નવી દિલ્હીઃ લોકસભામાં શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતીય દંડ સંહિતા (IPC) ને બદલવા માટે ભારતીય ન્યાય સંહિતા બિલ-2023 રજૂ કર્યું હતું. આ બિલમાં બદનક્ષી, દારૂ પીધા પછી ગેરવર્તન જેવા ગુના માટે સજા તરીકે ‘સમુદાય સેવા’ની જોગવાઈ કરવામાં આવી છે.
અમિત શાહે રજૂ કરેલા બિલમાં ઇન્ડિયન પિનલ કોડ-1860, ક્રિમિનલ પ્રોસિજર કોડ-1898 અને ઇન્ડિયન એવિડન્સ કોડ-1872નો સમાવેશ થાય છે. અમિત શાહ દ્વારા રજૂ કરાયેલાં નવાં બિલોમાં ભારતીય ન્યાય સંહિતા બિલ-2023, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા બિલ-2023 અને ભારતીય પુરાવા બિલ-2023નો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, આ પહેલાં આઇપીસીની એક્ટ હેઠળ મૃત્યુ, આજીવન કેદ, સખત કેદ, સાદી કેદ, સંપત્તિ જપ્ત કરવા અને દંડના રૂપમાં સજાની જોગવાઈ હતી. હવે આ યાદીમાં ‘સમુદાય સેવા’નો પણ ઉમેરો થયો છે. ઉપરાંત અકસ્માત બાદ વાહન ચાલક સ્થળ પરથી ભાગી જતાં દસ વર્ષની જેલ થઈ શકે છે.


