ભારતને સુપર પાવર બનાવવા માથાદીઠ આવક વધારવી પડશે

Wednesday 16th August 2023 06:19 EDT
 

વૈશ્વિક ફલક પર ચર્ચા ચાલી રહી છે કે ભારત વિશ્વમાં આગામી સુપર પાવર તરીકે ઉભરી શકે છે. ભારત સરકાર પણ છેલ્લા ઘણા સમયથી ભારત ટૂંકસમયમાં વિશ્વની ત્રીજા ક્રમની આર્થિક શક્તિ તરીકે ઊભરી આવશે તેવા દાવા ઠોકી રહી છે. એ વાતમાં કોઇ શંકા નથી કે છેલ્લા એક દાયકામાં ભારતના અર્થતંત્રે ઘણું કાઠું કાઢ્યું છે. રેટિંગ એજન્સીઓ ભારતને હવે ઓવરવેઇટ તરીકે અંદાજવા લાગી છે. મોદી સરકાર દ્વારા હાથ ધરાયેલા આર્થિક સુધારાના કારણે મલ્ટી નેશનલ કંપનીઓ ભારતમાં મૂડીરોકાણ કરવા આતુર છે. પરંતુ સુપર પાવર બનવા માટે દેશની વસતી પણ સુપર પાવર હોવી જરૂરી છે અને ભારતમાં ખાટલે મોટી ખોડ અહીં જ છે. ભારતમાં માથાદીઠ આવક માત્ર 2500 ડોલર પ્રતિ વર્ષ છે જ્યારે એશિયાની બીજી આર્થિક શક્તિ ચીનની માથીઠ આવક 12700 ડોલર છે. મોદી સરકાર ભારતના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન અમેરિકન ડોલરનું બનાવવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. 2018માં ભારતીય અર્થતંત્રનું કદ 2.80 ટ્રિલિયન ડોલરનું હતું અને 2024માં તે પાંચ ટ્રિલિયનનો લક્ષ્યાંક હાંસલ કરે તેવા દાવા કરાતા હતા. પરંતુ કોરોના મહામારીએ વિશ્વના અન્ય દેશોની જેમ ભારત પર પણ વિપરિત અસર કરી અને તેના કારણે હવે આ લક્ષ્યાંક હાંસલ કરતાં 2027થી 2029ના વર્ષ આવી જવાની સંભાવના વર્તાઇ રહી છે. વર્ષ 2000 સુધી ભારતનું સ્થાન 15 દેશોમાં આવતું હતું ત્યારબાદ 2007માં ભારતીય અર્થતંત્ર ટોપ ટેન ઇકોનોમીમાં સામેલ થઇ ગયું હતું. 2020માં ભારત વિશ્વના ટોચના પાંચ અર્થતંત્રમાં સામેલ થયું છે. તેમ છતાં ભારતે આર્થિક વિકાસ દર ઝડપી બનાવવો હશે તો માથાદીઠ આવક વધે તે દિશામાં આગળ વધવું પડશે. માથાદીઠ આવકમાં વધારા માટે રોજગારની નવી દિશાઓ તલાશવી પડશે. રોજગાર વધારવા દેશમાં મૂડીરોકાણ વધારવું પડશે. કોરોના મહામારીમાં એમએસએમઇ સેક્ટર મૃતપાય બની ગયું હતું. આ સેક્ટર ભારતમાં સૌથી વધુ રોજગાર ઉપલબ્ધ કરાવે છે તેથી તેને બેઠું કરવા માટે સરકારે આર્થિક અને ટેકનોલોજીનું પીઠબળ આપવું પડશે. સુપર પાવર બનવા માટે ભારતે હજુ ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે. હાલની અને ભવિષ્યની સરકારોએ ભારતને સુપર પાવર બનાવવા માટે મજબૂત અને દ્રઢ આર્થિક પગલાં અને નીતિઓ અપનાવવી પડશે.


comments powered by Disqus