અમદાવાદઃ ગુજરાતી સાહિત્યના બેમિસાલ અને લોકપ્રિય લેખક ચંદ્રકાંત બક્ષીના માદરે વતન પાલનપુર ખાતે આવેલા તેમના પૈતૃક ઘરને મ્યુઝિયમ તરીકે વિકસાવવાનો નિર્ણય કરીને તેમના શુભેચ્છકો, વાંચકો અને મિત્રોએ બક્ષીબાબુના જન્મદિને તેમની હૃદયપૂર્વકની અનુમોદના કરી છે. જે ઘરમાં બક્ષીબાબુએ બાળપણ ગાળ્યું, ઉછર્યા અને જે ઘર સાથે તેમની પરિવારની અનેક સ્મૃતિઓ જોડાયેલી છે, એ સાંસ્કૃતિક ઘરનો જિર્ણોદ્ધાર કરીને તારીખ 20 ઓગસ્ટે તેમના જન્મદિને ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. એક પ્રકારનું ઋણ અદા કરવા માટેના આ બક્ષીકાર્યમાં કોઈપણ પ્રકારની સરકારી કે કોર્પોરેટ સહાય-સહકાર લેવાયાં નથી. માત્રને માત્ર વાંચકો-શુભેચ્છકો થકી જ સમગ્ર અભિયાન હાથ ધરાયું છે. 150થી વધુ પુસ્તકો લખીને ગુજરાતી સાહિત્યની અને દિલેર વાંચકોની સાચા અર્થમાં સેવા કરી જનારા મોટા ગજાના લેખક એવા ચંદ્રકાંત બક્ષીના સાચા મિજાજને અનુસરે એવા પ્રકારનું આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ સ્થળે બક્ષીબાબુના સાહિત્યથી માંડીને તેમની અનેક યાદગાર ચીજવસ્તુઓ, પુસ્તકો વગેરેને સંકલિત કરીને તેનું આધુનિક ટેક્નોલોજી સાથે પણ જોડાણ કરવામાં આવ્યું છે.
બક્ષીબાબુનું આ મકાન વર્ષો પહેલાં તેમના કાકાએ વેચાણ કરી દીધું હતું, પરંતુ બક્ષીસાહેબને આ મકાન સાથે ખૂબ લગાવ હતો એવું તેમનાં દીકરી રિવાબહેન પાસેથી જાણીને તેમના વાંચકો - શુભેચ્છકોએ આ મકાનની માવજત કરી, રિસ્ટોર કરી તેને સ્મારક તરીકે વિકસાવવા ‘શ્રી ચંદ્રકાંત બક્ષી સ્મૃતિ ટ્રસ્ટ' નામે ટ્રસ્ટ બનાવી સમગ્ર કાર્યને સુયોજિત કર્યું છે.


