17મી ઓગસ્ટે એ લેવલના પરિણામ જાહેર થઇ રહ્યાં છે. આ પરિણામમાં મળેલા ગ્રેડના આધારે વિદ્યાર્થી તેના ભાવિ જીવનનું આયોજન કરતાં હોય છે. સારા ગ્રેડ મેળવનારા વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ તરીકે આગળ વધે છે જ્યારે કેટલાંક એપ્રેન્ટિસશિપ પસંદ કરે છે. નબળાં વિદ્યાર્થી અભ્યાસ પર પૂર્ણ વિરામ મૂકીને સીધા રોજગારની દિશામાં આગળ વધે છે. બ્રિટનમાં એ-લેવલના પરિણામ વિદ્યાર્થીનું ભાવિ નક્કી કરે છે. થોડા સમય પહેલાં બોલિવૂડમાં થ્રી ઇડિયટ્સ નામની ફિલ્મ આવી હતી. જેમાં વિદ્યાર્થીની પોતાની પસંદ અને નાપસંદની ચિંતા કર્યા વિના માતાપિતા દ્વારા તેના પર થોપી દેવાતી કારકિર્દીની વાત રજૂ કરાઇ હતી. માતાપિતા પોતાના સંતાનની સારી કારકિર્દીની ખેવના કરે તેમાં કશું ખોટું નથી પરંતુ તેની રૂચિ વિનાના અભ્યાસક્રમમાં ધકેલી દેવાથી ઘણીવાર દુષ્પરિણામનો સામનો કરવો પડે છે. ભારતમાં પોતાના સંતાનને ડોક્ટર અને એન્જિનિયર બનાવવાની હોડ લાગેલી રહે છે. આવી જ માનસિકતા અહીં બ્રિટનમાં પણ વત્તે ઓછેઅંશે જોવા મળે છે. પોતાનું સંતાન ઉચ્ચ અભ્યાસ કરી સારી કારકિર્દીનું નિર્માણ કરે, અઢળક નાણા કમાય તેવી ઇચ્છા દરેક માતાપિતાની હોય છે. તેમાંયે ભારતીય સમુદાયમાં આ વૃત્તિ વિશેષ રહેલી છે. સંતાનને તેની રૂચિ પ્રમાણે કારકિર્દીની પસંદગી કરવા દેવામાં આવે તો તેના પરિણામ થોપી દેવાયેલી કારકિર્દી કરતાં વિશેષ સારા હોઇ શકે છે. સંતાનને ઇજનેરીમાં રસ હોય અને તેને ડોક્ટર બનવાનું દબાણ કરવાથી તે પોતાની કારકિર્દી સારી રીતે ઘડી શકતું નથી. સંતાનને કયા વિષયમાં, કારકિર્દીમાં વિશેષ રસ છે તેની જાણકારી મેળવીને તેના ભાવિનું આયોજન કરવામાં માતાપિતાએ મદદરૂપ થવું જોઇએ, નહીં કે પોતાની ઇચ્છાઓ તેના પર થોપી દેવી જોઇએ. ઘણા માતાપિતા પોતે તો સારો અભ્યાસ કરી શક્યાં હોતા નથી ત્યારે પોતાની ડોક્ટર કે ઇજનેર બનવાની મહેચ્છાને સંતાનમાં પરિપૂર્ણ થતી જોવા ઇચ્છે છે પરંતુ પોતાના સંતાનને પેઇન્ટિંગ અથવા તો ડ્રોઇંગમાં વિશેષ રૂચિ છે તેના પર તે ધ્યાન આપતાં નથી. ઘણા વિદ્યાર્થીઓ જાતે પોતાની કારકિર્દી અંગે નિર્ણય લઇ શકતાં નથી તેવી સ્થિતિમાં માતાપિતાએ તેમને યોગ્ય સલાહ આપીને પોતાની કારકિર્દી અંગે મુક્તપણે નિર્ણય લેવાની આઝાદી આપવી જોઇએ. તેના માટે સારા કન્સલ્ટન્ટની સલાહ પણ લઇ શકાય. આમ સંતાનને તેની પસંદગીની કારકિર્દીમાં જવાની તક આપવી જ જોઇએ.


