દ્વારકાઃ વર્તમાન યુગમાં આધુનિકતાની આંધળી દોટ વચ્ચે સંતાનોને મોટાભાગે વૃદ્ધ મા-બાપ માટે સમય મળતો નથી, અથવા સમય ફાળવી શકતાં નથી. જો કે આજના યુગમાં પણ લોકમુખે ‘શ્રવણકુમાર’નું બિરુદ પ્રાપ્ત કરનારા કર્ણાટકના ડી. કૃષ્ણકુમારે અનોખી માતૃભક્તિ કરતાં વૃદ્ધ માતાને સ્કૂટર પર બેસાડી છેલ્લાં સાડા પાંચ વર્ષમાં દેશભરમાં 75 હજાર કિ.મી.થી વધુની યાત્રા કરી હોવાનો દાવો કર્યો છે. હાલ બંનેએ યાત્રાધામ દ્વારકા પહોંચી દ્વારકાધીશનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કર્ણાટકના મૈસૂર પ્રાંતના કોર્પોરેટ એન્જિનિયર તરીકે કામ કરતા ડી. કૃષ્ણકુમાર તેમનાં માતા ચુડારત્નમ્મા સાથે ટુ-વ્હીલર દ્વારા દ્વારકા પહોંચી જગતમંદિરમાં કાળિયા ઠાકોરનાં દર્શન કર્યાં હતાં. તેમણે શારદામઠ ખાતે શંકરાચાર્યજીના પણ આશીર્વાદ મેળવ્યા હતા. દ્વારકામાં જગતમંદિર અને શારદાપીઠની મુલાકાત લીધા બાદ તેઓએ બેટ દ્વારકાનાં ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી.
ઇજનેરની નોકરી છોડી પિતાના સ્કૂટર પર માતાને લઈ યાત્રા
માતા ચુડારત્નમ્માએ આખી જિંદગી ઘરકામમાં જ વિતાવી દીધી છે. 2015માં પિતાના અવસાન બાદ તિરુપતિ બાલાજી સહિતનાં પ્રમુખ તીર્થસ્થાનોની મુલાકાતે ન જઈ શકવાનું કૃષ્ણકુમારે પૂછતાં માતાએ જણાવ્યું હતું કે, તેઓ તો નજીકનાં સ્થાનિક તીર્થોની પણ મુલાકાત લઈ શક્યાં નથી. માતાના આવા જવાબ બાદ મેં માતાને ભારતભ્રમણ કરાવવાનો સંકલ્પ કર્યો હતો. જે બાદ બેંગલુરુમાં કોર્પોરેટ એન્જિનિયર તરીકેની નોકરીમાંથી 14 જાન્યુઆરી 2018એ રાજીનામું આપી માતા સાથે માતૃસેવા સંકલ્પ યાત્રાની શરૂઆત કરી હતી. 22 વર્ષ પહેલાં પિતા તરફથી મળેલા ટુ-વ્હીલર પર જ માતા-પુત્રએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીનાં દેશનાં અનેક રાજ્યોનાં તીર્થસ્થાનો અને મંદિરોની મુલાકાત લીધી છે. ત્યાં સુધી કે નેપાલ, ભુટાન અને મ્યાનમારમાં પણ આજ સ્કૂટરમાં ભ્રમણ કર્યુ છે.


