વલસાડઃ 77મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી વલસાડમાં યોજાઈ, જ્યાં ધમડાચીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તિરંગો ફરકાવવામાં આવ્યો છે. આ સાથે અહીં શાનદાર પરેડ પણ યોજાઈ હતી.
રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં જણાવ્યુ કે, રાજ્યના લોકો જ રાજ્યની સાચી તાકાત છે, જેથી રાજ્યના લોકોના સશક્તિકરણ માટે સરકારે આહાર, આરોગ્ય અને આવાસ એમ ત્રણેય ક્ષેત્રોને અગ્રિમતા આપી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે, જ્યાં પોતાની સેમિકંડક્ટર પોલિસી જાહેર કરાઈ છે. સેમિકંડક્ટરનો સૌપ્રથમ પ્લાન્ટ સાણંદમાં આકાર લઈ રહ્યો છે. આ સિવાય વનબંધુ કલ્યાણ-2 યોજનાને અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત આગામી 5 વર્ષમાં રૂ. 1 લાખ કરોડનો ખર્ચ કરવાનું આયોજન કરાયું છે.
પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રીનો સંદેશ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 77મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, ગુજરાત 33 ટકા નિકાસ સાથે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે.
ભારત સ્વતંત્રતાના સાડા સાત દાયકા પૂરા કરી આજે વિશ્વમાં મોટા લોકતાંત્રિક રાષ્ટ્ર તરીકે ઉન્નત મસ્તકે ઊભું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની માટીમાં પાકેલા રત્નોની સ્મૃતિને ચિરંજીવ રાખવા ‘મારી માટી - મારો દેશ’નું અભિયાન ઉપાડ્યું છે. તેમણે 2014માં દેશનું શાસનદાયિત્વ સંભાળ્યું, ત્યારથી જ દરેક નીતિ ઘડતરમાં – ‘નેશન ફર્સ્ટ’નો ભાવ અડગ રાખ્યો છે.
મુખ્યમંત્રીએ દેશની વિરાસતોનું ગૌરવ કરીને અને નાગરિક દાયિત્વ નિભાવીને એકતા-અખંડિતતા બરકરાર રાખીને મા ભારતીને પરમ વૈભવના શિખરે બિરાજિત કરવાનો સંકલ્પ કરવા સૌને આહવાન કર્યું છે. મુખ્યમંત્રીએ પ્રજાજોગ સંદેશામાં જણાવ્યું છે કે, વીર સાવરકર, શ્યામજી કૃષ્ણવર્મા, સરદારસિંહ રાણા, સુખદેવ, રાજગુરુ, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, ખુદીરામ બોઝ, મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા અનેક શૂરવીરો દેશની માટીમાં પાક્યા છે. દેશની માટીને નમન, વીરોને વંદન, માતૃભૂમિને નમન અને દેશના સપૂતોને શ્રદ્ધાંજલિ આપનારું આ અભિયાન રાષ્ટ્રભાવના જાગૃત કરવાનું છે.
ગુજરાત આઝાદીની જંગમાં અગ્રેસર રહેલું રાજ્ય છે. આ જ ભૂમિના સપૂતોની વંદના અને પુણ્ય સ્મરણ કરીને ‘મારી માટી - મારો દેશ' અભિયાનને જ્વલંત સફળતા અપાવવાનો આપણો સંકલ્પ છે.


