સુરતમાં બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં ભરબપોરે રિવોલ્વર બતાવી રોકડા રૂ. 13.26 લાખની લૂંટ

Tuesday 15th August 2023 16:52 EDT
 
 

સુરતઃ સચિન નજીકના વાંઝ ગામની બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં ભરબપોરે બે બાઇક પર મોઢા પર રૂમાલ અને માથા ઉપર હેલ્મેટ પહેરીને ત્રાટકેલા પાંચ લુટારુએ રિવોલ્વર બતાવી કેશિયર, ડેપ્યુટી મેનેજર સહિતના સ્ટાફ તથા બેન્કનાં મહિલા ગ્રાહક સહિતને બાથરૂમમાં ગોંધી કેશ કાઉન્ટર અને બેન્કના સ્ટ્રોંગ રૂમમાંથી મળી કુલ રૂ. 13.26 લાખની રોકડ લૂંટીને ભાગી જતાં શહેર પોલીસ દોડતી થઈ ગઈ છે. પોલીસે લુટારુઓનું પગેરું દબાવવા સુરત સિટી અને જિલ્લામાં રેડએલર્ટ જાહેર કરી નાકાબંધી કરવાની સાથે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું.
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના સચિન નજીકના વાંઝ ગામની બેન્ક ઓફ મહારાષ્ટ્ર શાખામાં 11 ઓગસ્ટે 11:30 વાગ્યાના અરસામાં રાબેતા મુજબની કાર્યવાહી ચાલી રહી હતી. દરમિયાન બેન્કના ડેપ્યુટી મેનેજર ક્રિષ્નસિંહ સજ્જનસિંહ, કેશિયર કૌશલ પારેખની કેબિન પાસે ઊભા રહીને વાત કરી રહ્યા હતા. ત્યારે એક પછી એક પાંચ લુટારુ ધસી આવ્યા હતા. જે પૈકી ચાર લુટારુએ મોઢા પર રૂમાલ અને માથા પર હેલ્મેટ પહેરી હતી, જ્યારે પાંચમા લુટારુએ મોઢા પર માત્ર રૂમાલ બાંધેલો અને ખભા પર બેગ લટકાવેલી હતી.


comments powered by Disqus