ફ્રાન્સ-ભારત વચ્ચે છ પરમાણુ સબમરીન બનાવવા મંત્રણા

Wednesday 16th August 2023 09:31 EDT
 
 

નવી દિલ્હીઃ હાલ ભારત અને ફ્રાન્સ વચ્ચે છ ન્યુક્લિયર સબમરીન બનાવવા વાટાઘાટો ચાલી રહી છે. જો આ વાટાઘાટો સફળ થશે તો ભારતની નૌ-સેનાની દરિયાની અંદરની તાકાત બમણી થઇ જશે. ચાર વર્ષથી આ દરખાસ્ત સરકારની મંજૂરીના અભાવે લટકતી હોવાથી પડકારો વધી ગયા છે. ભારત પાસે રશિયાની અકુલા ક્લાસની પરણા સબમરીન હતી જેને લીઝ પર લેવામાં આવી હતી. આ લીઝ પણ 2021માં પુરી થઇ ગઇ છે. હાલ ભારતીય નૌ સેના પાસે કોઇ પરમાણુ સબમરીન નથી. ભારતે તેની આ કમીને દૂર કરવા ફ્રાન્સ સાથે વાટાઘાટો શરૂ કરી છે.
ભારતની સબમરીન્સ 1980ના દશકની બનાવટની છે. ભારતની આ પરંપરાગત સબમરીન્સના સ્થાને પરમાણુ હુમલો કરી શકે તેવી એસએસએન ક્લાસની સબમરીન્સ મેળવાશે. હાલ હિંદ મહાસાગર પર દરિયાઇ તાકાતને જોરે વિવિધ દેશોને કનડતાં ચીનને જવાબ આપવા માટે ભારત પાસે એસએસએન ક્લાસની સબમરીન્સ હોવી જરૂરી છે. ભારત આ જરૂરિયાતને સમજી આ પ્રકારની સબમરીન્સ પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
ભારત હવે વિમાનવાહક જહાજો બનાવવાને બદલે એસએસએન ક્લાસની સબમરીન્સ બનાવવા માટે પ્રવૃત્ત થઇ રહ્યું છે. એસએસએન ક્લાસની સબમરીન દરિયામાં લડાકુ વિમાન જેવું કામ આપે છે. સામરિક સંતુલન જાળવવા માટે ભારત પાસે એસએનએન સબમરીન્સ હોવી જરૂરી છે.


comments powered by Disqus