વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા ‘પાણી બચાવો’ વિષય પર અનોખી નિબંધ સ્પર્ધા

Wednesday 23rd August 2023 06:31 EDT
 
 

અમદાવાદઃ શું તમે જળ વિનાની સૃષ્ટિની કલ્પના કરી છે? તે શક્ય પણ નથી. પ્રાણીમાત્રને તૃષા છીપાવવાથી લઈને વનસ્પતિ અને અન્ન મેળવવા થતી ખેતીને પણ જળ જરૂરી છે, પાણીની આ જરૂરિયાતને ધ્યાને રાખી વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા ‘પાણી બચાવો’ વિષય પર વિશ્વસ્તરીય અનોખી નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું છે, જેનો હેતુ લોકોને પાણીની મહત્તા સમજાવવાનો છે.
વિશ્વ ગુજરાતી સમાજના આ આયોજનમાં વિશ્વભરના લોકોને આમંત્રણ અપાયું છે. પ્રથમ વિજેતાને રૂ. 50 હજાર, દ્વિતીયને રૂ. 25 હજાર, તૃતીયને રૂ. 15 હજાર, ચોથા વિજેતાને રૂ. 10 હજારનું ઇનામ અપાશે. આ સિવાય રૂ. 1 હજારનાં આશ્વાસન ઇનામ પણ અપાશે.
સ્પર્ધકોએ એ-4 સાઇઝનાં કાગળની એક તરફ લખેલાં 8 પાનાંથી વધુ ન લખવું, અથવા કોમ્પ્યુટર પર ટાઇપ કરેલાં 4 પેજથી વધુ ન હોવું જોઈએ. આ સાથે અલગ કાગળ પર નામ-સરનામું, ફોન નંબર, ઇ-મેઇલ એડ્રેસ, જન્મ તારીખ અને ફોટો મોકલવાનો રહેશે. સ્પર્ધકોની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જરૂરી છે અને માત્ર એક જ નિબંધ મોકલવો. નિર્ણાયકનો નિર્ણય તમામને બંધનકારક રહેશે.
સ્પર્ધકોએ નિબંધ હેમરાજ શાહ,વિશ્વ ગુજરાતી સમાજ, 102 પ્રથમ માળ, મણિપ્રભુ નવરંગ સ્કૂલ છ રસ્તા પાસે, નવરંગપુરા, અમદાવાદ, 380014 પર મોકલી આપવા.
આ ઉપરાંત Tele-Fax: +91-79-26468342, 26440028 અને ઇ-મેઇલ infovgsa@ gmail.com પર મોકલી શકે છે.


comments powered by Disqus