સુરતઃ જૈનસમાજમાં દીક્ષા લેવાનું અનેરું મહત્ત્વ છે. કરોડોની સંપત્તિ ત્યજીને સંયમના માર્ગે નીકળી પડેલાં અનેક લોકોનાં ઉદાહરણ છે. જૈનસમાજમાં એવાં પણ ઉદાહરણો જોવા મળ્યાં છે, જેમાં કરોડોની સંપત્તિ ધરાવતા આખેઆખા પરિવારો દીક્ષા લે છે અને સંયમના માર્ગે નીકળી પડે છે. ત્યારે સુરતના એક દંપતીએ સાંસારિક મોહને ત્યજીને દીક્ષા લેવાનો ર્નિણય કર્યો છે, જે અંતર્ગત સુરતના હીરાવેપારી અને તેમની પત્ની દીક્ષા લેશે.
સુરતના હીરા ઉદ્યોગપતિ દીપેશ શાહ અને તેમનાં પત્નીએ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત દીક્ષા મુહૂર્ત ગ્રહણ કરવા ઘરઆંગણેથી વાજતે-ગાજતે જેગુઆર કારમાં શોભાયાત્રા થકી ઉમરા જૈન સંઘ મહારાજ સાહેબને મળવા પહોંચ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, શાહ દંપતીને ત્રણ બાળકો છે, જેમાંથી એક પુત્ર અને એક પુત્રી દીક્ષા લઈ ચૂક્યાં છે.
પુત્ર ફેરારી બોય નામે જાણીતો થયેલો
10 વર્ષ પહેલાં તેમની પુત્રી પ્રિયાંશીએ 12 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી અને સંયમ જીવનમાં સાધ્વી પરાથરેખાશ્રીજી નામ સ્વીકાર્યું હતું. પાંચ વર્ષ પહેલાં ફેરારી બોય નામે જાણીતા થયેલા પુત્ર ભવ્ય શાહને પણ દીક્ષા અપાવી હતી. એ સમયે ભવ્ય ફેરારી કારમાં દીક્ષા મુહૂર્ત લેવા ગયો હતો, તેણે સંયમ જીવનમાં મુનિ ભાગ્યરત્નવિજય નામ ગ્રહણ કર્યું હતું.
કરોડો રૂપિયાની પ્રોપર્ટી છોડી દીક્ષા લેશે
દીપેશ શાહ અને તેમનાં પત્ની કરોડો રૂપિયાની પ્રોપર્ટી છોડીને હવે દીક્ષા લેશે. વેપારી દીપેશ શાહનો પરિવાર હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો છે. આજદિન સુધી તેઓ વૈભવી જીવન જીવતાં આવ્યાં છે, પરંતુ હવે તેઓ પોતાની પત્ની સાથે સંયમના માર્ગે ચાલવા દીક્ષાગ્રહણ કરશે. તેઓ દીક્ષા લેશે અને તેમના મોટા પુત્ર તેમનો વેપાર સંભાળશે.


