ટોરેન્ટ ફાર્માના ફાઇનાન્શિયલ ડિરેક્ટર કેતન શાહની મેક્સિકોમાં હત્યા

Tuesday 29th August 2023 15:02 EDT
 
 

અમદાવાદઃ મેક્સિકોમાં ટોરેન્ટ ફાર્માનાં ફાઇનાન્સિયલ ડાયરેક્ટર ગત શનિવારે તેમના પિતા સાથે એરપોર્ટથી બહાર નીકળતા હતા, ત્યારે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ તેમની ૫૨ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં ટોરેન્ટના ડિરેક્ટરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે તેમના પિતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.
19 ઓગસ્ટે મેક્સિકોમાં ટોરેન્ટ ફાર્માની પેટા કંપનીના ફાઇનાન્સિયલ ડાયરેક્ટર કેતન શાહ તેમના પિતા સાથે એરપોર્ટના ફોરેન એક્સચેન્જ સેન્ટર પરથી 10 હજાર ડોલર લઈને નીકળ્યા હતા. આ દરમિયાન હથિયારધારી લુટારુઓએ બાઇક દ્વારા તેમનો પીછો કર્યો હતો અને તેમની કાર પર સાત રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં કેતન શાહનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ લુટારુઓ 10 હજાર ડોલર લઈને ફરાર થઈ ગયા હતા.
કેતન શાહ છેલ્લાં સાત વર્ષથી મેક્સિકોમાં ટોરેન્ટ ફાર્માસ્યુટિકલની પેટાકંપનીમાં ફાઇનાન્સિયલ ડાયરેક્ટર તરીકે કામ કરતા હતા. હુમલા સમયે તેમની સાથે તેમના પિતા પણ હાજર હતા. આ ઘટના બાદ મેક્સિકોમાં સ્થાનિક સિક્યુરિટી અને પોલીસ દ્વારા હત્યા અને લૂંટ કરનારા આરોપીઓને પકડવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મેક્સિકોની ભારતીય એમ્બસીએ આ ઘટના અંગે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, “મેક્સિકો સિટીમાં અજાણ્યા શખ્સોએ ભારતીય નાગરિકની હત્યા કરી છે, જે ખૂબ દુઃખદ છે. પીડિતના પરિવારને ન્યાય અપાવવા અને ઝડપથી આરોપીઓ પકડાઈ જાય એ માટે અમે સતત પ્રયત્નશીલ છીએ.”


comments powered by Disqus