આપણા સમાજના કેટલાય ઘર-દીવડાંઓ અન્યોના જીવનમાં ઉજાશ ફેલાવવાનું સ્તુત્ય કાર્ય કરી રહ્યાં છે જેનો પરિચય આપણને થાય ત્યારે ગૌરવ ઉપજે!
‘અબળા તેરી યહી કહાની, આંચલમે દૂધ ઔર આંખોમેં પાની...' પંક્તિઓને જાકારો આપે અને અબળા હવે અબળા નહીં, સબળા બની છે. એ હકીકત હોવાનું અનેક બહેનોએ પોતાના કર્મ દ્વારા પુરવાર કર્યું છે. આપણે આવા જ એક બહેન પ્રીતિ જોષીને મળીશું.
શાળામાં ગુજરાતી ન શીખ્યા હોવા છતાં આપમેળે શીખી ગુજરાતી સાહિત્યમાં રસ ધરાવવા ઉપરાંત મરાઠી, હિન્દીનું જ્ઞાન પણ એમણે મેળવ્યું છે.
સાહિત્યનો શોખ વારસામાં મળ્યો છે. ભારતીય વિદ્યા ભવનના સ્થાપક શ્રી કનૈયાલાલ મુન્શી પ્રીતિબહેનની મમ્મીના અંકલ છે. અને એમની માતા હસમનબહેન એમને કહેતાં કે, ‘તારી બધી અક્કલનું કારણ, કાકાએ તારા માથા પર હાથ ફેરવી કહ્યું હતું કે મારા જેવી સાક્ષર થજે."
મુંબઇમાં ઉછર્યા બાદ લગ્ન કરી સંજય જોષી, MBA-પ્રોગ્રામ ડાયરેક્ટર સાથે લગ્નગ્રંથિથી જોડાઇ ૧૯૯૦માં લંડન આવ્યાં. ઇકોનોમીકસ અને ફાયનાન્સીયલ એકાઉન્ટીંગ અને સાયકોલોજીમાં પોતે અન્ડર ગ્રેજ્યુએટ હતાં. લંડન આવી યુનિવર્સિટી ઓફ કેન્ટમાં સોસીયલ વર્કમાં માસ્ટર ડીગ્રી માટે ઇન્ટરવ્યુ આપવા ગયા ત્યારે સોસીયલ વર્ક એટલે શું? નો જવાબ ‘સોસીયલ વર્ક મતલબ મારા અંતરમાંથી સમાજસેવાનો અવાજ ઉઠે છે; સમાજના જરૂરતમંદોને સહાયરૂપ થવાની મારી મહેચ્છા છે" એમ જણાવ્યું. પરીક્ષકો એમના જવાબથી પ્રભાવિત થયા. અભ્યાસ માટેની ફૂલ સ્કોલરશીપ ગ્રાન્ટ કરી, પ્રીતિબહેને M.A. સોસીયલ વર્કની ડીગ્રી ડિસ્ટ્રીક્શન સાથે મેળવી. હાલ એમના લગ્નને ૩૨ વર્ષ થયાં છે. બે દિકરાઓના માતા છે. એક દીકરો ક્રિષ્ના એટર્ની અને બીજો અર્જુન ડોક્ટર છે. મોરના ઇંડા ચીતરવા ન પડે!
પોતાની મહેચ્છા મુજબ સામાજિક પ્રવૃત્તિઓમાં ઝૂકાવ્યું. ૨૦૧૦માં રીથીંક મેન્ટલ ઇલનેસ અને કેરર્સ યુ.કે. સાથે હાથ મિલાવી વોલંટીયર કામનો શુભારંભ કર્યો. સાઉથ એશિયન કોમ્યુનિટીમાં માનસિક બિમારીથી પીડાતા લોકોને અને તેમની સંભાળ રાખતા કેરર્સને ટેકો મળી રહે એ માટે ગૃપો બનાવ્યા. જેઓના નિદાન બે હોય, ડ્રગ અને આલ્કોહોલનો દુરૂપયોગ કરાતો હોય તેવાઓની વ્હારે જવા સ્થાનિક કોમ્યુનિટીનું નેતૃત્વ લઇ મીડ વે કોમ્યુનિટીની સ્થાપના કરી તેના પ્રેસિડેન્ટ બન્યાં, જે હવે મીડ વે હિન્દુ પરિષદ તરીકે ઓળખાય છે. તેઓ મીડ વે એથનિક માયનોરિટી ફોરમના ય પ્રથમ ભારતીય મહિલા ચેર બન્યાં. જે હવે મીડ વે ડાયવર્સિટી ફોરમ તરીકે જાણીતું છે.
આ બે હોદ્દાઓ પરથી નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી. જેમાં વિકલાંગ બાળકો અને ખાસ જરૂરિયાતવાળા બાળકોના પરિવારને રાહત (બ્રેક) મળે અને બી-ફ્રેન્ડીંગ સર્વિસ મળે એ માટેના કમિશ્નીંગમાં સફળતા મળી. એ સાથે રીથીંક હેલ્થ પ્રોજેક્ટમાં બેસ્પોક સર્વિસ આપણા સમાજના લોકોને મળે તે માટેનું સ્ટીયરીંગ ગ્રુપ બનાવ્યું જેના પ્રથમ ચેર બન્યાં. એ માટે 600,000 પાઉન્ડ મળ્યાં. અન્ય સિદ્ધિમાં સ્થાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું રૂપાંતર કરી CAB અને એજ. યુ.કે, વગેરે સાથે ભાગીદારી નોંધવી સીવીલ સોસાયટીમાંથી 10,000 પાઉન્ડની ગ્રાન્ટ મેળવી મીડ વે મેળાનું આયોજન કર્યું જેમાં સંવેદનશીલ વિભાગ ઉભો કરી ખાસ જરૂરિયાતવાળા બાળકોને પ્રથમવાર આઉટડોર ઇવેન્ટ માણવાનું સૌભાગ્ય સાંપડ્યું. મીડ વે હેલ્થ વોચ અને લોકલ ઇન્ફ્રાસ્ટ્રકચર વોચના ડીરેક્ટર બની સેવા સાદર કરી.
સોસીયલ વર્કર બન્યાં ત્યારથી બાળકોની દેખરેખ, બાળકોનું રક્ષણ, પેલેટીવ કેરમાં હોસ્પીસ જ્યાં ગંભીર માંદગીના બીછાને હોય તેમના માટે કામ કરવું, સિસ્ટમેટીક પ્રેક્ટીશ્નર તરીકે કુટુંબો, બાળકો અને દંપતિઓના સલાહકાર બની એમના હક્કો અને સંબંધો આધારિત થેરાપ્યુટીક તરીકે સેવા આપવાનું કામ એમના જીવન મંત્ર બની ગયા છે.
સેવાઓની આ વિશાળ શ્રેણીમાં કામ કરતાં પોતાના સ્વાનુભવ વિષે પ્રીતિબહેન જણાવે છે કે, આ ખૂબ જ નમ્ર પ્રોફેસન છે જે જીવન જીવવાનું શીખવે છે. બીજાના દુઃખ-દર્દને નજીકથી નિહાળીએ ત્યારે થાય કે, આપણા પર ઇશ્વરની કૃપા છે તો જરૂર છે એવાઓને મદદ કરવાની આપણી ફરજ
બને છે.
સેવાનો ગુણ એમને માતા હસમનબહેન ભટ્ટ અને પિતા સ્વ શ્રી રસિકલાલ ભટ્ટ તરફથી મળેલ છે. પિતા વસોના અને માતા ભરૂચના મૂળ છે. મ્યુઝીક વિશારદ માતા. મુંબઇમાં ભૂગોળના શિક્ષિકા હતા અને ત્યાંની જાણીતી ગર્લ્સ સ્કૂલના હેડ હતા. તેઓ લેખિકા અને પ્રકાશક છે, જ્યારે પિતાશ્રી તે સમયના અગ્રણી ફાર્માસીસ્ટ હતા. માતા-પિતાએ એમનામાં સખત મહેનત, સામાજિક ન્યાય અને દયા-કરૂણાના પાઠના બીજ રોપ્યા હતા જે કરીયરમાં અને સમાજસેવાના કાર્યમાં ફળીભૂત થયા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, મારા જીવનનો લક્ષ્યાંક વધુ એકાગ્ર બન્યો તેનો યશ મારા ગુરૂદેવ પૂ. શ્રી રાકેશભાઇ ઝવેરીને આપીશ. સદ્ગુરૂથી જ જ્ઞાન અને માર્ગદર્શન મળે છે એવું મારું દ્રઢપણે માનવું છે.
૨૦૧૨માં ગુરૂદેવ યુ.કે. આવ્યા ત્યારે હું એમને મળી મારી બહેન વર્ષોથી શ્રીમદ્ રાજચંદ્રમાં માને છે. એ વખતે હું પેલેટીવ કેરમાં કામ કરતી. રોજ-રોજ લોકોને મરતા જોઇ મનમાં પ્રશ્ન ઉદ્ભવતો કે હું કોણ? એના જવાબની શોધમાં ગુરૂદેવ સાથે મુલાકાત થઇ. ગુરૂદેવનું લખાણ, જૈન ધર્મના અહિંસા, અપરિગ્રહ, અનેકાંતવાદ અને અપ્રમદના પાયાના સિધ્ધાંતોનો ઉપદેશ અને સત્સંગો મારા હૃદયને સ્પર્શી ગયા. હું એમની અનુયાયી બની ગઇ. આવી રહેલ પર્યુષણ પર્વમાં ન્યુ જર્સીમાં ગુરૂદેવ શ્રી રાકેશભાઇના સત્સંગમાં હાજરી આપવા પ્રીતિબેહન ત્યાં પહોંચી ગયા છે. એમની ધર્મની પ્રીતિ માટે ધન્યવાદ.


