નવી દિલ્હી: આગામી સ્વતંત્રતા દિવસ પ્રસંગે દિલ્હીના લાલ કિલ્લા ખાતે આયોજિત સ્વતંત્રતા દિવસ સમારંભમાં સમગ્ર ભારતમાંથી 1,800 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે લાલકિલ્લા પરની સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ગુજરાતનાં 6 માછીમાર દંપતી અને બે કારીગરને લાલકિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંબોધનને સાંભળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમંત્રિતોમાં અમરેલીના નાના ખારા ગામના કનૈયાલાલ સોલંકી અને તેમનાં પત્ની મંજુલાબહેનને પણ આમંત્રણ અપાયું હતું, તો વેરાવળના તુલસીભાઈ ગોહેલ તેમના પત્ની રૂક્ષ્મણીબહેન ગોહેલ પણ પહોંચ્યાં હતાં. માછીમાર દંપતીનું સપનું સાકાર થતાં તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.


