વડીલો સહિત સૌ વાચકો, નમસ્કાર... આપ સહુ પ્રા. ચંદ્રકાન્તભાઇ પટેલના નામ અને કામથી હવે સવિશેષ પરિચિત છો. આગામી દિવસોમાં આપણું આતિથ્ય માણવા લંડન આવી રહેલા, ગુજરાતી ડાયસ્પોરા વિશેના તેમના જ્ઞાનની વહેંચણી કરવા આવી રહેલા પ્રા. પટેલ સાહેબ વિશે અને તેમના જીવનકાર્ય વિશે જેટલું લખીએ તેટલું ઓછું છે. ‘જીવંત પંથ’ના આ પ્રકરણમાં આપણે તેમના કેટલાક યાદગાર સ્વાનુભવો વિશે જાણીશું. આ અનુભવો ગુજરાત બહાર વસીને પણ સવાયા ગુજરાતી બની રહેલા લોકો વિશે, તેમના સંસ્કાર - મૂલ્યો વિશે, તેમની મનોદશાના સારાં-નરસાં પાસાંની આછેરી ઝલક રજૂ કરે છે.
1. યહૂદી યુવતીનો ભારતપ્રેમ
ચંદ્રકાન્તભાઈએ વિદેશ પ્રવાસની શરૂઆત 1973માં ઈઝરાયેલથી કરી. તે જમાનામાં કેટલાક ગુજરાતી યહૂદીઓ ત્યાં વસ્યા હતા. ચંદ્રકાન્તભાઈના ત્યાં પહોંચતા પહેલાં હિબ્રુ દૈનિક ‘દવાર’ જે સૌથી મોટું હતું અને આજેય છે, તેમાં ફોટા સાથે તેમના પરિચયનો લાંબો લેખ આવેલો અને ઈઝરાયેલના એકમાત્ર અંગ્રેજી દૈનિક ‘જેરુસલેમ પોસ્ટ’માં પણ આવો જ પરિચય છપાયેલો. જ્યારે ચંદ્રકાન્તભાઈ જેરુસલેમની એડન હોટેલમાં હતા ત્યારે રિસેપ્શનમાંથી ફોન આવ્યો કે તમને મળવા કોઈક આવ્યું છે. તેમણે આગંતુકને ફોન આપવાનું કહેતાં, આવનારે ફોનમાં કહ્યું, ‘ઈઝરાયેલમાં આપનું સ્વાગત છે. આપ નીચે પધારો તો મળવું છે. હું હાઈમ અને મારી દીકરી એસ્થર આપને મળવા આવ્યાં છીએ.’ ચંદ્રકાન્તભાઈએ તેમને પોતાની રૂમમાં આવવા કહેતાં, તેમણે આવીને શેકહેન્ડ કર્યાં. સાથેની દીકરીને ચંદ્રકાન્તભાઈએ નમસ્કાર કર્યાં.
ચંદ્રકાન્તભાઈની મુલાકાતે આવેલા હાઈમ અને તેમની દીકરી એસ્થર. એસ્થર ઊંચી, ઘઉંવર્ણી, કપાળે બિંદીધારી, તે સાડી પહેરીને આવેલી. ચંદ્રકાન્તભાઈના શબ્દોમાં જ મુલાકાતનો કેટલોક અંશ માણીએઃ
હાઈમ અમદાવાદમાં રહેતા હતા. એમની દીકરી એસ્થર અમદાવાદ સાયન્સ કોલેજમાં બી.એસ.સીનાં બે વર્ષ પૂરાં કર્યા પછી યહૂદી તરીકે ઈઝરાયેલમાં વસવાના હક્કનો ઉપયોગ કરીને પિતા સાથે ઈઝરાયેલમાં વસતી હતી. એસ્થર મેડિકલ કોલેજમાં ભણે. મને સાડી પહેરીને પિતા સાથે મળવા આવેલી. ગુજરાતમાં ય મેડિકલ કોલેજમાં ભણતી છોકરીને સાડી પહેરવાનું ઓછું ગમે ત્યારે મેં સહજભાવે સાડીધારી એસ્થરને પૂછ્યું, ‘ઈઝરાયેલમાં વસવા અને કોલેજમાં ભણવા છતાં સાડી પહેરવાનું તે કેમ પસંદ કર્યું?’
એસ્થર કહે, ‘ઈઝરાયેલમાં વસવાનું પાછળથી થયું. આ પહેલાં હું ગુજરાતી હતી. ભારતીય હતી. તમે ગુજરાતમાંથી આવો છો ત્યારે મને પણ તમારા જેટલો જ ગુજરાતના પ્રત્યે પ્રેમ છે તે બતાવવા સાડી પહેરી છે. કોલેજમાં છોકરાઓ મને ‘હોદુ’ (ઈન્ડિયન) કહે છે. ત્યારે હું ગુસ્સે થઈને કહું છું - હા. હું ‘હોદુ’ છું. હોદુ રહેવાની છું.’
એસ્થર વર્ષો પછી સમગ્ર ઈઝરાયેલમાં રેડક્રોસની હેડ બની હતી એમ મેં જાણ્યું હતું. સાડીધારી એસ્થરે મને ઢંઢોળ્યો. પશ્ચિમી પોશાક પહેરીને ઈઝરાયેલ ગયેલા મેં ઈઝરાયેલમાં બાકીનાં પાંચ અઠવાડિયાં લેંઘો - ઝભ્ભો અને ઉપર જાકીટ પહેરીને પસાર કર્યાં.
2. વિખરાયેલાં પ્રવાસથી ભેગાં મળ્યાં
ચંદ્રકાન્તભાઈ લખવા નિમિતે કેલિફોર્નિયામાં, સિલિકોન વેલીમાં એક આઈટી બિઝનેસમેન મુકેશભાઈ પટેલ નામના યુવકને મળ્યા. મુકેશભાઈનાં બાનો ચહેરો જોઈને ચંદ્રકાન્તભાઈએ કહ્યું, ‘તમારા જેવો જ ચહેરો મારા એક ઓળખીતા રાસના કાન્તિભાઈનાં પત્ની સુશીલાબહેનનો છે.’
પેલાં બહેન કહે, ‘એ તો મારી નાની બેન.’ આ પછી પરિવાર સાથે ઘરોબો અનુભવતાં ચંદ્રકાન્તભાઈએ પુછયુંઃ ‘અમેરિકા આવતા પહેલાં તમે ક્યાં હતાં?’ એ બહેન કાન્તાબહેન. તેમણે કહ્યું, ‘અમે કંપાલામાં હતા. ઈદી અમીનના કારણે કંપાલા છોડેલું.’ ચંદ્રકાન્તભાઈએ કહ્યું, ‘કંપાલામાં યુગાન્ડામાં મારા એક નારવાસી મિત્ર જયંતિભાઈ અને તેમનાં પત્ની વિમળાબહેન હતાં. જીવનમાં ભાભી તરીકે મેં માત્ર તેમને જ સંબોધ્યાં છે.’
કાન્તાબહેન કહે, ‘એ અમારાં પાડોશી. અમારે ઘર જેવા સંબંધો. મુકેશને જયંતિકાકા જોડે ખૂબ ફાવતું. અમને ખૂબ યાદ આવે છે. તે ક્યાં છે? જીવે છે? સાજાસમા છે કંઈ જ ખબર નથી.’
ચંદ્રકાન્તભાઈ કહે, ‘તમારે વાત કરવી હોય તો ફોનથી થાય. કહો તો નંબર જોડી દઉં.’ ચંદ્રકાન્તભાઈએ નંબર જોડીને જયંતિભાઈ સાથે વાત કરી અને મુકેશભાઈને આપ્યો. જયંતિભાઈએ સીધી જ શરૂઆત કરી, ‘અલ્યા મૂકા? ક્યાં છે? કાન્તાબહેન ક્યાં છે?’
લાંબી વાતો ચાલી. વિખૂટાં પડ્યાં પછી વર્ષો પછી મળ્યા. આ મુકેશભાઈએ ચંદ્રકાન્તભાઈના સારા અભિપ્રાયે ચારુતર વિદ્યામંડળને 9 કરોડ રૂપિયાનું દાન આપ્યું. એમાંથી એમના પિતા અડાસના અરવિંદભાઈ પટેલના નામે વિદ્યાનગરમાં ‘એ.ડી. પટેલ ટેક્નિકલ ઈન્સ્ટિટ્યુટ’ એન્જિનિયરીંગ કોલેજ બની. આ પછી પણ મુકેશભાઈએ ઘણાં દાન આપ્યાં.
મુકેશભાઈએ પોતાની આવડતના જોરે એક આઈ.ટી. કંપની કરી હતી. પાંચેક વર્ષમાં કંપની એટલી જામી કે બે બિલિયન ડોલરમાં વેચી. ચંદ્રકાન્તભાઈએ મુકેશભાઈને પૂછ્યછયું કે ‘હવે શું કરશો?’ મુકેશભાઈ કહે, ‘આ કંપની ઊભી કરવામાં મેં માત્ર બુદ્ધિ જ વાપરી હતી. એ જ મારું રોકાણ. મેં કંપની વેચી છે પણ બુદ્ધિ મારી પાસે રહી છે. હવે બીજી કંપની કરીશ.’
મુકેશભાઈ જેવા ગુજરાતી યુવકો જ ગુજરાતની સાચી મૂડી છે.
3. શ્યામવર્ણી યુવતી અને જૈન યુવકની પ્રેમકથા
સૌરાષ્ટ્રના ઓશવાળ જૈન પ્રેમચંદ શાહે ટાન્ઝાનિયાના મુસોમામાં હાટડી માંડી. પ્રેમચંદનાં છ સંતાનોમાં ત્રીજા તે મંજૂલ. મા-બાપની દુકાને મદદરૂપ બને. કોલેજમાં દારેસલામ ભણે ત્યારે હોકીની ટીમનો કેપ્ટન. વેકેશનમાં મુસોમાં આવે ત્યારે વળી એ જ ઘટમાળ. પિતાને મદદ કરે. એજન્સીઓને પત્ર લખે. હિસાબકિતાબ લખે. સારા નામે શ્યામવર્ણી યુવતી. તે પ્રેમચંદની દુકાને માલ ખરીદવા આવે. સારા પોતે નાની દુકાન ચલાવે. તૈયાર કપડાં વેચે. કાપડ ખરીદીને કપડાં સીવીને તૈયાર રાખે. ગ્રાહક કાપડ લાવે તો સીવી આપે અને રિપેર પણ કરી આપે.
સરકારી તંત્ર શાળાઓ માટે ડ્રેસનો ઓર્ડર આપે. આ માટે અરજી કરવી પડે. ઓર્ડર મંજૂર થાય તો સમયસર કપડાં પહોંચાડવા પડે. કપડાંનું બીલ મૂકવું પડે. બીલની રકમ ના આવે તો ઉઘરાણી પત્ર લખવો પડે. મંજૂલમાં પરોપકાર ભાવના. તે મદદરૂપ થાય. દિવસે દિવસે પરિચય વધતાં પરિચય પ્રેમમાં પલ્ટાયો. બી.એસ.સી. પછી મંજૂલે દારેસલામથી આવી પિતાની દુકાને એક વર્ષ કામ કર્યું. તેમાં મૈત્રી વધી. મંજુલને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવા આર્ટિકલશિપ માટે યુકે જવાનું થયું. સારા માટે આઘાતજનક અને ચિંતાજનક સમાચાર હતાં. મંજૂલ યુકે જશે. ફરી જીવનમાં ક્યારેય નહીં મળે. વિયોગ થશે એમ માની રડ્યા કરે. મંજૂલની સાથે જઈ ના શકાય. રોકી પણ ના શકાય.
એક દિવસ ભાવવિભોર થઈને મળી. કહે, ‘જાવ છો તો ભલે પણ તમારા પછી જેના આધારે જીવાય એવો સધિયારો - સ્મૃતિભેટ આપીને જાવ.’ ભાવવિભોર થઈને, રડતી સારા મંજૂલને વળગી પડી. મંજૂલ લાગણીમાં તણાયો. બંને દિલ અને દેહનું એકત્વ પામ્યાં. મંજૂલ લંડન પહોંચ્યો. સારા એકલી રહી. દુકાન ચલાવતી રહી. સારાને પુત્રી જન્મી. બંનેના પ્રેમની પ્રતિમા શી એ પુત્રીનું નામ પ્રતિમા રાખ્યું. સારા એના સમાજના રિવાજ મુજબ પ્રતિમાને ઉછેરતી રહી. મંજૂલભાઈ સી.એ. થઈને ટાન્ઝાનિયા આવ્યા. પ્રતિમાને ઉછેરવામાં, ભણાવવામાં એ આર્થિક મદદ કરતા રહ્યા. એકાદ વર્ષ મુસોમાં રહ્યા પણ ટાન્ઝાનિયામાં ભણતરને અનુરૂપ નોકરી ના મળતાં લંડનની બોત્સવાના ઈન્ટરનેશનલ ઓડિટિંગ કંપનીમાં જોબ મળી. કંપનીએ એમને સિનિયર મેનેજર બનાવ્યા. ગેબોર્નમાં કામ કર્યું. ગમી ગયું. સારા હજી મુસોમા હતી. દીકરીને ભણાવવા - સી.એ. કરવા મંજૂલભાઈએ લંડન મોકલી. મંજૂલભાઈનાં પરિવારે પ્રતિભાને દીકરી તરીકે સ્વીકારી. અવારનવાર સારા અને મંજૂલભાઈની મુલાકાત થતી. સારા એની રીતે મુસોમામાં જીવતી. એ કેન્સરમાં મરણ પામી. મંજૂલભાઈ ચારિત્ર્યશીલ અને સાચના પૂજારી. મંજૂલભાઈ ફરી ના પરણ્યા. એમની પાસે સારી પગારદાર નોકરી. પછી તો ગેબોર્નમાં મોલ જેવો મોટો ભાગીદાર વિનાનો પોતાનો સ્ટોર. એમણે ડો. સ્વામીના સંપર્કે બીએપીએસની કંઠી બાંધી છે. પ્રતિમા લંડનથી આવીને પિતા સાથે રહે છે. ગુજરાતી સમજે છે. ભજનો ગાય છે. પૂજા આરતી કરે છે. ગુજરાતી રસોઈ કરીને બાપને સાચવે છે. બોત્સવાનાના પાટનગર ગેબોર્નના શિખરબંધ સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટ, ખજાનચી અને સમર્પિત સત્સંગી તરીકે ગુજરાતીઓમાં એમની નોખી ભાત પડે છે. સારાને એમણે ક્યારે ત્યજી નહીં. દગો ના કર્યો. એના પ્રેમની પ્રતિમાને એમણે જાળવી છે.
4. લોસ એન્જેલસમાં પતિની જોહુકમીનોય અનુભવ
લોસ એન્જેલસમાં એક ગુજરાતી મહિલા કાર્યકરને મળીને ઈન્ટરવ્યુ લેવાનો હોવાથી ચંદ્રકાન્તભાઈને એમના યજમાન ત્યાં મૂકી ગયાં. ત્યાં જમવાનું નક્કી હતું. ઈન્ટરવ્યુ પતે પછી પેલા યજમાન ચંદ્રકાન્તભાઈને લેવા આવવાના હતા. બહેને જમવાનું બનાવી રાખ્યું હતું. પ્રાથમિક વાતો ચાલતી હતી એવામાં ‘પતિદેવ’ પધાર્યાં. તેમણે પત્ની ઈન્ટરવ્યુ આપે છે એ જાણ્યું અને પત્નીને તાડૂક્યા, ‘સાલી! તારે એકલીને અમર થઈ જવું છે. દુનિયામાં વાહ વાહ કરાવવી છે અને મને ભોંઠો પાડવો છે. મારા ઘરમાં આ ધતિંગ નહીં ચાલે.’
ચંદ્રકાન્તભાઈ પતિદેવને શાંત પાડવા મથ્યા. બરાબર પીધેલા પતિદેવ શાના શાંત થાય. કહે, ‘તમે મહેમાન છો. અમારા ઘરે આવ્યા એ સારું થયું, પણ આનું કંઈ લખવા જેવું નથી. લખશો જ નહીં.’ પેલાં બહેને રડવાનું શરૂ કર્યું. એમણે રડતાં રડતાં એમના દેહનાથને કહ્યું, ‘નહીં લખાવું. હવે તો રાજી ને! મહેમાન સાથે શાંતિથી જમીને બીજી વાતો કરો!’ પતિદેવ બેઠાં. ચંદ્રકાન્તભાઈ પણ બેઠા પણ કોળિયો શી રીતે ઊતરે? ખાવાનો દેખાવ કરીને પતાવ્યું. યજમાનને ફોન કરીને લેવા બોલાવ્યા. યજમાન જાણીને કહે, ‘આવો હલકટ છે એની જાણ જ ન હતી.’
વાચક મિત્રો, ગુજરાતી સમુદાયની જાતભાતની, જાણીઅજાણી વાતો - અનુભવોનો ખજાનો ધરાવતા પ્રા. ચંદ્રકાન્ત પટેલ સાહેબના જ્ઞાનનો લહાવો લેવા તેમના બ્રિટન રોકાણ દરમિયાન શ્રેણીબદ્ધ પ્રવચનોનું આયોજન કર્યું છે.
‘ગુજરાત સમાચાર’ની સુવર્ણજયંતીની ઉજવણીના ભાગરૂપે યોજાઇ રહેલા આ કાર્યક્રમોની વધુ વિગતો જાણવા માટે વાંચતા રહો આપનું પ્રિય ‘ગુજરાત સમાચાર’... (ક્રમશઃ)


