મુંબઈના સાંતાક્રૂઝની હોટેલમાં આગ લાગતાં કચ્છનાં યુવક-યુવતીનું મોત

Tuesday 29th August 2023 14:58 EDT
 
 

ભુજઃ માંડવી તાલુકાના રામપર (વેકરા)નો પરિવાર નાઇરોબીમાં સ્થાયી થયો છે. જે રામપરમાં પોતાના પરિવારને મળીને પરત નાઇરોબી જવા નીકળ્યો હતો. આ પરિવારની કનેક્ટિંગ ફ્લાઇટ કેન્સલ જતાં એરલાઇન્સે મુંબઈના સાંતાક્રૂઝમાં આવેલી હોટેલ ગેલેક્સીમાં ઉતારો આપ્યો હતો. આ દરમિયાન શોર્ટ સર્કિટના પગલે આગ લાગતાં રામપરની યુવતી તથા તેના મંગેતરનું મોત નીપજ્યું હતું. જ્યારે યુવતીની માતા તથા બહેન દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
મુંબઈના સાંતાક્રૂઝ-ઇસ્ટમાં પ્રભાત કોલોની પાસે આવેલી ચાર માળની ગેલેક્સી હોટેલમાં રવિવારે બપોરે 1 વાગ્યે બનેલી આ દુર્ઘટનામાં ઇલેક્ટ્રિક વાયરિંગમાં શોર્ટસર્કિટ થવાથી હોટેલના બીજા માળે આગ લાગી હતી. આગની જ્વાળાઓ ત્રીજા તથા ચોથા માળ સુધી પહોંચી હતી, જેમાં રૂમ નં. 203 તથા 203 પણ લપેટાઈ ગયા હતા. આગના બનાવમાં કિશન પ્રેમજી હાલાઈ (ઉ.વ.28) તથા રૂપલ કાનજી વેકરિયા (ઉ.વ.25)નાં મોત નીપજ્યાં હતાં, જ્યારે રૂપલનાં માતા મંજુલાબેન (ઉ.વ.49) તેમજ રૂપલની નાની બહેન અલ્પા (ઉ.વ.19) દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
યુવક-યુવતીની થોડા સમય પહેલાં જ સગાઈ થઈ હતી
મૃતક રૂપલ, તેની માતા અને બહેન રામપરના વેકરા ગામનાં વતની છે અને વર્ષોથી નાઇરોબીમાં સ્થાયી થયેલાં છે. તેઓ સમયાંતરે વતનની મુલાકાતે આવે છે. રૂપલની થોડા સમય પહેલાં કિશન હાલાઈ સાથે સગાઈ થઈ હતી. ભાવિ જમાઈ સાથે પરિવાર વતનની મુલાકાત લઈને પરત નાઇરોબી જવા નીકળ્યો હતો. તેઓ અમદાવાદથી મુંબઈ અને ત્યાંથી નાઇરોબી જતી કનેક્ટિંગ ફલાઇટમાં બેસવાનાં હતાં, પરંતુ કોઈ કારણોસર ફલાઇટ કેન્સલ થતાં એરલાઇન્સ કંપનીએ પ્રવાસીઓને ગેલેક્સી હોટેલમાં ઉતારો આપ્યો હતો.


comments powered by Disqus