જામનગરમાં ધારાસભ્ય રિવાબા, મેયર અને સાંસદ માડમ વચ્ચે જાહેરમાં તડાફડી

Wednesday 23rd August 2023 06:08 EDT
 
 

જામનગરઃ ‘મારી માટી - મારો દેશ’ અંતર્ગત શહીદોને શ્રદ્ધાંજલિ આપતા જામનગરનો એક કાર્યક્રમ ભાજપના જ અગ્રણીઓનો રાજકીય અખાડો બની ગયો હતો. કાર્યક્રમમાં એક સામાન્ય મુદ્દે જામનગર શહેરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ સાંસદ પૂનમ માડમ અને મેયર સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.
ધારાસભ્ય રિવાબા જાડેજાના જણાવ્યા પ્રમાણે ‘મારી માટી - મારો દેશ’ કાર્યક્રમમાં ચપ્પલ ઉતારી શહીદોને શ્રદ્ધાંજલિ આપતાં સાંસદ પૂનમબહેન માડમે નામ લીધા વિના એવું વિધાન કર્યુ હતું કે, ‘આવા કાર્યક્રમોમાં ચપ્પલ કાઢવાનો પ્રોટોકોલ નથી, રાષ્ટ્રપતિ પણ આવું કરતા નથી, પરંતુ ભાન નથી પડતી એવા લોકો ઓવર સ્માર્ટ થાય છે.’
પૂનમબહેન માડમના આ કથિત કથન બાદ રિવાબાએ એ જ સમયે જાહેરમાં તેમની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, ‘આવું તમારાથી બોલાય?’ રિવાબાના આકરા મિજાજને પગલે મહિલા મેયર સાંસદની તરફેણમાં આવતાં રિવાબા તેમના પર પણ તાડુક્યાં હતાં. વાત પૂરી કરવા પૂનમબહેને તેને રોકવાની કોશિશ કરતાં ઉગ્ર સ્વરમાં રિવાબાએ કહ્યું કે, ‘સળગાવવા વાળાં તમે છો. હવે ઠારવા આવ્યા છો!’
જામનગરમાં ‘મારી માટી - મારો દેશ’ કાર્યક્રમમાં શહીદ વંદના માટે ભાજપના સ્થાનિક નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ અને મેયર બીનાબેન કોઠારી સહિતના લોકો ચપ્પલ પહેરી શહીદોને શ્રદ્ધાંજલિ આપતાં હતાં, એ સમયે રિવાબા જાડેજાએ ચપ્પલ ઉતારી શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં. આ વાત એટલી મોટી બની ગઈ કે કાર્યક્રમ બાજુએ રહી ગયો અને ભાજપની મહિલા નેતાઓ ચર્ચાનું કેન્દ્ર બની ગઈ.
ધારાસભ્ય રિવાબાના શાબ્દિક પ્રહારથી મેયરનો પરિવાર આહત
શુક્રવારે મેયરના પરિવારજનો શહેર ભાજપ પ્રમુખને મળ્યા અને ધારાસભ્યએ જે ઓકાત શબ્દ તેમજ વાણીવિલાસ કર્યો તેના વિરુદ્ધ સખત વિરોધ નોંધાવ્યો, જે મામલે હવે ભવિષ્યમાં આવું ન થાય તેવી ખાતરી શહેર ભાજપ પ્રમુખે આપી હોવાનું જાણવા મળે છે. જામનગર શહેરનાં ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબહેન કોઠારી વચ્ચે ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ દરમિયાન તળાવની પાળે ભારે શાબ્દિક ટપાટપી થઈ હતી, જેમાં રિવાબાએ મેયરને ઓકાતમાં રહેવાનું કહી તેમના વડીલપણા વિશે પણ વાત કરી હતી.


comments powered by Disqus