સમગ્ર પ્રોજેક્ટમાં બધી જમીન સરકારી હોઈ સંપાદનનો કોઈ ખર્ચ નથી. સમગ્ર પ્રોજેક્ટનો માસ્ટર પ્લાન સહિત ડિઝાઇનિંગનું કાર્ય રૂ. 16 કરોડના ખર્ચે અમદાવાદની કંપની આઇએનઆઇ ડિઝાઇન સ્ટુડિયોને સોંપાયું છે.


