ચંદ્ર પર ‘વિક્રમ’: ભારતે અંતરિક્ષમાં ઇતિહાસ રચ્યો

Tuesday 22nd August 2023 09:26 EDT
 
 

અમદાવાદઃ ભારતની અવકાશ સંશોધન એજન્સી ઇસરોએ 23 ઓગસ્ટે નિશ્ચિત સમયે ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ કર્યું, તે સાથે ભારતે ઇતિહાસ રચ્યો છે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરનારો પ્રથમ દેશ બન્યો છે તો ચંદ્ર પર પહોંચનારો ચોથો દેશ બન્યો છે. ઇસરોના 16,500 વૈજ્ઞાનિકોની ચાર વર્ષની મહેનત અને દેશની 140 કરોડ જનતાની પ્રાર્થના થકી ઇસરોએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ઇસરોની આ સફળતાને વિશ્વભરમાં વસતાં ભારતીયોએ ટીવી પર લાઇવ નિહાળી હતી અને ‘વિક્રમ’એ લેન્ડિંગ કર્યું તે સાથે જ હર્ષોલ્લાસનું મોજું ફરી વળ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ ઇસરોને આ સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા હતા. હાલ બ્રિક્સની બેઠકમાં હાજરી આપવા આફ્રિકા ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ લાઇવ ટેલિકાસ્ટમાં વર્ચ્યુલી જોડાયા હતા અને વિજ્ઞાનીઓને અભિનંદન આપ્યા હતા.   

ચંદ્ર પર અત્યાર સુધીમાં માત્ર ત્રણ દેશ જ સફળતાપૂર્વક ઉતરાણ કરી શક્યા હતા જેમાં અમેરિકા, રશિયા અને ચીનનો સમાવેશ થતો હતો. હવે આ યાદીમાં ભારતનું નામ ઉમેરાયું છે. ઉલ્લેખનીય છે કે આમાંથી એક પણ દેશે હજુ સુધી દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કર્યું નથી. આવી સિદ્ધિ મેળવનાર ભારત પહેલો દેશ છે.

વિક્રમ લેન્ડર પર મોકલાયાં છે 4 પેલોડ્સ
ઇસરોએ ચંદ્રયાન-3 દ્વારા વિક્રમ લેન્ડર પર 4 પેલોડ્સ મોકલવામાં આવ્યાં છે. જેમાં (1) રંભા, (2) ચાસ્ટે, (3) ઇલ્સા અને (4) લેઝર રેટ્રોરિફ્લેક્ટર એરેનો સમાવેશ થાય છે. જેમાં રંભા પેલોડ્સ ચંદ્રની સપાટી પર સૂરજ દ્વારા આવતાં પ્લાઝમા કણોનું ઘનત્વ, પ્રમાણ અને પરિવર્તનની તપાસ કરશે. ચાસ્ટે પેલોડ્સ ચંદ્રની સપાટીની ગરમી એટલે કે તાપમાનની તપાસ કરશે. ઇલ્સા પેલોડ્સ લેન્ડિંગ સાઇટની આસપાસ ભૂકંપીય ગતિવિધિની તપાસ કરશે અને લેઝર રેટ્રોરિફ્લેક્ટર એરે ચંદ્રના ડાયનેમિક્સને સમજવાનો પ્રયાસ કરશે.
પ્રજ્ઞાન રોવર પર બે પેલોડ્સ
પ્રજ્ઞાન રોવર પર બે પેલોડ્સ લગાવવામાં આવ્યાં છે. જેમાં (1) લેઝર ઇડ્યૂસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ અને (2) આલ્ફા પાર્ટિકલ એક્સ-રે સ્પેક્ટ્રોમીટરનો સમાવેશ થાય છે. લેઝર ઇડ્યૂસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ ચંદ્રની સપાટી પર હાજર કેમિકલ્સનું પ્રમાણ અને ગુણવત્તાનો અભ્યાસ કરશે, સાથે જ ખનિજોની શોધ કરશે. તો બીજા પેલોડ્સ આલ્ફા પાર્ટિકલ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર એલિમેન્ટ કમ્પોઝિશનનો અભ્યાસ કરશે. જેમ કે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, પોટેશયમ, કેલ્શિયમ, ટિન અને લોખંડ. આ શોધ ચંદ્રની લેન્ડિંગ સાઇટની આસપાસ કરવામાં આવશે.
વૈજ્ઞાનિકો માટે શું ફાયદો?
વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર મળીને ચંદ્રના વાયુમંડળ, સપાટી, કેમિકલ, ભૂકંપ, ખનિજની તપાસ કરશે. આ શોધથી ઇસરો સહિત વિશ્વભરના વૈજ્ઞાનિકોના ભવિષ્યના રિસર્ચ માટે જાણકારી મળશે અને સરળતા રહેશે.
ઇસરોની વાહવાહ
ઇસરો દુનિયામાં પોતાના સસ્તા અને વિશ્વાસપાત્ર લોન્ચિંગ માટે જાણીતું છે. અત્યાર સુધી ઇસરો 34 સ્વદેશી અને 424 વિદેશી સેટેલાઇટને લોન્ચ કરી ચૂક્યું છે, તો માત્ર એક સેટેલાઇટથી 104 સેટેલાઇટ એકસાથે લોન્ચ કરવાનો વિક્રમ પણ નોંધાવી ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-1એ ચંદ્રની ધરતી પર પાણીની શોધ કરી હતી, ચંદ્રયાન-2 આજે પણ કામ કરી રહ્યું છે, અને તેણે જ ચંદ્રયાન-3 માટે લેન્ડિંગ સાઇટ પણ શોધી હતી. મંગળયાનની વિજયપતાકા તો સમગ્ર વિશ્વએ જોઈ લીધી, ત્યારે ચંદ્રયાન-3ની સફળતાએ દુનિયામાં દેશનું નામ રોશન કરી દીધું છે.


comments powered by Disqus