વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ અમારા માટે આશીર્વાદરૂપઃ પીએમ મોદી

Tuesday 15th August 2023 17:26 EDT
 
 

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર વિરુદ્ધ વિપક્ષ દ્વારા મંગળવારે રજૂ કરાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે જવાબ આપ્યો. મણિપુર મુદ્દે લવાયેલા અવિસ્તાવ પ્રસ્તાવનો જવાબ પ્રધાનમંત્રીએ તેમના 2 કલાક 12 મિનિટના ભાષણમાં છેક 1 કલાક 52 મિનિટે આપ્યો હતો.
તે પહેલાં વિપક્ષે મણિપુર અંગેનો સૂત્રોચ્ચાર કરતાં ગૃહમાંથી વોકઆઉટ કરી દીધો હતો. પીએમના ભાષણના અંતે ધ્વનિમતથી વિપક્ષનો અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવી દેવાયો હતો. વડાપ્રધાને વિપક્ષની ટીકા કરતાં કહ્યું કે, આ અવિશ્વાસ પ્રસ્તાવ અમારા માટે શુભ છે. વિપક્ષ 2018માં પણ અમારા વિરુદ્ધ આવો જ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો હતો અને અમે જંગી બહુમતીથી જીતી ગયા હતા. તેમણે વિપક્ષને 2028માં ફરીથી અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા પડકાર ફેંક્યો હતો.
2018માં અવિશ્વાસ પ્રસ્તાવ પછી ભાજપનો વિજય
વડાપ્રધાને ભાષણની શરૂઆતમાં જ વર્ષ 2018માં વિપક્ષ દ્વારા લવાયેલા અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ઈશ્વર કોઈને કોઈ માધ્યમથી તેની ઈચ્છા પૂરી કરે છે. આ વખતે ભગવાને વિપક્ષને માધ્યમ બનાવ્યો અને તેઓ આ અવિશ્વાસ પ્રસ્તાવ લઈ આવ્યા. આ જ વિપક્ષ 2018માં પણ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતા. તે વખતે પણ મેં કહ્યું હતું કે, આ અવિશ્વાસ પ્રસ્તાવ અમારી સરકારનો ફ્લોર ટેસ્ટ નથી, પરંતુ તે વિપક્ષનો ફ્લોર ટેસ્ટ છે. એટલું જ નહીં ત્યારપછી જનતાએ પણ વિપક્ષને નકારી એનડીએને વિક્રમી બહુમતીથી જીતાડી હતી.
વિપક્ષ માટે સત્તાની ભૂખ મહત્ત્વની
વિપક્ષની ટીકા કરતાં વડાપ્રધાને કહ્યું કે, વિપક્ષના કેટલાક પક્ષોના વર્તને સ્પષ્ટ કરી દીધું છે કે તેમના માટે દેશ, નાગરિકો પ્રાથમિકતા નથી, તેમના માટે પક્ષ વધુ મહત્ત્વનો છે. તેમને ગરીબોની ભૂખની ચિંતા નથી. તેમના માટે સત્તાની ભૂખ મહત્ત્વની છે. વિપક્ષે ગંભીરતા સાથે ગૃહમાં ભાગ લીધો હોત તો વધુ સારું હોત. છેલ્લા કેટલાક સમયમાં ગૃહમાં અનેક મહત્ત્વપૂર્ણ બિલો પસાર થયાં છે. આ બિલો દેશના નાગરિકો માટે ખૂબ જ મહત્ત્વનાં હતાં, પરંતુ વિપક્ષને યુવાનો કરતાં તેના રાજકીય ભવિષ્યની ચિંતા છે.


comments powered by Disqus