આર્થિક સંકડામણથી અમદાવાદના કુશ પટેલનો લંડન બ્રિજ પરથી ઝંપલાવી આપઘાત

Wednesday 23rd August 2023 06:27 EDT
 
 

અમદાવાદઃ લંડનમાં અમદાવાદના નરોડાનો યુવક 11 ઓગસ્ટે ગુમ થયો હતો. બરાબર 10 દિવસ બાદ ગુમ થયેલા કુશ પટેલની લાશ લંડન બ્રિજ પાસેથી મળી હતી, પરંતુ લાશ ઓળખાય તેમ ન હોવાથી વેમ્બ્લી પોલીસે બાયોમેટ્રિક અને ડીએનએ ટેસ્ટ બાદ મૃતદેહ કુશ પટેલનો જ હોવાની પુષ્ટિ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આર્થિક સંકડામણના કારણે કુશે આત્મહત્યા કરી છે.
મૂળ વહેલાલનો અને નરોડા રહેતો કુશ પટેલ 9 મહિના પહેલાં સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો. ત્યાં ગયા બાદ નિયમિત રીતે કુશ પરિવાર અને મિત્રો સાથે વાત કરતો હતો. ઉપરાંત પરિવારને આર્થિક મદદ પણ કરતો હતો. આ દરમિયાન 10 ઓગસ્ટે પણ મિત્રો સાથે કુશે વાત કરી હતી. 11 ઓગસ્ટ બાદ તેનો ફોન પર સંપર્ક થઈ શક્યો નહોતો. એક દિવસ પરિવારે રાહ જોઈ હતી, પરંતુ કુશ સાથે સંપર્ક ન થઈ શકતાં પરિવાર અને મિત્રોએ ત્યાં રહેતા કુશના અન્ય મિત્રોને જાણ કરી હતી. કુશના લંડનના મિત્રો તેના ઘરે ગયા હતા, પરંતુ તે મળ્યો નહોતો. ત્યારબાદ વધુ એક દિવસ રાહ જોઈ હતી અને કુશની જુદી જુદી જગ્યાએ શોધખોળ કરી હતી પણ કોઈ જ ભાળ મળી નહતી. જેથી કુશના મિત્રોએ વેમ્બ્લી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
કુશના લાપતા થવાની ફરિયાદના પગલે પોલીસને તેનું છેલ્લું લોકેશન અને સીસીટીવી ફૂટેજ લંડન બ્રિજ પાસેના મળ્યા હતા. ત્યારબાદ પોલીસે તપાસ કરી, પરંતુ કોઈ જ ભાળ મળી નહોતી. આ દરમિયાન 19 ઓગસ્ટે મોડી રાત્રે લંડન બ્રિજના છેડેથી કુશની લાશ મળી હતી,
પરિવાર મૂંઝવણમાં
સૂત્રોએ જણાવ્યું છે કે, કુશની આત્મહત્યા બાદ પરિવાર ભાંગી પડ્યો હતો. પરિવારે મૃતદેહ ભારત લાવવા પ્રયાસો શરૂ કર્યા હતા. જો કે મૃતદેહ ભારત લાવવા રૂ. 25 લાખનો ખર્ચો હોવાથી પરિવાર મૂંઝવણમાં મુકાયો હતો, કેમ કે એક તરફ તેમણે લાડલો દીકરો ગુમાવ્યો છે અને હવે આટલો આર્થિક બોજો ઉઠાવી શકે તેવી સ્થિતિ નથી. હાલ કુશનો મૃતદેહ લંડન મોર્ગમાં રાખવામાં આવ્યો છે.


comments powered by Disqus