નલિયાઃ અબડાસાના દરિયાકાંઠાના નિર્જન વિસ્તારોમાંથી બે દિવસમાં જ રૂ. 30.21 કરોડનું બિનવારસી ડ્રગ્સ ઝડપાયું હોવાની સાથે સ્ટેટ આઇબી, નેવલ ઇન્ટેલિજન્સ યુનિટ અને જખૌ પોલીસના પેટ્રોલિંગમાં ચરસનાં વધુ 20 પેકેટ મળી આવ્યાં હતાં. આ સિવાય એક વિસ્ફોટક સેલ મળતાં તેની ચકાસણી માટે પોરબંદરથી ખાસ નેવીના નિષ્ણાતો ઉપરાંત રાજકોટથી એફએસએલની ટીમને બોલાવાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ બીએસએફ, સ્ટેટ આઇબી અને પોલીસ દ્વારા વિશેષ પેટ્રોલિંગમાં 14 ઓગસ્ટથી 16 ઓગસ્ટ દરમિયાન કુલ રૂ. 30.21 કરોડનાં માદક દ્રવ્યો કબજે કરવામાં આવ્યાં હતાં, જેના પગલે સ્ટેટ આઇબીએનઆઇયુ અને પોલીસ દ્વારા પિંગલેશ્વર, જખ મંદિર સહિતના દરિયાઈ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરાતાં વધુ 10 પેકેટ ચરસ અને એક વિસ્ફોટક સેલ પિંગલેશ્વર દરિયાઈ વિસ્તારમાંથી બિનવારસુ કબજે કર્યો હતો.


