હિમાચલ-ઉત્તરાખંડમાં જળપ્રલયઃ 51થી વધુનાં મોત, અનેક લાપતા

Monday 14th August 2023 17:32 EDT
 
 

દહેરાદૂનઃ હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં વાદળ ફાટતાં ઠેરઠેર તબાહી મચી છે. ભારે વરસાદને કારણે સર્જાયેલા જળપ્રલયમાં 51થી વધુ લોકોનાં મોત થયાં છે. અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. સિમલામાં જમીન ધસી પડવાથી અનેક લોકોનાં મોત થયાં છે. 30થી વધુ ભક્તો શિવમંદિરમાં દટાયાની આશંકા સેવાઈ રહી છે. યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. સોલનમાં વાદળ ફાટતાં હાહાકાર મચ્યો છે. અહીં એક જ પરિવારનાં 7 લોકોનાં મોત થયાં છે અને 3 વ્યક્તિ લાપતા થઈ છે, મંડીમાં લેન્ડ સ્લાઇડની ઘટનામાં 6 લોકોએ જીવ ગુમાવ્યો છે. હજારો મકાનો પડી ગયાં છે. વાહનો દટાઈ ગયાં છે. અનેક વાહનો પૂરમાં તણાયાં છે. હરિદ્વાર અને ઋષિકેશમાં ગંગાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભૂસ્ખલનને કારણે 120 વર્ષ જૂના કાલકા - સિમલા રેલવે ટ્રેકને નુકસાન થયું છે.
હવામાન ખાતાએ આગામી દિવસોમાં હિમાચલમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેને લઈને હિમાચલમાં મુખ્યમંત્રીએ સ્વતંત્રતાદિનના કાર્યક્રમો ન યોજવા જાહેરાત કરી હતી. રાજ્યમાં 752 રસ્તાને ભારે નુકસાન થતાં તેમજ ક્યાંક રસ્તાઓ દટાતાં વાહનવ્યવહાર બંધ કરાયો હતો. હિમાચલ પ્રદેશમાં તમામ સ્કૂલો અને કોલેજો થોડા દિવસ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.


comments powered by Disqus