લક્કી નાળામાં ભારતીય સેના પાણીની બે ચેનલ સાથે જેટી બનાવશે

Wednesday 23rd August 2023 06:43 EDT
 
 

ભુજઃ રાજકીય અને આર્થિક રીતે અસ્થિર થઈ રહેલા પાકિસ્તાનને લઈને ભારત સરકાર ચાંપતી નજર રાખી રહી છે. સરહદ પર પણ સુરક્ષાદળો કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માળખાગત સુવિધા વધારી રહી છે. કચ્છ સરહદ પર બીએસએફ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા સંપૂર્ણ સજ્જ છે, તેવામાં હવે લક્કીનાળામાં ભારતીય સેના પણ જેટી સહિતની સુવિધા ઊભી કરવા જઈ રહી છે. અંદાજે 15 કરોડના આ પ્રોજેક્ટનાં ટેન્ડર જુલાઈ મહિનામાં જ રક્ષા મંત્રાલયે બહાર પાડી દીધાં છે, જે કામ બે તબક્કામાં છ મહિના સુધી પૂર્ણ કરાશે.
પ્રમાણમાં શાંત પણ ખૂબ જ સંવેદનશીલ લેખાતી કચ્છ સરહદ પર સામે પાર પાકિસ્તાને થોડાં વર્ષોથી સુવિધામાં વધારો કર્યો છે. ચીની કંપનીઓની હાજરી પણ સિંધમાં વધી છે. પાકિસ્તાની રેન્જર્સે પણ કચ્છ સરહદ પર સતત સુવિધા વધારી છે. પાકિસ્તાન જેવા દેશ સામે હંમેશાં અનેક રીતે તૈયારી રાખવી પડતી હોય છે. કચ્છ સરહદ પર બીએસએફ તમામ સાધનો અને સુવિધાથી યુક્ત છે, તો બીજીબાજુ કટોકટી સમયે સેના પણ મદદ કરી શકે તેવી તૈયારી શરૂ થઈ છે.
લખપતના લક્કીનાળામાં હાલ ભારતીય સેના વિવિધ સુવિધા ઊભી કરી રહી છે. સેના પણ ક્રીક સરહદને જાણી શકે તેથી અહીં મથક બનાવાયું છે. હવે અહીં બર્થિંગ સુવિધા ઊભી કરાશે. સંરક્ષણ મંત્રાલયની ઇ-પ્રોક્યોરમેન્ટ સિસ્ટમનાં ટેન્ડરર્સ પોર્ટલ પર જુલાઇમાં ટેન્ડર બહાર પાડી દેવાયાં છે. અહીં ભારતીય સેના વિવિધ બોટ અને પેટ્રોલિંગ જહાજની જેટી બનાવશે, જેમાં પાણીની બે ચેનલ હશે, જેના માપ સહિતની ટેકનિકલ વિગતો ટેન્ડરમાં આપી છે. આ કામ છ મહિનામાં તૈયાર થવાની શરત છે, જેમાં પ્રથમ ચેનલ ત્રણ મહિનામાં અને બીજી ચેનલ બીજા ત્રણ મહિનામાં તૈયાર કરવાની રહશે. જેટી પર હાઇબ્રીડ સ્ટોન પિચ્ડ વોલ વડે બાંધકામ કરાશે. બંને પાણીની ચેનલમાં 1.5 મીટર પાણીનું સ્તર જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રખાશે. આ કામની ડિઝાઇન સહિતનું કામ સુરતની એક કંપનીએ તૈયાર કર્યું છે. તેના રિપોર્ટના આધારે બાંધકામ કરવાનું રહેશે. આ કામ થયા બાદ ક્રીકમાં સેનાની સ્થિતિ મજબૂત થશે. કટોકટી વખતે ભારતીય સેના પણ ઝડપથી કામગીરી કરી શકશે.


comments powered by Disqus