‘કટકી’ અટકી તો એડિ. કલેક્ટર કેતકી વ્યાસે આણંદના કલેક્ટર ગઢવીને હનીટ્રેપમાં ફસાવ્યા

Wednesday 23rd August 2023 06:51 EDT
 
 

આણંદઃ કલેક્ટર ડી.એસ. ગઢવીની વાંધાજનક વીડિયો ક્લિપ ફરતી થવાના મામલે ગુજરાત એટીએસ દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં આ વીડિયો ક્લિપ તૈયાર કરવા પાછળ આણંદના એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ માસ્ટર માઇન્ડ હતાં. જમીનને લગતી ફાઇલ ક્લીયર કરીને સેટિંગનાં મળતાં નાણાં મેળવવા માટે કેતકી વ્યાસે આણંદના ચીટનીશ જે.ડી. પટેલ અને હરેશ ચાવડા નામની ખાનગી વ્યક્તિ સાથે મળીને ડી.એસ. ગઢવીની ચેમ્બરમાં સ્પાય કેમેરા ગોઠવીને યુવતીને મોકલીને ગઢવીને ટાર્ગેટ કર્યા હતા. જે વીડિયો ક્લિપના આધારે ડી.એસ. ગઢવીને બ્લેકમેઇલ કરવામાં આવતા હતા.
જો કે કલેક્ટર ગઢવીએ દાદ ન આપતાં વીડિયો ક્લિપને જાહેર કરી દેવામાં આવી હતી. આ સમગ્ર મામલે ગુજરાત એટીએસ દ્વારા ફરિયાદ દાખલ કરીને કેતકી વ્યાસ, જે.ડી. પટેલ અને ખાનગી વ્યક્તિ હરેશ ચાવડાની ધરપકડ કરી હતી.
થોડા દિવસ પહેલાં આણંદના કલેક્ટર ડી.એસ. ગઢવીનો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં તે તેમની ઓફિસમાં એક યુવતી સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળ્યા હતા. આ વીડિયો વાઇરલ થવાની સાથે જ રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી ડી.એસ. ગઢવીને સસ્પેન્ડ કર્યા હતા અને સમગ્ર મામલે એક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીમાં અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, અગ્રસચિવ મમતા વર્મા, ગ્રામવિકાસ કમિશનર મનીષા ચંદ્રા અને સંયુક્ત સચિવ ભક્તિ શામળ તથા દેવી પંડ્યાનો સમાવેશ થતો હતો. જે કમિટીએ ડી.એસ. ગઢવીની પૂછપરછ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે તેમની પાસેથી છેલ્લા કેટલાક મહિનાથી વીડિયો ક્લિપ મામલે ખંડણી માગવામાં આવી રહી હતી. તેમણે આ ખંડણી મામલે એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ અને ચીટનીશ જે.ડી. પટેલ સાથે અન્ય વ્યક્તિની સંડોવણીની વાત જાહેર કરી હતી.
આ બાબતે તાત્કાલિક ગૃહવિભાગની મદદથી ડીજીપી વિકાસ સહાયને વાકેફ કરાયા હતા. ઘટનાની ગંભીરતાને આધારે ડીજીપીએ એટીએસના ડીઆઇજી દીપેન ભદ્રનને સમગ્ર બાબતે તપાસ કરવા સૂચના આપી હતી. જે બાદ એટીએસની એક ટીમ દ્વારા ડી.એસ. ગઢવી, એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ અને ચીટનીશ જે.ડી. પટેલની પૂછપરછ કરાઈ હતી. જેમાં પહેલાં કેતકી વ્યાસે તપાસમાં સહયોગ આપ્યો નહોતો પણ જે.ડી. પટેલની પૂછપરછ અને ટેકનિકલ પુરાવાને આધારે એટીએસને લીડ મળી હતી. જેમાં સમગ્ર ક્લિપકાંડનાં માસ્ટર માઇન્ડ તરીકે કેતકી વ્યાસનું નામ બહાર આવ્યું હતું. બાદમાં વધુ પૂછપરછ કરતાં વકીલ હરેશ ચાવડાનું નામ બહાર આવ્યું હતું. કેતકી વ્યાસે કબૂલાત કરી હતી કે કલેક્ટર ડી.એસ. ગઢવી જમીનને લગતી ફાઇલ ક્લીયર કરતા ન હોવાથી આર્થિક નુકસાન જતું હતું, જેથી તેણે સમગ્ર કાવતરું ઘડ્યું હતું. જેમાં ચીટનીસ જે.ડી. પટેલ અને હરીશ ચાવડા નામના એડવોકેટને સાથે રાખીને કલેક્ટરની ઓફિસમાં સ્પાય કેમેરા ગોઠવ્યા હતા. જેની ક્લિપના આધારે ડી.એસ. ગઢવીને બ્લેકમેઇલ કરવામાં આવતા હતા. જો કે ડી.એસ. ગઢવીએ દાદ ન આપતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાયા હતા. કેતકી વ્યાસની સંડોવણી સામે આવ્યા બાદ અન્ય સંભવિત કારણોની પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.


comments powered by Disqus