ઇરાક યુદ્ધ, સીરિયામાં ગૃહયુદ્ધ, લીબિયામાં સત્તાપલટો, અફઘાનિસ્તાનમાં તાલિબાનના પુનરાગમન, આફ્રિકન દેશોમાં બળવા અને ખાદ્યાન્ન કટોકટી જેવા વિવિધ કારણોસર વિશ્વમાં માઇગ્રેશન ચરમસીમા પર પહોંચ્યું છે. આ દેશોમાં સર્જાયેલી માનવીય કટોકટીના કારણે લાખો નિરાશ્રીતો યુરોપના દેશો તરફ પલાયન કરી રહ્યાં છે. છેલ્લાં કેટલાંક વર્ષમાં ઇંગ્લિશ ચેનલ પાર કરીને યુકેમાં આવતાં નિરાશ્રીતોની સંખ્યા પણ રેકોર્ડ સ્તર પર પહોંચી છે. પોતાના વતનમાં જીવન દોહ્યલું બનતાં હજારો પરિવારો જીવના જોખમે પશ્ચિમના સુખી સંપન્ન દેશો તરફ પલાયન કરી રહ્યાં છે. યુરોપના દેશોમાં માનવ અધિકારની સુદ્રઢ જાળવણીના કારણે આ નિરાશ્રીતો રાજ્યાશ્રય પણ હાંસલ કરી રહ્યાં છે. પરંતુ સુખ શાંતિની આ તલાશ તેમની પાસે વધુ બલિદાન માગી રહી છે. તાજેતરમાં જ ઇંગ્લિશ ચેનલ પાર કરી રહેલી એક નાની હોડી પર તકરાર થતાં હોડી ઊંધી વળી અને 6 લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. જીવન સામેના જોખમ સહિતની સંખ્યાબંધ હાડમારીઓ આ નિરાશ્રીતો વેઠી રહ્યાં છે. વિવિધ દેશોની સરહદો પાર કરાવવા માટે માનવ તસ્કરો તેમની ઊઘાડી લૂટ ચલાવી રહ્યાં છે. યેનકેન પ્રકારે સુરક્ષિત દેશમાં પહોંચવા નિરાશ્રીતો માનવ તસ્કરોને હજારો પાઉન્ડની રકમ ચૂકવી રહ્યાં છે. આફ્રિકાના દેશોમાંથી યુરોપ તરફ રવાના થતી નિરાશ્રીતોની નૌકાઓ ડૂબી જવાના સમાચાર છાશવારે મીડિયામાં ચમકતાં રહે છે. આ પ્રકારની દુર્ઘટનાઓમાં હજારો નિરાશ્રીત અત્યાર સુધીમાં મોતને ભેટી ચૂક્યાં છે. 2023માં ફ્રાન્સથી ઇંગ્લિશ ચેનલ પાર કરીને અંદાજિત 17000 નિરાશ્રીત યુકે પહોંચ્યાં છે. માનવ તસ્કરો દ્વારા જે રીતે તેમને અસુરક્ષિત હોડીઓમાં ઠાંસી ઠાંસીને ઇંગ્લિશ ચેનલ પાર કરાવવામાં આવે છે તે કોઇપણ વ્યક્તિને હચમચાવવા માટે પુરતું છે. નાના બાળકો સાથેના પરિવારો યુકેના દરિયા કિનારે ન પહોંચે ત્યાં સુધી તેમના જીવન અને મૃત્યુ વચ્ચેનો ફાંસલો ઘણો નજીવો રહે છે. તેમ છતાં દરરોજ સેંકડોની સંખ્યામાં લોકો ગેરકાયદેસર રીતે યુકે પહોંચી રહ્યાં છે. કદાચને આ પ્રકારની માઇગ્રન્ટ માનવીય કટોકટીનો યુરોપ અને વિશેષ કરીને યુકે પહેલીવાર સામનો કરી રહ્યાં છે. યુકેની સરકાર ઇંગ્લિશ ચેનલ દ્વારા આવતા લોકોને અટકાવવા હવાંતિયાં મારી રહી છે પરંતુ આ સમસ્યાનો ઉકેલ આવવાને બદલે વિકરાળ બની રહી છે. કદાચ આપણે આપણા જીવનની સૌથી દારૂણ માનવીય કટોકટી જોઇ રહ્યાં છીએ.


