આજકાલ એક શબ્દ વિશ્વમાં ચારેતરફ ગુંજી રહ્યો છે અને તે છે સ્ટાર્ટ અપ. દેશી ભાષામાં કહીએ તો આ સ્ટાર્ટ અપ નાના પાયે નવા વિચાર અને અભિગમ સાથે શરૂ કરેલો ઉદ્યોગ કે ધંધો જ છે. સ્ટાર્ટ અપના આ અભિગમને આધુનિક ભાષામાં નવા સંશોધનનું ગર્ભાશય પણ કહેવામાં આવે છે. અગાઉ સ્નાતક કે અનુસ્નાતક સ્તરનો અભ્યાસ પૂરો કરીને વિદ્યાર્થી મોટી કંપનીઓમાં નોકરી લેવાનું પસંદ કરતાં. હવે તેમનો દ્રષ્ટિકોણ બદલાયો છે. તેમના સ્વપ્ન ક્ષિતિજોને પાર કરી રહ્યાં છે. તેઓ જાતે પોતાના બળ પર બિઝનેસ શરૂ કરવાની દિશામાં આગળ વધી રહ્યાં છે અને આને નામ અપાયું છે સ્ટાર્ટ અપ. વિશ્વમાં અસ્તિત્વ ટકાવી રાખવાની લડાઇ યુગોથી ચાલતી આવી છે. અસ્તિત્વની આ લડાઇએ માનવીને સંશોધનો કરવા પ્રેર્યો. સંશોધન કરવામાં સફળ રહેલા માનવીએ તે સંશોધનને ઉત્પાદનનું સ્વરૂપ આપ્યું અને તેના આધારે પોતે સમૃદ્ધ થવા લાગ્યો. અન્યને સમુદ્ધ થતાં જોઇ બીજાઓએ પણ આ સ્પર્ધામાં ઝૂકાવ્યું અને માનવજાત પ્રગતિ કરતાં 21મી સદીના અત્યાધુનિક યુગમાં આવી પહોંચી. આજે વિશ્વમાં ઘણી મોટી કંપનીઓ છે જેમની શરૂઆત ખૂબ નાના પાયે થઇ હતી. આજની જાયન્ટ મલ્ટીનેશનલ ગૂગલની શરૂઆત પણ એક નાનકડા ઓરડામાંથી થઇ હતી, ભારતમાં ટાટા, બિરલા, નિરમા, અંબાણી જેવા મોટા કોર્પોરેટ ગૃહોનો પ્રારંભ પણ નાના પાયે જ થયો હતો. પરંતુ તે સમયે સ્ટાર્ટ અપ શબ્દ એટલો પ્રચલિત નહોતો. જમશેદજી ટાટા, ધીરૂભાઇ અંબાણી, બિલ ગેટ્સ સહિતના ઉદ્યોગ માંધાતાઓએ નજીવી મૂડી અને વર્કફોર્સની સહાયથી જ ઉદ્યોગોની સ્થાપના કરીને આજના મહાકાય કદ સુધી પહોંચાડ્યાં છે. કહે છે ને કે સમય બદલાતાંની સાથે જૂની ફેશન નવા નામ સાથે બજારમાં આવે છે. આ સ્ટાર્ટ અપ પણ કંઇક એવી જ બલા છે. હા, અગાઉના સમયની સરખામણીમાં હવે સરકારો આ પ્રકારના નાના પાયે શરૂ થતા વેપાર-ધંધામાં વધુ રસ લઇ રહી છે અને તેમને સ્ટાર્ટ અપનું રૂપકડું નામ આપી દેવાયું છે. આમાં કશું ખોટું પણ નથી. અગાઉ ઉદ્યોગ સાહસિકો પોતાના બળે ઇન્ડસ્ટ્રી ઊભી કરતાં હતાં જ્યારે હવે સરકાર અને અન્ય નાણા સંસ્થાઓ ઇનોવેટિવ આઇડિયાઝને નીતિવિષયક અને આર્થિક પીઠબળ પૂરાં પાડી રહ્યાં છે. સ્ટાર્ટ અપનો અર્થ જ થાય છે નવી શરૂઆત. 22મી સદીમાં કદાચને સ્ટાર્ટ અપને કોઇ નવું નામ આપવામાં આવશે.


