કોલીન્ડલમાં નૂતન જીનાલયના મહોત્સવમાં ઉમટ્યો આનંદનો સાગર

હજારોની હાજરી, ભવ્ય વરઘોડો અને પાંચ દિવસ ભક્તિનો જામ્યો રંગ..

- જ્યોત્સ્ના શાહ Tuesday 29th August 2023 09:37 EDT
 
 

- જ્યોત્સ્ના શાહ
જૈન સેન્ટર લંડનના ૬૪-૬૮ કોલીન્ડલ એવન્યુ, કોલીન્ડલના આંગણે નૂતન જીનાલયનો પાંચ દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ આનંદ-ઉમંગ-ભક્તિના ત્રિવેણી સંગમની પુનિત લ્હેરોથી રંગેચંગે સંપન્ન થયો. તા.૨૩ ઓગષ્ટથી ૨૮ ઓગષ્ટ ૨૦૨૩ સુધી દરરોજ વિવિધ ધાર્મિક વિધિ-વિધાનો-પૂજનો અને ભક્તિના સાગરમાં સેંકડો-હજારો ભાઇ-બહેનો દેશ-દેશાવરથી પધારી લાભ લીધો. ભારતથી યુરોપના પ્રવાસે આવેલ પાંચેક કોચના જૈન પ્રવાસીઓએ પણ એમાં ભાગ લઇ ધન્યતાનો અનુભવ કર્યો. પશ્ચિમી જગતમાં જૈન-જૈનોતરો સહિતના વિશાળ સમાજમાં જૈન ધર્મના મૂલ્યોના પ્રચાર-પ્રસારથી મૈત્રીભર્યા, સદભાવભર્યા વાતાવરણનું સર્જન થશે જે ઉજ્જવળ ભાવિનું નિર્માણ કરવામાં સહાયભૂત બનશે એમાં શંકા નથી.
ભક્તિ રસનું પાન કરાવવા મુંબઇથી પધારેલ સંગીતકાર શ્રી નરેન્દ્રભાઇ વાણિગોટા અને વાધ સંગીતથી સાથ પૂરાવનાર સાથીઓએ તેમજ ધાર્મિક વિધિકાર શ્રી નિર્મલસાગરજી અને લંડન સ્થિત શ્રી જયેશભાઇએ તથા ડો. સૌરભભાઇ શાહના સહકારથી વાતાવરણ પવિત્ર મંત્રોચ્ચારથી ગૂંજી ઊઠ્યું. પૂજનો દરમિયાન શ્રીમતી અલ્પાબહેન કોઠારીના નેતૃત્વ હેઠળ એમની ટીમે પ્રતિષ્ઠા દરમિયાન ખડા પગે સેવા સાદર કરી હતી. પ્રતિષ્ઠાના ત્રીજા દિવસે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ'ના તંત્રીશ્રી સી.બી.પટેલે પણ હાજરી આપી વ્યવસ્થા જોઇ ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી.
જૈન સેન્ટરને સુંદર રંગોળી તેમજ પાર્શ્વનાથ પ્રભુના પાંચેય કલ્યાણકો વર્ણવતી તસવીરોનું પ્રદર્શન, રંગ-બેરંગી બનાવટી પુષ્પોથી શોભતું ભવ્ય ડેકોરેશન દિલને સ્પર્શી જાય તેવું હતું. આ બધા પાછળ કેટલાય દિલો-દિમાગ અને હાથોની મહેનત છૂપાઇ જશે જે એને આવો ઓપ આપવામાં કામયાબ રહી. એક-એક ઝીણામાં ઝીણી વિગતોનું બારીકાઇથી પાલન થયું હોવાનું એમાં દેખાઇ આવતું હતું.
જેઓ આ મહોત્સવમાં હાજર રહ્યા તેઓની ખુશીઓનો પાર ન હતો. ખાસ કરીને પ્રતિષ્ઠાના પ્રથમ દિવસે ભારતના ચંદ્રયાન-3ના સફળ ઉતરાણના સમાચારે ભારતીય પ્રેમીઓનો ઉત્સાહ બેવડાયો. સ્વ.ડો. નટુભાઇ શાહ અને સ્વ. શ્રીમતી ભાનુબહેન શાહનો અશક્ય જણાતો ભગીરથ પ્રોજેક્ટ અને સપનું સાકાર થયું એ એક જૈન નેટવર્કના ઇતિહાસનું સીમા-ચિહ્ન કહી શકાય. એમના આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે પુત્ર શ્રી સમીરભાઇ શાહ અને પુત્રવધૂ નીતાબહેન, દીકરી લીનાબહેન અને જમાઇ ડો.અજયભાઇ શાહ સહિત સમગ્ર પરિવારે છેલ્લા અઢારેક મહિનાની અથાક જહેમત ઉઠાવી હતી. જેના પ્રતાપે આ મહોત્સવને અનન્ય સફળતા સાંપડી. આ પ્રોજેક્ટના સૌથી મોટા દાતા પરિવાર ડો. નટુભાઇ શાહના પરિવારના તન-મન-ધનથી આપેલ અનુદાન સહિત અન્ય અનેક ઉદારમના દાતાઓના દાનના પ્રતાપે ઉભું થયેલ આ નૂતન જીનાલય ને સેન્ટર માટે સ્થાનિક સમાજ હંમેશા એમનો ઋણી રહેશે. સમાજની આધ્યાત્મિક ઉન્નતિ અને ઉજ્જવળ ભાવિના ઉમદા હેતુથી બનાવાયેલ આ સેન્ટર જૈન-જૈનેતર સૌ કોઇ માટે આશીર્વાદરૂપ બની રહેશે. કોઇપણ કાર્યક્રમની સફળતા કોઇ એક વ્યક્તિ કે સમૂહથી જ નહી પરંતુ વિશાળ સંખ્યામાં સ્વયંસેવકોનું પીઠબળ અને સંસ્થાઓના સહકારથી જ શક્ય બને છે. રાતદિ જોયા વિના સતત પડખે ઉભા રહેનાર ભાઇબહેનોના નામ લખવા બેસું તો પાનાં ને પાનાં ભરાય. તેમછતાં કેટલાક નામો જીભે રમે છે. ટ્રસ્ટી અને સેક્રેટરી શ્રી પારસ મેશેરી, શ્રી મહેન્દ્રભાઇ નાગડા, ડો. અભય ચોપડા, ડો. સુષમાબહેન શાહ, વિજયભાઇ શેઠ, બીનાબહેન ડેવિડ હોલ્ડન, મીનાબહેન શાહ, ડો.સતીષભાઇ રાન્કા, ભરતભાઇ અને રેણુબહેન મહેતા, સરોજબહેન અને ભરતભાઇ વારીયા, સહિત ૩૫૦ જેટલા ભાઇબહેનોએ સેવા સાદર કરેલ એ સૌને વંદન-અભિનંદન.
આ પાંચ દિવસો દરમિયાન સેંટ જેમ્સ કેથોલિક હાઇ સ્કૂલ, ગ્રેહામ પાર્ક વે, કોલીન્ડલમાં આવેલ શાળાનું વિશાળ બિલ્ડીંગ અને માર્કીઓ, ઓડીટોરીયમ વગેરેમાં ધર્મપ્રેમીઓ બેસી બધી જ ધાર્મિક વિધિઓ જોઇ શકે તેવી વ્યવસ્થા તેમજ લંચ-ડીનરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર પાર્કથી માંડી અંદર પહોંચવા સુધીની તમામ સેવા વોલંટીયર્સ દ્વારા સૌને સાદર અપાતી હતી. બસ-શટલ સર્વિસ સ્કૂલથી નૂતન જીનાલય સુધી લાવવા-લઇ જવાની સગવડતા પણ રખાઇ હતી. સાંજના સમયે સ્ટેજ પરથી પાર્શ્વનાથ પ્રભુના પાંચ કલ્યાણકો દરરોજ નાટ્ય-સંગીત-નૃત્ય-લાઇટીંગ સ્વરૂપે દર્શાવાતા હતા અને પાછળ સુંદર પ્રાસંગિક દ્રશ્યોનું ચિત્ર ખડું કરાતું હતું. આ બધો ટેકનોલોજીનો પ્રભાવ હતો.
આ પાંચ કલ્યાણકોની ટૂંકમાં સમજ: ૧) ચ્યવન કલ્યાણક તીર્થંકરનો ગર્ભ માતાની કુક્ષીમાં આવ્યા બાદ માતાને આવેલ ચૌદ સ્વપ્નો અને તીર્થકરનો આત્મા માનવદેહ ધારણ કરે એની ઉજવણી. ૨) જન્મ કલ્યાણક: તીર્થંકરના આત્માનો મોક્ષ પહેલાનો છેલ્લા માનવભવની ઉજવણી સુધર્મા ઇન્દ્ર નવજાત શિશુના તીર્થંકર દેહને મેરૂ પર્વત પર લઇ જઇ ૧૦૦૮ કળશથી અભિષેક કરાવી નાચ-ગાન-સંગીતથી રંગે-ચંગે જન્મોત્સવ ઉજવે છે અને રાજમહેલમાં પણ દાસ-દાસીઓને ભેટોથી નવાજાય છે. સર્વત્ર આનંદોત્સવ છવાઇ જાય છે.
૩) દીક્ષા કલ્યાણક રાજાના પુત્ર રાજકુમાર દુન્યવી સુખ-ભોગોનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છા મા-બાપ સમક્ષ રજૂ કરે છે અને સહર્ષ સંમતિ મળતા એની ઉજવણી થાય છે. દીક્ષાના વરઘોડામાં જરૂરતમંદોને લાખો સોનામહોરોનું વર્ષીદાન કરી સંસારનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણનો પ્રસંગ.
૪) કેવલજ્ઞાન કલ્યાણક: પ્રભુ જ્ઞાનાવરણિય કર્મ, દર્શનીય અને મોહનીય કર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. પ્રભુ સમસ્ત જૈન સંઘને સમવસરણ પર જઇ ધર્મની દેશના (ઉપદેશ) આપી શુધ્ધાત્મા બની મુક્તિનો માર્ગ ચીંધે છે.
૫) નિર્વાણ કલ્યાણક: તીર્થંકરનો આત્મા દુન્યવી નશ્વર દેહનો ત્યાગ કરી જન્મ-મરણના ચક્કરમાંથી હંમેશ માટે મુક્તિ મેળવી સિધ્ધપદની પ્રાપ્તિ કરે છે. આ પાંચ દિવસો દરમિયાન નવગ્રહ પૂજન, ૧૦૮ પાર્શ્વનાથ પોખણાં, ૧૮ અભિષેક, ભક્તિ આરાધના સાથે ૨૬ ઓગષ્ટના રોજ સવારના સ્કુલના બિલ્ડીંગમાં ભવ્ય વરઘોડામાં ભગવાનના રથ સહિત હજારોની સંખ્યામાં ઉપસ્થિત રંગ-બેરંગી વસ્ત્રોમાં સજ્જ બહેનો-ભાઇઓ નાચ-ગાનમાં મસ્ત બની પ્રભુ આવ્યાની ખુશીમાં મય બની જાય છે. આનંદનો સાગર હિલોળાં લે છે અને સમસ્ત વાતાવરણ પ્રફુલ્લિત બની જાય છે.
દાતાઓ અને સેવાભાવીઓનું સન્માન સમારોહ....
૨૭ ઓગષ્ટના પ્રતિષ્ઠા, ધ્વજારોહણ અને સાંજના પ્રમુખ શ્રી સમીરભાઇના ભાવુક પ્રવચન અને ડો.અજયભાઇના ઉદ્યોધન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભક્તિ સંગીત સહ દાતાઓ અને સેવાભાવીઓનું સન્માન સમારોહ યોજાયો જેનું સંચાલન ડો. મીનાબહેન રાન્કાએ સંભાળ્યું હતું.
ભારતથી પધારેલ દાતા શ્રી નીમેષભાઇ કંપાણી, શ્રી ઘેવરચંદ બોહરા, શ્રી પૃથ્વીરાજ કોઠારી, શ્રી તેજરાજજી દોશી, શાંતિલાલ શેઠ, શ્રી મનીન્દર જૈન( સંગીતકાર રવિન્દ્ર જૈનના ભાઇ દિલ્હીથી પધારેલ), બેંગ્લોરથી શ્રી રમેશભાઇ બોહરા, વિપુલભાઇ શાહ, સુરેશભાઇ દેવચંદભાઇ શાહ, અશોકભાઇ સંઘવી (યુ.એસ.એ), શ્વગેરે તેમજ સ્થાનિક દાતાઓ: શ્રી દીપકભાઇ શાંતિલાલ વોરા, નવીનભાઇ સી.શાહ, શ્રી અનંતરાય અને શ્રીમતી જ્યોત્સનાબહેન મહેતા, યોગેશભાઇ મહેતા, શુકેનભાઇ અલ્પાબહેન કોઠારી, જયશ્રીબહેન મોદી, ડો.રમેશભાઇ મહેતા અને ડો.શશીબહેન મહેતા ફેમીલી, ટી.એન.વી. બિલ્ડર્સવગેરેના બહુમાન સાથે વિવિધ કમિટી સભ્યો અને સ્વયંસેવકો વગેરેનું સામૂહિક સન્માન કરી સૌની સેવાની કદર કરી. આ પ્રસંગની યાદ કાયમી રહે એ માટે સરસ સુવેનીયર બહાર પાડવામાં આવ્યું જેના એડીટરો ડો. વિનોદ કપાશી અને જ્યોત્સનાબહેન શાહ હતાં.
સોમવાર ૨૮ ઓગષ્ટના છેલ્લા દિવસે ખૂબ જ મહત્વનો કાર્યક્રમ વહેલી સવારે પ્રભુના દ્વાર ખોલવાનો હતો. જેના સદભાગી શ્રીમતી પ્રતિભાબહેન જયંતીભાઇ શાહ અને શ્રીમતી સુશીલાબહેન શાહ હતાં. ખૂબ જ આનંદભર્યા માહોલમાં પ્રભુના દ્વાર ખુલ્લા મુકાતા આનંદની અવધિ ન રહી. સત્તરભેદી પૂજા બાદ કાર્યક્રમનું સમાપન કાયમી સ્મૃતિ સહ થયું અને સ્વાદિષ્ટ ભોજન લઇ સૌ વિખરાયાં.


comments powered by Disqus