રામકથા મનુષ્ય બનાવવાની પ્રક્રિયા છે: પૂજ્ય મોરારી બાપુ

જીસસ કોલેજ, કેમ્બ્રિજ યુનિવર્સિટીના પરિસરમાં રામ કથાના અંતિમ દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું

- મહેશ લિલોરિયા Tuesday 22nd August 2023 07:11 EDT
 
 

પૂજ્ય મોરારી બાપુની રામકથા આધારિત નવ દિવસીય પ્રવચનમાળા 20 ઓગસ્ટ 2023 રવિવારે પૂર્ણ થઈ. વિશ્વની સૌથી જૂની અને સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં એક જીસસ કોલેજ, કેમ્બ્રિજ યુનિવર્સિટીના પરિસરમાં રામ કથાના અંતિમ દિવસે બાપુએ કહ્યું- રામ કથા મનુષ્ય બનાવવાની પ્રક્રિયા છે. રામ સ્મરણ એટલે સત્ય, રામ નામ ગાન એટલે પ્રેમ અને રામ કથા શ્રવણ એટલે કરૂણા છે. રામકથા લોકો માટે, લોકો દ્વારા કરેલ મનોરથ છે. આ આપણા અસ્તિત્વ માટેનો મનોરથ છે.
પૂજ્ય બાપુએ રામકથાનું રસપાન કરાવતા કહ્યું કે, જ્યાં આપણું મન લાગી જાય તે જગ્યા અથવા વિષય અથવા વૃત્તિ આપણું વિશ્વ બની જતી હોય છે. સારા સંસ્કાર હોય તો પરિવાર એક વિશ્વ બની જાય છે. સારા લોકો હોય તો સમાજ એક વિશ્વ બની જાય છે. બાપુએ કહ્યું કે, મારો વિશ્વ રામ ચરિત માનસ છે. 41 દિવસમાં હું 31 દિવસ બોલ્યો અને 52 હજાર કિલોમીટરની યાત્રા કરી. આ મારો વિશ્વ છે અને એમાં હું પરિભ્રમણ કરું છું. આ વિશ્વ પણ એક વિદ્યાલય છે. આમાં એક વિભાગ પૃથ્વી છે, જેના વિષય જળ, પ્રકાશ, વાયુ, અગ્નિ આકાશ છે.
જગતમાં કોઇ પણ રોગનો નાશ કરવા માટે સાધુ સમાગમ જરૂરી છે
બાપુએ કહ્યું કે, કોઈ પણ કાર્ય કરવા માટે વિધિ ગમે તેટલી મોટી હોય, એનું સ્થાન અને અને મહત્વ નાનું જ હોય છે. કાર્યની સફળતા માટે જે વસ્તુ જોઇયે, એ છે વિશ્વાસ. વિશ્વાસ હિમાલય કરતાં પણ ઊંચો હોય તો સમગ્ર જીવન બદલાઈ જાય છે. જગતમાં કોઇ પણ રોગનો નાશ કરવા માટે સાધુ સમાગમ જરૂરી છે. માણસ ધર્મના માર્ગે ચાલે તો પશુ-પક્ષી પણ સાથ આપવા આવે છે અને તો માણસ અધર્મના માર્ગે ચાલે તો પોતાના પણ સાથ નહીં આપે.
હનુમાનજી સુખના દિવસોમાં ઢાળ હંમેશા
પાછળ જ હોય છે
પૂજ્ય મોરારી બાપુએ જણાવ્યું કે, કોઈ પણ વસ્તુ જ્યાં ખોવાઈ ત્યાંજ મળે. જેમકે શાંતિ. શાંતિ આપણી અંદર જ છે પણ આપણે એની શોધ બહાર કરીએ છીએ. દુ:ખ તો શણગારની જેમ છે, કાયમ માટે નથી વાર-તહેવાર જ પહેરાય. રાવણ પાસે સોનું હતું પણ સ્નેહ નહોતું, એટલે એની મતિ અને ગતિ ભ્રષ્ટ થઈ. સુખના દિવસોમાં ઢાળ હંમેશા પાછળ જ હોય છે. એ જ રીતે હનુમાનજી સુખના દિવસોમાં આપણી પાછળ હોય છે પણ કષ્ટ, પ્રાણસંકટમાં આગળ આવીને રક્ષા કરે છે. સેતુનો અર્થ છે- બધાને જોડવું અને સંગમનો અર્થ છે- વિશ્વ કલ્યાણ.
દીક્ષાંત સમારંભ: 27 સૂત્રનો પાઠ, સીબી પટેલથી લઈને ચંદ્રયાનની વાત
આજે માનસ વિશ્વવિદ્યાલયમાં છેલ્લા દિવસે દીક્ષાંત સમારંભ છે. આજે બધાને માનસ વિશ્વવિદ્યાલયની આ બે ડિગ્રી લઈ જવાની છે- અશ્રુ અને આશ્રય. દક્ષિણા છે જ્ઞાનોપદેશ. અને ભાગવતમાં લખ્યું છે, જ્ઞાન બધા ને વહેંચવાનો છે. આ કહીને બાપુએ 27 સૂત્રનો પાઠ કરાવ્યો.
કથા દરમિયાન બાપુએ સીબી પટેલની વાત યાદ કરી. પોતાની આગવી શૈલીમાં મધર મેરી, મહાત્મા ગાંધીનું સ્મરણ કર્યો તો ઝવેરચંદ મેઘાણીથી લઈ ચંદ્રકાંત બક્ષી, ઉમાશંકર જોષી, આશા પારેખનો ઉલ્લેખ પણ કર્યો. મેરી મિટ્ટી, મેરા દેશ અભિયાનની વાત કરી અને ચંદ્રયાનને ભારતનો ગૌરવ ગણાવતા કહ્યું- બધા જ 23 તારીખની પ્રતીક્ષા કરી રહ્યા છે. ગીરના સિંહ, ગાય વાળો લોગો સ્વીકારાયો, રાજીપો થયો
ડોલરભાઈ પોપટ જ્યારે લોર્ડ બન્યા તો પાવને મને કહ્યું કે જ્યારે લોર્ડ બને તો પોતાનો લોગો રાખવાની સ્વતંત્રતા હોય છે. મેં લોગો બનાવી આપ્યું. એક બાજુ ગીરનો સિંહ અને બીજી બાજુ ગીરની ગાય. વચ્ચે ચિત્રકૂટના હનુમાનજી, નીચે સત્ય, પ્રેમ અને કરૂણા. તેને સ્વીકારવામાં આવ્યો. કેટલો રાજીપો થાય.
અમારા સીબી ભાઈ અને અનેક વડીલ અહીંયા બેઠા છે. હું કેટલી વખત આવું છું અહીંયા બ્રિટેનમાં. બધા મને કહે છે બાપુ તમે આવો પ્રવચન કરો પાર્લામેન્ટમાં. મેં કીધું મારે નથી આવવું પડે છે ને મારો લોગો.
આ રામકથા કાર્યક્રમનું આયોજન લોર્ડ ડોલર પોપટ પરિવારના મનોરથ અને પાવન પોપટના નેતૃત્વમાં બ્રિટનના યુવાનોના સહયોગથી કરવામાં આવ્યો હતો. કથા સમાપન પછી લોર્ડ પોપટ પોથી માથે મુકીને લઈ ગયા.

રામકથા ધર્મો વચ્ચે પારસ્પરિક આદર અને સરાહનાની વૃદ્ધિમાં ચાવીરૂપ ભૂમિકા ભજવશેઃ લોર્ડ પોપટ    

લંડનઃ ‘જિસસ કોલેજ ખાતે હિન્દુ ઈવેન્ટની યજમાની કરવાનો નિર્ણય વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક પશ્ચાદભૂને સ્વીકારવાની સંસ્થાની નિષ્ઠાનું પ્રદર્શન કરે છે. સમાવેશિતા અને સ્વીકૃતિનું શક્તિશાળી પ્રતીક છે જે વિવિધ ધર્મો વચ્ચે ખુલ્લી ચર્ચાને પ્રોત્સાહિત કરવાની કોલેજની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જ્યાં વિદ્વતાની સર્વોચ્ચ પીઠનું આધ્યાત્મિક વિચારધારા સાથે મિલન થાય છે. આ વિશ્વમાં જ્યાં ધાર્મિક અને સાંસ્કૃતિક વૈવિધ્યતા સર્વોપરી છે ત્યારે જિસસ કોલેજ ખાતે રામ કથા જેવા ઈવેન્ટ ધર્મો વચ્ચે પારસ્પરિક આદર અને સરાહનાની વૃદ્ધમાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે.’
રામ કથાના સમાપનના દિવસે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે વિશેષ વાતચીતમાં ઉપરોક્ત મંતવ્યો લોર્ડ ડોલર પોપટે જણાવ્યા હતા. લોર્ડ ડોલર પોપટ અને તેમનો પરિવાર યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજની જિસસ કોલેજ ખાતે આયોજિત 9 દિવસની રામ કથાના મનોરથી (યજમાન) હતા. તેમણે ઉમેર્યું હતું કે,‘આ ઈવેન્ટ વૈશ્વિક વિદ્વતાપૂર્ણ વાતાવરણના સત્વનું મહત્ત્વ સમજાવે છે જ્યાં વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત લોકો વિભિન્ન પરિપ્રેક્ષ્યો સાથે જોડાય છે. રામ કથા જેવા ઈવેન્ટ યોજવા બાબતે યુકેના આવકારદાયી અભિગમે ધાર્મિક સ્વાતંત્ર્ય પ્રતિ તેના આદરને વિશિષ્ટપણે ઉપસાવ્યો છે. આથી જ હું હંમેશાં કહું છું કે -મને બ્રિટિશ હોવાનો ગર્વ છે અને હિન્દુ હોવાનો ગર્વ છે. આ ખુલ્લાંપણું યુકેના બહુસાંસ્કૃતિક સ્વભાવ અને વિવિધ ધર્મો તેના સમાજમાં જે મૂલ્યો લાવે છે તેના સ્વીકાર અને કદરનું પ્રતિબિંબ પાડે છે.’
લોર્ડ ડોલર પોપટે જણાવ્યું હતું કે,‘આવા કાર્યક્રમો આંતરરાષ્ટ્રીય સંબંધોને મજબૂત બનાવે છે અને અલગ અલગ ધાર્મિક સમુદાયો વચ્ચે સંવાદિતા અને સમજણની ભાવનાને પ્રોત્સાહન આપે છે. બાપુની કથા શાંતિ, સત્ય, પ્રેમ અને કરુણાના સાર્વત્રિક મૂલ્યોની આસપાસ કેન્દ્રિત છે. તેઓ વિવિધ ધાર્મિક ઉપદેશોમાંથી સમાનતા બહાર લાવે છે અને વિવિધ ધર્મો કેવી રીતે નૈતિકતા અને માનવતાના સમાન વિષયોના સહભાગી બની રહે છે તે દર્શાવે છે. પ્રવચનોમાં હાજરી આપવા તમામ ધર્મોના લોકોને આમંત્રિત કરવાનો બાપુનો અભિગમ આંતરધર્મીય સંવાદને વૃદ્ધિ આપવાની તેમની પ્રતિબદ્ધતા વિશે ઘણું કહી જાય છે.’
આ ઈવેન્ટના પ્રભાવ- અસર વિશે જણાવતા લોર્ડ પોપટે કહ્યું હતું કે,‘ આ ઈવેન્ટ નિશ્ચિતપણે વૈવિધ્યપૂર્ણ ઓડિયન્સમાં હિન્દુ સંસ્કૃતિ અને ફીલોસોફી વિશે જાગૃતિ પ્રસરાવશે. તેમાં ભાગ લેનારાઓને ધર્મો વચ્ચે સહભાગી મૂલ્યોને શોધવાની અને અર્થસભર સર્વધર્મી વાર્તાલાપમાં જોડાવાની તક સાંપડશે. આ ઈવેન્ટનો પ્રભાવ તેના સમયગાળાથી પણ આગળ વિસ્તરશે તેમજ આંતરધર્મીય સંવાદ અને સમજને આગળ વધારતા ભાવિ ઈવેન્ટ્સની પ્રેરણા આપશે.


comments powered by Disqus