અમદાવાદઃ ગુજરાત એટીએસ દ્વારા પકડવામાં આવેલા 3 આતંકીને મામલે રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. જે અનુસાર આરોપીઓ છેલ્લાં એક વર્ષથી અલકાયદાના સંપર્કમાં હતા તેમજ આતંકીઓ ટેલિગ્રામ મારફતે જેહાદી પ્રવૃત્તિની સોફ્ટ કોપી મગાવતા હતા.
આતંકીઓ દ્વારા હાલ પ્રભાવિત કરવાની કોશિશ કરવામાં આવેલા મૂળ બંગાળના 15 યુવકનાં નિવેદન લેવામાં આવ્યાં છે. આ તમામ રાજકોટના સોનીબજારમાં કામ કરતા હતા. આ યુવાનો દ્વારા ટેલિગ્રામ ડિલિટ કરી દેવાતાં એફએસએલની મદદ લેવામાં આવી છે. અત્યાર સુધી આ યુવકોને આતંકીઓ દ્વારા કોઈ ટાર્ગેટ આપવામાં આવ્યો નથી. પકડાયેલા ત્રણેય આતંકી છેલ્લા છ મહિનાથી રાજકોટના સોનીબજારમાં જ રહીને કામ કરતા હતા અને અલકાયદાથી પ્રભાવિત થઈ તેનો ફેલાવો કરતા હતા. તેઓ સોનીબજારમાં બાંગ્લાદેશના મુસ્લિમ કારીગરોને દેશ વિરુદ્ધ ભડકાવવાનું કામ કરતા હતા. પશ્ચિમ બંગાળથી તેઓ રાજકોટ પહોંચ્યા હતા. પકડાયેલા આતંકીઓ અમન સિરાજ મલિક, તેનો સાળો અબ્દુલ સુકર અલી ઉર્ફે હોવાનું અને અબ્દુલ્લા અને શેફ નવાજ ક્ટરપંથી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


