નવનાત હોલમાં ભારતના ૭૭મા સ્વાતંત્ર્ય દિનની શાનદાર ઉજવણી

- જ્યોત્સ્ના શાહ Wednesday 23rd August 2023 07:08 EDT
 
 

નવનાત વડીલ મંડળે શુક્રવાર તા.૧૮ ઓગષ્ટના રોજ ૭૭માં ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી શાનદાર રીતે કરી હતી. ભારતના વિવિધ પ્રાંતના પહેરવેશ દર્શાવતા સ્ટેચ્યુસ, બ્રિટન-ભારતના ધ્વજ સહિત સ્વાતંત્ર્યની લહેરથી શોભતા નવનાત હોલનું ડેકોરેશન વિવિધતામાં એકતાનું પ્રતિનિધિત્વ કરતાં હતાં. આ સુંદર ડેકોરેશન વડીલ મંડળની જ બહેનો હસ્મિતાબહેન દોશી અને મીનાબહેન સાંઘાણીએ કર્યું હતું. વડીલ મંડળના પ્રમુખ શ્રી નલિનભાઇ ઉદાણીએ સૌનું હાર્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, આજના કાર્યક્રમના સ્પોન્સરર ડો.સુરેશચંદ્ર પરીખ બોલ્ટનમાં જી.પી. હતાં. એમણે સ્વ.પત્નીની સ્મૃતિમાં આ કાર્યક્રમ સ્પોન્સર કરી સ્વદેશપ્રેમની લાગણી વ્યક્ત કરી હતી. જાણીતા ગાયિકા મરીનાબહેનના સંગીત ગૃપે બ્રિટનના રાષ્ટ્રીય ગીતથી પ્રારંભ કરી ભારતના રાષ્ટ્રીય ગીતોની રમઝટથી માહોલને ગરિમા બક્ષી હતી. ભારતના જીરોની શોધથી માંડી હાલના વીઝનરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ વિશ્વભરમાં ભારતનો ડંકો વગાડ્યો એ ગૌરવભરી વાતોએ સૌમાં નવું જોમ ભરી દીધેલ વડિલોએ હાથમાં ત્રિરંગો લહરાવી સમગ્ર હોલની ત્રણ વખત પ્રદક્ષિણા શ્રી જગદીશભાઇ સાંઘાણીની આગેવાનીમાં કરી ભારતીયતાને ઉજાગર કરી હતી. એમનો ઉત્સાહ યુવાનોને શરમાવે તેવો હતો. છેલ્લે ભારતના રાષ્ટ્રીય ગીતથી સમાપન કરાયું હતું.
બે ભાગમાં યોજાયેલ કાર્યક્રમમાં કિચન કમિટીની વોલંટીયર બહેનોએ બનાવેલ સ્વાદિષ્ટ ગરમાગરમ ભોજનની લિજ્જત માણી સંગીતનો બીજો દોર ચાલુ થયો. આવા સુંદર કાર્યક્રમો યોજાતા હોય તો વડિલો શુક્રવારની આતુરતા પૂર્વક રાહ જુએ એ સ્વાભાવિક છે.


comments powered by Disqus