અમેરિકાની શિકાગો નગરીમાં ૧૪ થી ૧૮ ઓગષ્ટ સુધી વિશ્વ ધર્મ પરિષદ ૨૦૨૩ ભરાઇ છે. જેમાં ૮૦ દેશોના વિવિધ ધર્મો અને સંપ્રદાયોના ૧૦,૦૦૦ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પરિષદના ઉદ્ઘાટન સમારોહમાં ઉદબોધન કરતા અહિંસા વિશ્વ ભારતીના સંસ્થાપક જૈનાચાર્ય લોકેશજીએ ધાર્મિક સદભાવના, આધ્યાત્મિક ઉત્થાન, જલવાયુ પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગ, આતંકવાદ, હિંસાવિહિન સમાજ વગેરે વિષયો પર ચર્ચા કરી હતી.
આ અવસર પર લોકેશજીએ જણાવ્યું કે, વર્તમાનમાં વિશ્વ અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલ છે. જેમાંથી કેટલીક એવી છે જે સમગ્ર સૃષ્ટિ માટે ખતરાજનક છે. આ બધી સમસ્યાઓનું સમાધાન વિભિન્ન ધર્મો, સંપ્રદાયો, દેશો અને વિચારધારાઓના લોકો સાથે મળી કરી શકે. એ માટે સર્વધર્મસદભાવ જરૂરી છે. વિશ્વ ધર્મ પરિષદનું આયોજન એક પરંપરાગત સંસ્કૃતિનું મહત્વપૂર્ણ પ્રતીક છે. આ પરિષદના માધ્યમથી આપણને સૌને એક સુંદર. સમૃધ્ધ અને સહયોગપૂર્ણ વિશ્વ તરફ આગળ વધવાની પ્રેરણા આપે છે. આચાર્ય લોકેશજીએ કહ્યું કે, આ મારા માટે ગૌરવનો વિષય છે, આ ઐતિહાસિક અવસર પર હું જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વામિ વિવેકાનંદે ૧૮૯૩માં આ જ વિશ્વ ધર્મ પરિષદ શિકાગોમાં ભરાઇ હતી ત્યારે સંબોધન કરી સમગ્ર વિશ્વને ભારતની આધ્યાત્મિક ધરોહર પ્રતિ આકર્ષિત કર્યું હતું.
તસવીરમાં સર્વ ધર્મના પ્રતિનિધિઓ મંચ પર જોઇ શકાય છે. ઉદઘાટન સમારોહમાં સભાજનોને સંબોધન કરી રહેલ આચાર્ય લોકેશજી.


