મહિલા સાથેનો વીડિયો વાઈરલ થતાં આણંદ કલેક્ટર ડી.એસ. ગઢવી સસ્પેન્ડ

Tuesday 15th August 2023 16:44 EDT
 
 

ગાંધીનગરઃ આણંદ જિલ્લા કલેક્ટર અને 2008 બેચના આઇએએસ અધિકારી ડી.એસ. ગઢવીને ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. ગઢવીનો એક મહિલા સાથેનો વાંધાજનક વીડિયો વાઇરલ થતાં સરકારે આ પગલું લીધું છે. આ કથિત વીડિયોમાં ગઢવી મહિલા સાથે ગેરવર્તણૂક કરતા દેખાય છે. આ વીડિયો છ મહિના પહેલાંનો છે અને તેમાં ગઢવી પોતાની કચેરીમાં જ મહિલાને બોલાવીને હરકતો કરી રહ્યા છે. ગુજરાત સરકારે બુધવારે જાહેર કરેલા હુકમ અન્વયે ગઢવીને ગેરવર્તણૂક તથા નૈતિક પતનના કારણસર ફરજમોકૂફ કરાયા છે. આ સાથે સરકારે ત્રણ મહિલા આઇએએસ અને બે સંયુક્ત સચિવ કક્ષાના અધિકારીની સમિતિ બનાવીને તપાસના આદેશ આપ્યા છે.
કલેક્ટરની ઓફિસમાં સ્પાય કેમેરા દ્વારા વીડિયો શૂટ કરાયું હોવાની આશંકા છે. તપાસ સમિતિમાં અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, અગ્રસચિવ મમતા વર્મા, સચિવ મનીષા ચન્દ્રા તથા સચિવાલયનાં અધિકારીઓ દેવી પંડ્યા તથા ભક્તિ શામળને સમાવાયાં છે. તેઓ આ કિસ્સામાં તપાસ કરીને સામાન્ય વહીવટ વિભાગને પોતાનો અહેવાલ સોંપશે.
અધમ કૃત્યના વીડિયો ક્લિપિંગ કાંડ બાદ આણંદ કલેક્ટરેટમાં એક-એક કર્મચારી, અધિકારીનો રિવ્યૂ કરીને ગુણદોષને આધારે સફાયો કરવા મુખ્યમંત્રી કાર્યાલયથી આદેશો છૂટ્યા છે. જેના પગલે શુક્રવારે સવાર પડતાં જ સસ્પેન્ડેડ કલેક્ટર ડી.એસ. ગઢવી અને તાપી ભેગા કરાયેલા નિવાસી અધિક કલેક્ટર- આરએસી કેતકી વ્યાસ સાથેના સહાયક સ્ટાફને છૂટો કરી દેવાયો છે.


comments powered by Disqus