નિશ્ચલ સંઘવી
ગુજરાતસ્થિત એક મહિલા હિનલ રામાનુજને પૂર્ણ ‘હનુમાન ચાલીસા’ સાથે રાખડી બનાવવાનો નવતર વિચાર આવ્યો છે, અને તેમણે આ વિચાર પર અમલ પણ કર્યો. આપને જણાવી દઈએ કે હનુમાન ચાલીસા 40 શ્લોકોથી બનેલા હિન્દુ ભગવાન હનુમાનની સ્તુતિમાં એક હિન્દુ ભક્તિ સ્તોત્ર છે. હનુમાન ચાલીસાનું પઠન અથવા જાપ ઘણા હિન્દુઓ માટે અવારનવાર થતી પ્રવૃત્તિ છે.
કલા અને હસ્તકલા પ્રત્યે અનોખો જુસ્સો ધરાવતાં હિનલબહેન કહે છે કે, ‘હું લાંબા સમયથી તુલસીદાસ રચિત હનુમાન ચાલીસાને રાખડીમાં મૂકવાનું વિચારી રહી હતી, કારણ કે હિન્દુઓ હનુમાનને તારણહાર માને છે. પૌરાણિક કથાઓ મુજબ રક્ષાબંધન એક એવો તહેવાર છે, જ્યાં બહેન તેની સુરક્ષા અને રક્ષણ માટે પ્રાર્થના કરતાં ભાઈને રાખડી બાંધે છે, ત્યારે વિઘ્નહર્તાની આ સ્તુતિ સાથે મેં રાખડી બનાવી છે.’
હિનલબહેન રામાનુજ જણાવે છે કે, ‘મારા માટે હનુમાન ચાલીસાનું કદ નાનું કરવું મોટો પડકાર હતો. કારણ કે લોકો મોટા કદની રાખડી પહેરશે નહીં. આ સિવાય ભગવાન રામના આ પ્રખર ભક્તની પ્રાર્થના ‘હનુમાન ચાલીસા’ સરળતાથી વાંચી શકાય તેવું પણ બનાવવું હતું. એકવાર વિચાર આવ્યો અને પ્રોટોટાઇપ બનાવવામાં 3 મહિના લાગ્યા. આ રાખડી બનાવવાના ઉદ્દેશ્યો પૈકી એક એ પણ છે કે રાખડી એ કીમતી વસ્તુ હોવા છતાં લોકોએ આખરે તેને ફેંકી દેવી પડશે. મારા આ પ્રયાસથી રાખડીને પછીથી મંદિરમાં અથવા યોગ્ય ખૂણામાં સ્થાન મળશે, જ્યાંથી તે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં મદદ કરી શકે. રાખડીની કિંમત ખૂબ જ વ્યાજબી છે, કારણ કે તેનો મુખ્ય હેતુ વધુ કમાવાનો નથી. આ ડિજિટલ વિશ્વમાં વધુ લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરે તેવો મારો હેતુ છે.’
આ અનોખી રાખડીને સોફ્ટ કાર્ડબોર્ડ અને લેમિનેશનનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે, જે આંગળીના ટેરવા પર આવી જાય તેટલી નાની બનાવવામાં આવી છે.
કોલેજ સ્ટુડન્ટ મીતા કોઠારી જણાવે છે કે, ‘હું કોઈ નવી જાતની અને કંઈક અલગ રાખડી શોધી રહી હતી, જે મારા ભાઈઓને બાંધવા માટે પરંપરાગત રાખડી કરતાં અલગ હોય. બજારમાં ઉપલબ્ધ બિનપરંપરાગત રાખડીઓમાંથી કેટલીક બાલીશ હોય છે, અથવા ખૂબ મોંઘી હોય છે. મને જ્યારે આ રાખડી વિશે ખબર પડી તો મેં તરત જ મારા ભાઈઓ માટે તેને ખરીદી લીધી. મને ખાતરી છે કે તેઓ આ રાખડીને લાંબા સમય સુધી યાદ રાખશે.
હિનલના જુસ્સાને તેના પતિ જિજ્ઞેશ પૂરી રીતે ટેકો આપે છે. હિનલનો જુસ્સો નફાના ઉદ્દેશ્ય વિના, બિનપરંપરાગત અને સૌંદર્યલક્ષી મૂલ્ય ધરાવતી દૈનિક ઉપયોગ માટેની વસ્તુઓ બનાવવાનો છે. આ રાખડી બનાવવામાં કુલ 6 લોકોની ટીમ સામેલ છે. હનુમાન ચાલીસાની રાખડીને ગુજરાતની બહેનો અને વિદેશમાં રહેતા ગુજરાતીઓ તરફથી ભારે આકર્ષણ મળી રહ્યું છે, જેઓ તેમના પ્રિય ભાઈઓના કાંડા પર આ દિવ્ય કલાના ટુકડાને બાંધવા આતુર છે.
હિનલની ટીમ પહેલેથી જ બહારનાં શહેરોમાં પાર્સલ પહોંચાડવામાં વ્યસ્ત છે. આ રક્ષાબંધન પર્વ પહેલાં હનુમાન ચાલીસાની ઓછામાં ઓછી બે હજારથી વધુ રાખડી વેચાય તેવી ધારણા છે, કારણ કે તેની ખૂબ માગ છે. નફાના ઉદ્દેશ્ય વિના રાખડી બનાવનારાં હિનલ રામાનુજ જણાવે છે કે, મને સંતોષ છે કે આ વર્ષે રક્ષાબંધન બાદ હજારો લોકો તેમની રાખડી ફેંકશે નહીં, કારણ કે પર્વ બાદ પણ તેનો એક અર્થપૂર્ણ હેતુ છે.


