પ્રા. ચંદ્રકાન્ત પટેલના વિદેશ પ્રવાસની ખાટીમીઠી - 2

સી. બી. પટેલ Wednesday 23rd August 2023 06:37 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, છેલ્લા ત્રણ સપ્તાહથી આપ સહુ સમક્ષ ગૂજરાત વિદ્યાપીઠના ઇતિહાસવિદ્ પ્રા. ચંદ્રકાન્ત પટેલના જીવનકવન અને વિદેશપ્રવાસના યાદગાર પ્રસંગો સાદર કરી રહ્યો છું. આ શ્રેણીને વિરામ આપતાં પૂર્વેનો આ છેલ્લો ભાગ છે. દરિયાપારના દેશોમાં વસતાં ગુજરાતીઓના ઇતિહાસથી માંડીને તેમની જીવનશૈલી, સિદ્ધિ અને સમસ્યાઓ વિશે પટેલસાહેબની જાણકારી, વિદેશપ્રવાસ વેળાના તેમના અનુભવો એટલા વ્યાપક છે કે ગમેતેટલું લખીએ ઓછું જ પડે. તેથી ફરી ક્યારેક આ શ્રેણીને આગળ ધપાવશું.
શારજાહમાં ગુજરાતમય શબ્બીર રોકડિયા
પંચમહાલ જિલ્લાના લુણાવાડાના તાહેરઅલી 30 વર્ષની વયે 1948માં કુવૈત અને 1958માં દુબઈ નજીક શારજાહમાં આવ્યા. ત્યારે થોડા આરબોના ભુંગા અને થોડી દુકાનો. ત્યારે તેમની દુકાનનો રજિસ્ટ્રેશન નંબર 1020. પછી 2007માં 60,000થી વધારે રજિસ્ટ્રેશન થયાં. આજે કદાચ એકાદ લાખ હશે. શારજાહના આરંભના વિકાસમાં આ પરિવારની આરંભથી આગેવાની હતી. 1970માં પુત્ર શબ્બીર જોડાયા. પછીથી શાખાઓ વધીને છ થઈ. શબ્બીર ભલે એસ.એસ.સી. હોય. ગુજરાતી ભાષાનું વળગણ તેમનો કેડો મૂકતું નથી. ગુજરાતી ભાષાના લેખકો એમને પ્રિય છે. પેટલીકર, પન્નાલાલ, મેઘાણી, ધૂમકેતુ, ર.વ. દેસાઈ કે કનૈયાલાલ મુનશી બધામાં રસ. તેઓ વાચનના રસિયા. ગુજરાતી સમાજના એ પ્રમુખ પણ થયા હતા. ભારતના રાજકીય – આર્થિક પ્રવાહોના એ અભ્યાસી છે. અતિથિવત્સલ એવા કે અજાણ્યા ગુજરાતી લેખકના યજમાન બને અને તેમને ફેરવીને અને શારજાહ વૃંદાવન હોટેલમાં લઈ જઈને ગુજરાતી થાળી જમાડ્યા વિના જવા ના દે. ક્રિકેટના ભારે રસિયા. ટીવીમાં મેચ હોય તો ઘર અને ધંધો બાજુએ મૂકે. શારજાહની ક્રિકેટ કાઉન્સિલમાં દશકાઓથી તે એકમાત્ર ગુજરાતી સભ્ય છે. મુસ્લિમ શબ્બીર રોકડિયા અન્ય ગુજરાતીઓથી ભાષા, આતિથ્ય, ગુજરાતપ્રેમ અને મોદીભક્તિમાં ય જુદા પડે તેવા નથી. એ ગરવા ગુજરાતી બનીને રહ્યા છે.
પ્રેરક પરિવારના પ્રતિનિધિ આસિત મહેતા
ભારતની પ્રગતિનાં નવા કીર્તિમાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાપિત કર્યાં છે, પણ તેમના પહેલાંય માનવી માત્રને માટે હિતકારી જીવનરીતિની પરંપરા અવારનવાર છતાં, સતત કેટલાય પરિવારો દ્વારા પુનરાવર્તીત થતી રહે છે. આવો એક પરિવાર મૂળે પાલનપુરી ઓશવાળ જૈનનો છે, જે હીરાના વૈશ્વિક પાટનગર એન્ટવર્પમાં છે. આ પરિવારના પ્રતિનિધિ આસિત મહેતા. કંપનીનું નામ આર્જવ ડાયમંડ. મુંબઈ, સુરત, તેલ અવીવ, જોહાનિસબર્ગ, સુરત, સિંગાપોર અને એન્ટવર્પમાં તેમની ઓફિસો. 1981માં વસંતભાઈના પરિવારમાં પ્રથમ પૌત્ર આર્જવ જન્મ્યો એની ખુશાલીમાં વસંતભાઈએ કંપનીનું નામ આર્જવ ડાયમન્ડ રાખીને એન્ટવર્પમાં એ સંભાળવાની જવાબદારી સૌથી નાના પુત્ર આસિતને સોંપી. આર્જવના પિતા અક્ષયભાઈ પરિવારમાં સૌથી મોટા. તે બીજે સંભાળે.
પરિવારમાં આત્મીયતાની ભાવના છે. પરિવારનાં આગવા જીવનમૂલ્યો છે. પરિવારના દરેક છોકરાએ દસમા ધોરણ પછી બે વર્ષ એન્ટવર્પમાં કાકા અસિતભાઈ સાથે રહીને ભણવાનું. આવતીકાલની દુનિયામાં જીવનમૂલ્યો સહિત જીવવા માટે કાકા પાસે રહીને ઘડાવાનું. તે દરમિયાન ધંધા અંગે કોઈ પણ પ્રશ્ન પૂછવાની છૂટ. બે વર્ષ પછી લંડન જઈને ભણીને ડિગ્રી લઈને ધંધો શીખવા સુરતમાં રહેવાનું.
ચંદ્રકાન્તભાઈ એન્ટવર્પમાં આસિતભાઈ સાથે આર્જવને પણ મળ્યા. નવયુવાન આર્જવે વાતવાતમાં પોતાની પાછળની આઠ – નવ પેઢીનો ઉલ્લેખ નામ સહિત મોંએ કરી દીધો. વહીવંચાથીય વધુ તેનું જ્ઞાન. આસિતભાઈએ કહ્યું, ‘આવતા વર્ષે આર્જવ પરણે પછી ધંધાનું સુકાન એણે જ સંભાળવાનું. હું નિવૃત્ત થઈને તેનો ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ બનીને રહીશ. અમારા પરિવારની આ નીતિ છે. જેથી યુવાનો એમની રીતે કામ કરે અને નિર્ણય લે. જનરેશન ગેપ ના રહે. હું સમાજસેવાની પ્રવૃત્તિમાં રોકાઈશ. જે સમાજે અમને ઘણું આપ્યું છે તેમાંથી આ રીતે અંશતઃ પાછું અપાય તો સારું.’
ચંદ્રકાન્તભાઈ આ સાંભળીને વિચારમાં ખોવાયા. રાજકારણ. સમાજસેવા, વેપારઉદ્યોગ એવા સૌ ક્ષેત્રમાં વડીલો આ સ્વીકારે તો વિશ્વના મોટા ભાગના પ્રશ્નો જન્મ્યા પહેલાં જ મરણ પામે.
પ્રચારના ડિમડિમ વિના આવા પરિવારો સમાજને પ્રેરક છે.
મંગલમયી અને માતૃપ્રેમી બંધુબેલડીઃ
ભીખુભાઈ અને વિજયભાઈ
કઠોપનિષદમાં ત્યાગીને ભોગવી જાણવાની વાત વિશ્વના અન્ય ધર્મો પહેલાં લખાયેલી. ભારતીય સંસ્કૃતિમાં આમ દાનનો અને ત્યાગનો મહિમા છે. રામાયણકાળ અને તે પહેલાંથી મા - બાપની સેવાનો મહિમા એ ભારતીય સંસ્કૃતિનો મહિમા છે. પશ્ચિમીકરણના વાવાઝોડામાં, પૂર્વમાં પણ આ વાતો વિસરાતી વિખરાતી ગઈ છે ત્યારે પશ્ચિમી સંસ્કૃતિના ગઢ શા ઈંગ્લેન્ડમાં વસીને ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યો જાળવીને જીવવાનું અઘરું છે. પ્રબળ વૃત્તિ અને દૃઢ સંકલ્પ વિના આ કરવું અઘરું છે. છતાં એવું અઘરું કામ કરનાર વિરલ બંધુબેલડી છે જે ભીખુભાઈ અને વિજયભાઈ પટેલની છે.
સમૃદ્ધિ આવે ત્યારે વિવેક ઘટે. નમ્રતા ઘટે, તોછડાઈ વધે અને બધું મેં જ કર્યું છે એવી ભાવના જાગે અને ત્યારે પશ્ચિમી સંસ્કૃતિમાં સંતાનો મા-બાપની અવગણના કરે છે. આમાંથી અપવાદરૂપ છે આ બંધુબેલડી. મા શાન્તાબહેન વિધવા બન્યાં ત્યારે કેન્યામાં એલ્ડોરેટ શહેરોમાં વસતાં. આ વખતે મોટા પુત્ર ભીખુભાઈની ઉંમર નવ વર્ષ. નાના પુત્ર વિજયભાઈ વય સાત વર્ષ. એકમાત્ર દીકરી મંજુલાબહેન 11 વર્ષનાં. માએ સંતાનોને ઓશિયાળા બનીને જીવવું ના પડે માટે વતનમાં બધાંનો આગ્રહ છતાં કેન્યામાં જ રહેવાનો નિર્ણય લીધો.
પતિ છોટાભાઈ ભાગીદારોના દગાથી દેવાદાર બનેલા અને હાર્ટ એટેકથી અવસાન પામ્યા ત્યારે શાન્તાબહેનની વય 35 વર્ષની. આજે તો આ વયે પહોંચ્યા પછી વિદેશમાં કેટલીક છોકરીઓ લગ્નનો વિચાર કરે છે ત્યારે આ વયે શાન્તાબહેનને ત્રણ ત્રણ સંતાનો પછી વૈધવ્ય આવ્યું. છતાં પિતાએ સાત ધોરણ સુધી ભણાવેલ એ યુવતીએ હિંમત કરી. માત્ર આઠ બાય દશના રૂમમાં રહેતાં હતાં તેમાં જ બાલમંદિર કર્યું, જેથી પોતાનાં અને પારકાં બાળકોને ભણાવાય અને જીવાય. શાન્તાબહેન ખુમારીમાં જીવ્યાં. કોઈનીય મદદ ના સ્વીકારી. આ જોઈને સંતાનો પણ ખુમારીના પાઠ શીખ્યાં. નાની વયે રજાના દિવસે, વેકેશનમાં મળે ત્યાં કામ કર્યું. બાળકોનું ટ્યુશન કરે, કાપડિયા કે કરિયાણાની દુકાને મળે તે કામ કરે. મોટા દીકરા ભીખુભાઈ ‘ઓ’ લેવલની પરીક્ષા પાસ કરીને પોતે મજૂરીથી બચાવેલા પૈસા અને માના સાથથી 1966માં લંડન પહોંચ્યાં.
ભીખુભાઇએ લંડનમાં પાર્ટ ટાઈમ નોકરી સાથે આર્કિટેક્ટ થવા એડમિશન લીધું. બીજા વર્ષે વિજયભાઈ પણ લંડન પહોંચ્યાં. તેમણે ફાર્મસીના અભ્યાસક્રમમાં એડમિશન લીધું. 1973માં ફાર્મસિસ્ટ થયા. ભીખુભાઈ 1975માં આર્કિટેક્ટ થયા પછી નોકરી સ્વીકારી. વિજયભાઈએ બે વર્ષના અનુભવ પછી ફાર્મસી કરી. પાંચ વર્ષમાં દશ ફાર્મસી થઈ. ભીખુભાઈએ દુકાન કરી હતી પણ ફાર્મસીના ધંધાની ઝડપી પ્રગતિ થતી હતી તેથી બંને ભાઈઓ એક જ ધંધામાં 1982માં ભેગા થયા. બંનેમાં દેહ અલગ પણ દિલ એક. ગજબની સમજ અને સંપ. ફાર્મસીઓ વધતાં જથ્થાબંધ વેપારમાં ઝંપલાવ્યું. આથી સસ્તો પડે તે રીતે યુરોપમાંથી માલ લાવીને વેચતા. વેચાણ અને ફાર્મસી વધતાં ભારત અને પૂર્વ એશિયાના દેશોમાં ઉત્પાદન કરાવતા અને પોતાનો માલ વેચતા થયા. તેમની વે મેઈડ કંપની ઈંગ્લેન્ડમાં ફાર્મસી વ્યવસાયમાં અગ્રણી છે. ઈંગ્લેન્ડ ધનિક ગુજરાતીઓમાં આ બંનેની નામના છે.
સમૃદ્ધિ અને સંખ્યાબંધ એવોર્ડ છતાં તેઓ પોતાનો ભૂતકાળ ભૂલ્યા નથી. બા શાન્તાબહેનનો પરિશ્રમ અને પ્રેમ ભૂલ્યાં નથી. મા પ્રત્યે તેમને શ્રવણવત્ ભક્તિ છે. શાન્તાબાના નામે એલ્ડોરેટમાં તેમણે બાલમંદિર અને પ્રાથમિક શાળા માટે મકાન બાંધી આપ્યાં છે. વતનમાં કરોડોના દાન આપ્યાં છે. અનુપમ મિશનને મતિમંદ બાળકો માટે કરોડોનું દાન અને તેવી જ રીતે વિદ્યાનગરમાં વે મેઈડ ફાર્મસી કોલેજ માટે તેમનું દાન છે. દાનના સંસ્કાર, માતૃભક્તિ અને નમ્રતાના નમૂનારૂપ આ બંધુબેલડી છે. 2009માં લખવા નિમિત્તે થયેલી એમની મુલાકાતમાં તરીને સામે આવેલા આ ગુણ છે. પછી પણ તેમની પ્રવૃત્તિ અને પરોપકાર વિકસ્યાં હશે જેથી હું અજાણ છું.
સંસ્કૃતિ, સાદગી અને સંપથી શોભતા: ધામેચા બ્રધર્સ
વીસમી અને એકવીસમી બે સદીથી મૂળ વતનથી વેગળાં રહેવા છતાં આ બંને સદીમાં ભારતીય સંસ્કૃતિ, સાદગી અને સંપના નમૂનારૂપ બનેલો પરિવાર એ ધામેચા બ્રધર્સ. ચંદ્રકાન્ત પટેલને અનેક દેશ અને વ્યક્તિઓની મુલાકાત પછી પરિવાર તરીકે અનેરો લાગે છે. કેન્યા, યુગાન્ડા અને ઈંગ્લેન્ડ એમ ત્રણ ત્રણ દેશોમાં ધામેચા પરિવારની બંધુત્રિપુટી. મૂળ વતનનો સાંસ્કૃતિક વારસો અને પરંપરાને સાચવીને જીવી. જીવનમૂલ્યો અને બાપદાદાનો ધંધો જાળવીને, વિદેશમાં વસીને સમૃદ્ધિ પામી, જાળવી અને બાપદાદાના ધર્મને પોષક પ્રવૃત્તિઓ કરી શકાય. એનો સુંદર અને પ્રેરક દાખલો ધામેચા પરિવારની બંધુ ત્રિપુટીએ પૂરો પાડ્યો છે.
ચંદ્રકાન્તભાઈના શબ્દોમાં સંક્ષેપમાં જોઈએ તો 1885માં જન્મેલા રતનશી, જે કડેગીમાં હાટડી ચલાવતા દયાળજી સુંદરજી ધામેચાના દીકરા. સુખ અને સમૃદ્ધિની શોધમાં સાહસ કરીને, વહાણે ચઢીને 1906માં કેન્યાના કિસુમુમાં પહોંચ્યાં. જુદી જ આબોહવામાં શરીર શ્રમ કરીને વેપારી આવડત પામીને વતન જઈને જીવીબહેનને પરણીને ફરીથી પાછા આવીને ઘરથી ચિંતાથી મુક્ત થઈને ધંધે વળગ્યા. જીવીબહેનને કારણે અતિથિને અજાણ્યાને જમાડવામાં કંટાળે કે થાકે નહીં. 18 વર્ષના લગ્નજીવનમાં પુત્રી સંતોકબહેનને જન્મ આપ્યો. આથી ત્યારની માન્યતા મુજબ વારસદાર પુત્ર જરૂરી માનીને જીવીબહેને રતનશીને ફરી પરણવા સમજાવીને 43 વર્ષની વયે ભારત મોકલ્યા. લાડુબહેનને પરણીને તે પાછા આવ્યા. જીવીબહેન અને લાડુબહેન વચ્ચે ભગિનીભાવ. હરીફાઈ કે ઈર્ષ્યા નહીં. સંપીને રહે અને ઘર ચલાવે. ધંધો વિકસ્યો. લાડુબહેનને 1930માં પુત્ર ખોડીદાસ, 1931માં શાન્તિલાલ અને 1934માં જયંતિલાલ જન્મ્યા.
1934માં ન્યૂમોનિયામાં રતનશીના અવસાન પછી પરિવારને આર્થિક વિટંબણાઓ સર્જાઈ. જીવીબહેન અને લાડુબહેને સંતાનો ઉછેરવા સતત પરિશ્રમ કર્યો. મળ્યાં તે શ્રમનાં કાર્યો કર્યાં. દળણાં દળે, કપડાં સીવે, ઘરકામ કરે. મજૂરી કરે. આમ છતાં અતિથિને ક્યારેય ભૂખ્યાં ના જવા દે. સાધુસંતોને જમાડે. વાર, તહેવાર, ઉપવાસ કરે. 1946માં ખોડીદાસે ભણ્યા પછી બીજાની દુકાને કામ શરૂ કર્યું. પછી બીજા ભાઈઓ પણ જોડાયા. બીજાને ત્યાં કામથી ઘડાયા. 1953માં દીકરાઓએ ધંધામાં ઝંપલાવ્યું. ધામેચા બ્રધર્સ 1953માં શરૂ કર્યું, જે સાત દશકાથી એ જ નામે ચાલે છે.
1972માં ઈદી અમીને ભારતીયોની હકાલપટ્ટી કરી તે પહેલાં 1971માં તેઓ યુગાન્ડા છોડીને લંડન આવ્યા. અહીં સાબુની ફેક્ટરી કરી. જાત જાતની એજન્સીઓ લીધી. ભારતીય ગ્રોસરી અને ભાત ભાતની જરૂરી ચીજોની દુકાન, ત્યારબાદ કેશ એન્ડ કેરી ધામેચા બ્રધર્સના નામે કરી. કમાયા. સાધુસંતો અને કથાકારોના કાયમી યજમાન હોય તેમ જીવતાં થયાં. લંડનમાં સંતોની કથાઓ માટેની તેમની યજમાની જાણીતી છે. સીડી, પુસ્તિકાઓ, કેસેટ એ બધાં મારફતે સત્સંગ, ધર્મજ્ઞાનના પ્રસારક – પોષક તરીકે ધામેચા બંધુઓ જાણીતાં થયાં. સત્કાર્યમાં એમનાં દાન ભારત, ઈંગ્લેન્ડ અને આફ્રિકા સુધી ફેલાયાં છે. આજે ખોડીદાસભાઈ નથી. પરિવારને તેમની ખોટ સાલે છે પણ ધંધા અને ધર્મમાં પરિવારની કમાણી વધતી રહી છે.
ચંદ્રકાન્તભાઈ પાસે દેશવિદેશની સેંકડો વ્યક્તિઓની સારપની સ્મૃતિનો ખજાનો છે. અફસોસ સાથે તેમની બ્રિટનની મુલાકાત હાલપૂરતી મુલત્વી રાખવાની મજબૂરી ઊભી થઈ છે.
આપ સૌનો અનુરાગી... સી.બી.


comments powered by Disqus