બ્રિક્સનું વિસ્તરણ ચીનનો અમેરિકા વિરોધી કારસો?

Wednesday 23rd August 2023 06:26 EDT
 

આ સપ્તાહમાં દક્ષિણ આફ્રિકામાં આયોજિત બ્રિક્સ શિખર સમિટમાં સંગઠનના વિસ્તરણનો મુદ્દો મુખ્ય ચર્ચાનો વિષય બની રહેવાનો છે. બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા એમ પાંચ દેશો દ્વારા શરૂ કરાયેલા આ સંગઠનમાં જોડાવા ઇરાનથી માંડીને આર્જેન્ટિના અને વેનેઝુએલા સહિતના 40 દેશ તૈયાર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ચીન આ સંગઠનના વિસ્તરણ માટે બેતાબ બની રહ્યો છે. અમેરિકા સામે આર્થિક અને લશ્કરી મોરચે બાથ ભીડી રહેલો ચીન અને સંગઠનનો મહત્વનો સભ્ય દેશ રશિયા પશ્ચિમના દેશોની મોનોપોલી તોડવાની ફિરાકમાં છે. સંયુક્ત રાષ્ટ્ર, આઇએમએફ, વર્લ્ડ બેન્ક સહિતના આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં પશ્ચિમના સમૃદ્ધ દેશોનું પ્રભુત્વ છે અને ચીન તથા રશિયાની આંખમાં આ પ્રભુત્વ આંખના કણાની માફક ખૂંચી રહ્યું છે. ચીન અને રશિયા બ્રિક્સના વિસ્તરણ દ્વારા અમેરિકા અને પશ્ચિમના દેશોને સીધો પડકાર આપવાની ગણતરી કરી રહ્યાં છે. ભારત બ્રિક્સ સંગઠનનો મહત્વનો દેશ છે અને બ્રિક્સનું વિસ્તરણ ભારત માટે મોટી ચિંતાનો વિષય છે. ભારતની ચિંતા એ છે કે બ્રિક્સનું વિસ્તરણ ચીન કેન્દ્રિત બની રહેવું જોઇએ નહીં. હાલમાં એલએસી પર સરહદી વિવાદના કારણે ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો તળિયે બેઠાં છે ત્યારે બ્રિક્સ સંગઠનમાં ઇરાન જેવા ચીનના પીઠ્ઠુ દેશોનો સમાવેશ ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે. બ્રિક્સની એક્સાપન્શન પ્રોસેસ ભારત માટે નાજુક તાંતણા પર ચાલવા સમાન છે. જો ચીનના નેતૃત્વમાં આ વિસ્તરણ પ્રક્રિયા થશે તો એવી શંકાઓ પ્રબળ બનશે કે વિશ્વમાં ઉભરતા ખેલાડીઓનો અવાજ બુલંદ બનાવવા માટે ચીન કામ કરી રહ્યો નથી પરંતુ તે બ્રિક્સના પ્લેટફોર્મનો ઉપયોગ ચીની પ્રાથમિકતાઓ અનુસાર અમેરિકા વિરોધી મંચ તરીકે કરવા માગે છે. જોકે ભારતે આ મામલે અત્યંત સાવચેતીભર્યું વલણ અપનાવતાં બ્રિક્સના વિસ્તરણ મુદ્દે સંતુલિત પ્રતિક્રિયાઓ આપી છે. ઇરાન, વેનેઝુએલા જેવા અમેરિકા વિરોધી અને ચીનના મિત્ર દેશોનું બ્રિક્સમાં આગમન ભારતના હિતોને પણ નુકસાન કરી શકે છે તે બાબત ધ્યાનમાં રાખવી પડશે.


comments powered by Disqus