સ્વામિનારાયણ મંદિરમાં બે પક્ષ વચ્ચે તકરારમાં ધક્કો વાગતાં આધેડનું મોત

Tuesday 15th August 2023 16:47 EDT
 
 

વડોદરાઃ છાણી વિસ્તારમાં વણકરવાસમાં આવેલા સ્વામિનારાયણ મંદિરનો કબજો લેવા પહોંચેલા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ટ્રસ્ટની કમિટીના સભ્યો સાથે મંદિરના જૂના વહીવટકર્તાઓએ ધક્કામુકી કરી હતી, જેમાં કમિટીના એક આધેડ સભ્ય પડી જતાં માથામાં ગંભીર ઇજાના કારણે તેઓનું મોત થયું હતું. આ ઘટનાને પગલે છાણી પોલીસ દોડી આવી હતી અને ઘટનાની તપાસ હાથ ધરી છે.
વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ટ્રસ્ટની સબ કમિટીના સભ્યો નીતીન પરમાર, વિપુલ કોઠારી અને દિનેશ વણકર છાણી સ્વામિનારાયણ મંદિરનાં તાળાં બદલવા પહોંચ્યા હતા. આ સમયે મંદિરની આસપાસ જ રહેતા દિનેશ મિસ્ત્રી, જયંત ચૌહાણ, જયંતી પરમાર, રમેશ પરમાર અને સની શીખ ત્યાં આવી પહોંચ્યા હતા અને મંદિરનાં તાળાં બદલી રહેલા કમિટીના સભ્યો સાથે માથાકૂટ કરીને ધક્કામુક્કી કરી હતી. આ ધક્કામુક્કીમાં આધેડ દિનેશ વણકરને ધક્કો વાગી જતાં તેઓ જમીન પર પટકાયા હતા. માથામાં ગંભીર ઇજા થતાં તેઓ બેશુદ્ધ થઈ ગયા હતા. દિનેશભાઈને 108એમ્બુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેઓને સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું. સબ કમિટીના અન્ય એક સભ્ય નીતિન પરમારનું કહેવું છે કે, આ મંદિરનો કબજો વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ટ્રસ્ટનો છે, છતાં સામા પક્ષના લોકો વારંવાર માથાકૂટ કરીને હેરાનગતિ કરી રહ્યા છે.


comments powered by Disqus