વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં 35 દેશ ભાગીદાર, 150 દેશને આમંત્રણ

Tuesday 29th August 2023 14:51 EDT
 
 

અમદાવાદઃ વર્ષ 2019 બાદ ગુજરાતમાં વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ- 2024 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી દરમિયાન યોજાવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટને સફળ બનાવવા માટે અત્યારથી આયોજનને લઈને રાજ્યના ઉદ્યોગ વિભાગે પૂરજોશમાં તૈયારી આદરી છે. સચિવાલયમાં બેઠકોનો દોર શરૂ થયો છે. આ વખતે યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 35થી વધુ કન્ટ્રી પાર્ટનર હશે. આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માટે કેનેડા, ફ્રાન્સ, જર્મની, યુકે સહિતના કુલ મળીને 150 દેશને આમંત્રણ પાઠવાયું છે.
ગત વખતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવા તમામ તૈયારી પૂર્ણ કરી દેવાઈ હતી પણ છેલ્લી ઘડીએ કોરોનાનું ગ્રહણ લાગતાં આખો કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો. આ વખતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- 2024 એક વૈશ્વિક પ્લેટફોર્મ બની રહે તે હેતુને ધ્યાનમાં રાખીને સમગ્ર કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યો છે. ઉદ્યોગ વિભાગનાં આધિકારિક સૂત્રોના મતે આ સમિટના માધ્યમથી ગુજરાતમાં વધુને વધુ રોકાણ આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ રાજ્યમાં રોકાણ માટે રોલ મોડલ પુરવાર થયું છે, ત્યારે રાજ્ય ઉદ્યોગ વિભાગે ફિનલેન્ડ, યુએઈ, યુકે, ફ્રાન્સ, જર્મની, નોર્વે, પોલેન્ડ, શ્રીલંકા, ઇટલી, જાપાન સહિત કુલ 150 દેશોને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા આમંત્રણ મોકલ્યું છે. આગામી ટૂંક સમયમાં તમામ દેશો તરફથી કન્ફર્મેશન મળી જશે. વર્ષ 2019માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 19 કન્ટ્રી પાર્ટનર હતા. આ વખતે કન્ટ્રી પાર્ટનરની સંખ્યા બમણી થઈ છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં 35 કન્ટ્રી પાર્ટનર હશે.ઉદ્યોગ વિભાગે અદાણી, રિલાયન્સ, ગોદરેજ, ગોએન્કા ગ્રૂપ ઉપરાંત અન્ય 2 હજારથી વધુ ટોપની કંપનીઓને પણ આમંત્રણ મોકલ્યું છે. આંતરરાષ્ટ્રીય કંપનીઓએ પણ વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા ૨સ દાખવ્યો છે. અંદાજે 10 હજાર વિદેશી ડેલિગેટ્સ ભાગ લે તેવી શક્યતા છે.
લખનઉ, દિલ્હી, કોલકાતા, જયપુરમાં રોડ-શો યોજાશે
વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈને દેશ-વિદેશમાં રોડ-શો યોજવામાં આવશે. આગામી સપ્ટેમ્બર માસમાં જ લખનઉ, જયપુર, કોલકાતા, મુંબઈ અને દિલ્હી સહિતનાં શહેરોમાં રોડ-શો યોજાશે. માત્ર ભારતનાં શહેરોમાં જ નહીં વિદેશમાં પણ વાઇબ્રન્ટ ગુજરાતનો પ્રચાર કરવાના ભાગરૂપે રોડ-શો યોજવા માટે આયોજન કરાયું છે.
સમિટ-2024માં કયા કયા દેશો કન્ટ્રી પાર્ટનર
ઇઝરાયેલ, જાપાન, નોર્વે, ફિનલેન્ડ, યુએઈ, યુકે, શ્રીલંકા, સાઉથ આફ્રિકા, ઇટલી, પોલેન્ડ, સિંગાપોર, ડેન્માર્ક, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, નેધરલેન્ડ, સાઉથ કોરિયા, મોરોક્કો, ઉઝબેકિસ્તાન.


comments powered by Disqus