ભારતમાં દેશની પ્રથમ લોંગ રેન્જ રિવોલ્વર પ્રબલ બનાવાઈ છે. તેની રેન્જ અન્ય રિવોલ્વર કરતાં ડબલ છે અને નાગરિકો, આર્મ્સ ડીલરો માટે લોન્ચ કરી દેવાઈ છે. તેને કાનપુર સ્થિત સરકારી એકમ એડવાન્સ્ડ વેપન્સ એન્ડ ઇક્વિપમેન્ટ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવી છે.
• બાઇડેન આઇટીસી મૌર્ય અને સુનક શાંગ્રિલા ખાતે રોકાશેઃ દિલ્હીમાં G 20 સમિટની તૈયારીઓ ચાલી રહી છે. G20 સમિટ માટે તમામ દેશના અગ્રણીઓની હોટેલ બુક થઈ ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન આઈટીસીની મૌર્ય ખાતે રોકાશે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક હોટેલ શાંગ્રિલા ખાતે મહેમાન રહેશે.
• લિબિયામાં ફસાયેલા 17 ભારતીય સ્વદેશ આવ્યાઃ લિબિયામાં સશસ્ત્ર જૂથ દ્વારા બંધક બનાવાયેલા 17 ભારતીયોને વિદેશ મંત્રાલયના પ્રયત્નો બાદ ભારત પરત લવાયા છે. લિબિયામાં ફસાયેલા આ ભારતીયોને પરત લાવવામાં ટ્યૂનિશિયા સ્થિત ભારતીય દૂતાવાસે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
• લેહમાં સેનાનું વાહન ખીણમાં પડતાં 9 જવાન શહીદ: કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખના લેહ જિલ્લામાં શનિવારે સાંજે ભીષણ દુર્ઘટના સર્જાઇ હતી. અહી ભારતીય સેનાના જવાનોને લઇ જઇ રહેલું એક વાહન રસ્તા પરથી સરકીને ઊંડી ખાઇમાં ખાબક્યું હતું જેના કારણે સેનાના નવ જવાનોના કરુણ મોત થયા હતા.
• કેરળના ગામમાં આફ્રિકન સ્વાઇન ફ્લૂનો પ્રકોપઃ ઉત્તર કેરળના કાનિચર ગામમાં આફ્રિકન સ્વાઇન ફ્લૂનો પ્રકોપ જોવા મળ્યો છે, જે બાદ જિલ્લા કલેક્ટર દ્વારા અહીં આવેલા બે ફાર્મમાં રહેલા તમામ સૂવરોની કતલના આદેશ આપ્યા છે. જિલ્લા પશુપાલન અધિકારીએ આફ્રિકન સ્વાઇન ફ્લૂનો કેસ સામે આવવાની પુષ્ટિ કરી હતી.
• પ્રધાનમંત્રી જન ધન ખાતાં 50 કરોડને પાર: દેશના ગરીબોને બેન્કિંગ સેવા સાથે જોડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં લોન્ચ કરેલી મહત્વાકાંક્ષી યોજના જન ધન ખાતા હેઠળ બેન્કોમાં આ ખાતાઓની સંખ્યા પહેલી વખત 50 કરોડને પાર થઈ ગઈ છે. જેમાં 56 ટકા બેન્ક ખાતાં મહિલાઓના ખોલાયાં છે, જ્યારે 67 ટકા બેન્ક ખાતા ગ્રામીણ, અર્ધ-શહેરી વિસ્તારમાં ખોલાયાં છે.
• ભારત-પાકે. પહેલી વખત આઝાદીની શુભેચ્છા પાઠવી નહીંઃ ભારત 1947માં આઝાદ થયું અને ત્યારથી જ બંને દેશો સીમા પર એકબીજાને આઝાદીની શુભકામના આપતાં મીઠાઈની આપ-લે કરે છે. જો કે આ વખતે પ્રથમ વખત ભારતે પાકિસ્તાનને કે પાકિસ્તાને ભારતને આઝાદીની શુભકામના પાઠવી નથી.
• રાષ્ટ્રપતિએ આઇએનએસ વિંધ્યાગિરિ લોન્ચ કર્યું: ભારતીય સેનાઓના સર્વોચ્ચ કમાન્ડર અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્ખ 17 ઓગસ્ટના રોજ પશ્ચિમ બંગાળની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે કોલકાતા ખાતેથી જંગી યુદ્ધ જહાજ આઇએનએસ વિંધ્યગિરિ લોન્ચ કર્યુ હતું, નીલગિરિ શ્રેણીની આ ફ્રિગેટ સ્ટીલ્લ ગાઇડેેડ મિસાઇલ યુદ્ધ જહાજ છે.
• ભારત રશિયા પાસેથી ઘઉં સહિતની સામગ્રી છૂટથી ખરીદશે: આહાર સામગ્રીની વધેલી કિંમતોને કારણે દેશમાં મોંઘવારી 15 મહિનાની ટોચની સ્થિતિએ છે. સરકાર તરફથી જારી આંકડા મુજબ જુલાઇ મહિનામાં રિટેલ મોંઘવારી દરે 15 મહિનાનો રેકર્ડ તોડી નાખ્યો છે. કમરતોડ મોંઘવારીને અંકુશમાં લેવા સરકાર રશિયા પાસેથી વાજબી દરે ઘઉંની આયાત કરવા વિચારી રહી છે.
• સાઇબર ફ્રોડ રોકવા 52 લાખ સિમકાર્ડ રદઃ દેશમાં ઈન્ટરનેટ અને સ્માર્ટફોન્સનો પ્રસાર વધવાની સાથે સાઈબર ફ્રોડનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આવા સંજોગોમાં સાઈબર છેતરપિંડી રોકવા માટે કેન્દ્ર સરકારે ગુરુવારે મહત્વપૂર્ણ પગલું ઊઠાવતાં 52 લાખ સિમ કાર્ડ રદ કરી દીધાં છે. ટેલિકોમ વિભાગે હવે સીમ કાર્ડ વેચતા ડીલર્સ માટે પોલીસ અને બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત કર્યું છે.
• નહેરુ મેમોરિયલનું નામ હવે પ્રધાનમંત્રી સંગ્રહાલયઃ કેન્દ્ર સરકારે નહેરુ મેમોરિયલ સંગ્રહાલય અને પુસ્તકાલયનું નામ સત્તાવાર રીતે બદલીને પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલય કરી દીધું છે. આઝાદી પછી પૂર્વ વડાપ્રધાન નહેરુનું આ સત્તાવાર નિવાસ સ્થાન બની ગયું હતું. તેમના નિધન પછી આ ઘરને સંગ્રહાલય અને પુસ્તકાલયમાં પરિવર્તિત કરી દેવાયું હતું.
• પાકિસ્તાનમાં બસ અકસ્માતમાં 16 લોકોનાં મૃત્યુઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં રવિવારે એક બસ અને ડીઝલ પિકઅપ વાહન ટકારાયાં હતાં. ડીઝલના કારણે અકસ્માતથી લાગેલી આગમાં 16 લોકોનાં સળગી જવાથી મૃત્યુ થયાં છે. મૃતકો એટલી હદે બળી ગયાં છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ છે. તેમની ઓળખ મેળવવા ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે. પંજાબમાં પિંડી ભટિયાન પાસે ફૈસલાબાદ મોટરવે પર આ દુર્ઘટના બની હતી.


