‘ગુજરાતનાં ક્રાંતિતીર્થો’ - સામાન્ય માણસોની અસામાન્ય ક્રાંતિની કહાણી

Wednesday 23rd August 2023 06:59 EDT
 
 

- બાદલ લખલાણી
ગુજરાતના જાણીતા પત્રકાર, લેખક, કવિ અને કોલમિસ્ટ એવા પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાના પુસ્તક ‘ગુજરાતનાં ક્રાંતિતીર્થો’ પર ગુજરાત સમાચારના એડિટર ઇન ચીફ સી.બી. પટેલ દ્વારા ખાસ ઝૂમ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
સી.બી. પટેલે કાર્યક્રમની શરૂઆતમાં જણાવ્યું કે, ગાંધીજીએ ‘ભારત છોડો’ ચળવળ ઉપાડી હતી, ત્યારે 15 ઓગસ્ટે ભારતને આઝાદી પ્રાપ્ત થઈ હતી. આજે ભારતને આઝાદ થયે 75 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યાં છે, ત્યારે ભારતનું અદભુત પરિવર્તન થઈ રહ્યું છે. 12 ઓગસ્ટે કેમ્બ્રિજની જીસસ કોલેજમાં મોરારિબાપુની એક નવા પ્રકારની કથા શરૂ થઈ છે.
સી.બી. પટેલે વધુમાં કહ્યું, વિષ્ણુભાઈ પંડ્યાના પુસ્તક ‘ગુજરાતનાં ક્રાંતિતીર્થો’ના અમદાવાદમાં લોકાર્પણ સમયે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને મોરારિબાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તે સમયે આ બંને મહાનુભાવો દ્વારા વાજતે-ગાજતે તમારી ખૂબ ચર્ચા કરી હતી. ગુજરાત યુગોયુગોથી ભારતનું અવિભાજ્ય અંગ છે. આઝાદીના જંગમાં ગાંધીજી પહેલાં પણ ગુજરાતભરની અનેક વિભૂતિઓએ શહાદત વહોરી હતી અને મહેનત કરી હતી. નાત-જાત અને ધર્મના ભેદભાવ વગર આદિવાસીઓએ પણ બ્રિટિશ સત્તા સામે જંગ છેડ્યો હતો, જેની અનેક સુંદર વાતો છે. વિષ્ણુભાઈ પંડ્યા અને તેમનાં પત્ની આરતીબહેન પંડ્યાએ દંપતી તરીકે ગુજરાતના ક્રાંતિકારીઓ અંગે સંશોધન કરતાં સાહિત્ય સંપાદનનું જે કામ કર્યું તે વંદનીય છે.
ગુજરાત સમાચારની ખાસ ઝૂમ ઇવેન્ટ ‘ગુજરાતનાં ક્રાંતિતીર્થો’નાં મુખ્ય સંચાલક જ્યોત્સનાબહેન શાહ દ્વારા હાજર સૌકોઈનો આભાર માનવામાં આવ્યો હતો. જ્યોત્સનાબહેન શાહે જણાવ્યું કે, વિરાટ વ્યક્તિત્વ ધરાવતા 40 વર્ષથી પત્રકારકત્વ ક્ષેત્રે મોટો ફાળો આપનારા પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા ગુજરાત સમાચારમાં કોલમ તો લખે જ છે, સાથેસાથે જાણીતા બાયોગ્રાફર, કવિ, નોવેલિસ્ટ અને પોલિટિકલ એનાલિસ્ટ છે. વિષ્ણુભાઈ અને તેમનાં પત્ની સ્વ. આરતીબહેન પંડ્યાએ ‘ગુજરાતનાં ક્રાંતિતીર્થો’ પર પુસ્તક રચી કંઈ કેટલાય વીરો અને સ્થળોની ગરિમાસભર ગાથા લખી શહીદોની શહાદતને શબ્દ સ્વરૂપે આલેખી છે. ગુજરાત સાહિત્ય અકાદમીનું ચેરમેનપદ પણ તેમણે શોભાવ્યું છે. તાજેતરમાં જ તેમણે તેમની કલમમાં ભક્તિ-શક્તિનો મહિમા, શ્રાવણ મહિનો અને ક્રાંતિવીરોના ઓગસ્ટ મહિનાના લેખોનું રસપાન કરાવ્યું. વિષ્ણુભાઈ તેમના લેખમાં લખે છે, ‘કદી સ્વાધીનતા આવે વિનંતી ભાઈ, છાની... અમોને ય સ્મરી લેજો જરી એક પણ એક નાની.’ વીરભૌમ અને ક્રાંતિના અનેક વીરોની ઐતિહાસિક પળોની યાદ વિષ્ણુભાઈ આપણને કરાવશે.
વિષ્ણુભાઈ પંડ્યા - બાયોગ્રાફર, કવિ, નોવેલિસ્ટ
વિષ્ણુભાઈ પંડ્યાએ પોતાના અનુભવો અને તેમના પુસ્તકના પ્રસંગોને વર્ણવતાં કહે છે, સી.બી. પટેલ અનેક રીતે જાણીતા છે, પરંતુ કોઈને ધક્કો મારવા માટે પણ જાણીતા છે. ‘ગુજરાતનાં ક્રાંતિતીર્થો’ પુસ્તક પ્રકાશિત થતાં જ તેમનો ફોન આવ્યો હતો કે, ‘આપણે કોઈ કાર્યક્રમ કરીએ.’ જો કે હું કાર્યક્રમ અંગે આશંકિત હતો, કે કાર્યક્રમ થાય તો કઈ રીતે થાય? કારણ કે હું સંગઠનનો માણસ નથી. જો કે તેમણે જ બધું ગોઠવ્યું અને અમદાવાદમાં મોરારિબાપુ અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા અને તેમણે વક્તવ્ય પણ આપ્યું. આ સાથે સી.બી. પટેલે પણ પ્રવચન આપ્યું અને એક શાનદાર કાર્યક્રમ એટલા માટે થયો, કારણ કે આવાં પુસ્તકોનું લોકાર્પણ ગુજરાતમાં ભાગ્યે જ થાય છે.
મારે આજે વાત કરવી છે ‘ગુજરાતનાં ક્રાંતિતીર્થો’ની. 101 ક્રાંતિતીર્થો ગુજરાતમાં છે, જે દરેકની પોતપોતાની કથા છે, દસ્તાવેજો છે, પોતાની કહાણી છે - આત્મબલિદાનની એક પરંપરા છે. એ કહેતાં કહેતાં મહિનાઓ વીતી જાય તેટલી ઘટનાઓ છે. આ 101 ક્રાંતિતીર્થો પૂરાં કર્યાં બાદ પણ અમને અસંતોષ રહી ગયો કે હજુ કેટલાં બધાં સ્થાનો ગુજરાતમાં ઉપલબ્ધ છે - કે જ્યાં કોઈને કોઈ રીતે ક્રાંતિની ચિનગારી ઉદ્ભવી હતી, કોઈને કોઈ રીતે દેશભક્તિની દાઝ ઊમટી આવી હતી. કોઈ ફાંસીએ ચડ્યું, કોઈ આંદામાન ગયું હતું, કોઈએ સત્યાગ્રહ કર્યા હતા, કોઈ જેલ ગયા હતા, કોઈ ગોળીથી વીંધાયું હતું.
પોરબંદરમાં ગાંધીજીની પણ પહેલાં એક યુવક છગન ખેરાજ વર્મા સાન ફ્રાન્સિસ્કો ગયો અને ત્યાં ‘ગદર’ ગુજરાતી અખબાર બહાર પાડ્યું. એમાં એમણે લખ્યું હતું કે, કોઈપણ સમાજનું પરિવર્તન માતૃભાષાથી જ થાય છે. આ માણસ ભારતીય સેનામાં 1857 જેવો બીજો વિપ્લવ કરાવવા સિંગાપોર ગયો અને ત્યાં તે ફાંસીના માંચડે ચડ્યો. ગુજરાતનો એક ક્રાંતિકારી પત્રકાર – પહેલો અને છેલ્લો પત્રકાર – જે ફાંસીના માંચડે ચડ્યો છે.
આઝાદીની એક વાત વડનગરની છે, જે નરેન્દ્ર મોદીના કારણે વધારે ખ્યાત છે. ત્યાં પહેલાં ભગવતી ચરણ વોરાનો પરિવાર રહેતો હતો, એના પિતામહ અને એમના પ્રપૌત્ર એટલે ભગવતી ચરણ વોરા સરદાર ભગતસિંહના સાથીદાર હતા અને થિન્ક ટેન્ક હતા. ભગતસિંહને લાહોરની જેલમાંથી છોડાવવા એમણે પ્રયત્ન કર્યો. જેમાં હાથમાં જ બોમ્બ ફાટી જતાં રાવી નદીના કિનારે એમનું બલિદાન દેવાયું. એમનાં પત્ની દુર્ગાભાભી છેક સુધી ક્રાંતિ પ્રવૃત્તિમાં રહ્યાં. સ્વતંત્રતા બાદ પણ થોડો સમય રહ્યાં હતાં. આનો અર્થ એ થયો કે ગુજરાતમાં ફાંસી, ગોળી અને આંદામાન ત્રણેય ખ્યાત છે.
1857માં જ્યારે દાહોદ અને સંતરામપુરમાં કેટલાક લોકોએ બળવો કર્યો, સૈન્યમાં પણ બળવો થયો. ત્યારે મુંબઈના પોલિટિકલ એજન્ટને પૂછવામાં આવ્યું કે, ‘આમને કઈ પ્રકારની સજા કરવામાં આવે, કોર્ટમાં કેસ કઈ રીતે ચલાવવામાં આવે તે અંગે અમને માર્ગદર્શન આપો.’ પોલિટિકલ એજન્ટે મુંબઈથી માત્ર એક લીટીનો પત્ર લખ્યો કે, ‘આમાંથી કોઈના માટે પણ આરોપ લગાવી કેસ ચલાવવાની કે જેલમાં મોકલવાની જરૂર નથી, જ્યાં ઊભા છે ત્યાં જ કતારબદ્ધ કરી ગોળીએ ઉડાવી દો.’ અને એવું થયું. આજે પણ સંતરામપુરના સરકિટ હાઉસના મેદાનમાં કેટલાક પાળિયા છે. જે અંગે કોઈને ખબર હશે, તો કોઈને નહીં હોય પણ એ બધા 1857ના સ્વાતંત્ર્યવીરો છે.
1857 અંગે તો આપણે એવું કહીએ છીએ કે રાજા-મહારાજા, સામંતો, માલિકો અને સૈનિકોનો બળવો હતો, પરંતુ એટલું નહોતું. સામાન્ય માણસો પણ તેમાં લડ્યા હતા - પટેલો, બ્રાહ્મણો, ભીલો, ક્ષત્રિયો હતા. સંધીઓ, પઠાણો અને ઓખાના વાઘેરો પણ હતા. આ તમામ પાસે સત્તા નહોતી, સામાન્ય માણસો હતા - પણ તેઓ લડ્યા. એક આંકડા મુજબ 1857માં ગુજરાતમાં 10 હજાર લોકોએ આહુતિ આપી છે. સામાન્ય માણસોની આ અસામાન્ય ક્રાંતિ હતી.
તે સમયે યજ્ઞોપવીત અને ગાયત્રી મંત્ર કરતો દયાશંકર નામનો બ્રાહ્મણ મામલતદાર હતો, તેને થયું કે ‘કઈ રીતે આ બધું તંત્ર ચાલે?’ તાત્યા ટોપેને બોલાવ્યો. જો કે તાત્યા ટોપે આવે તે પહેલાં તે પકડાયો અને રાજપીપળાના ચોકમાં ફાંસીના માંચડે ચડાવી દેવાયો.
1857ની અન્ય એક વાત કરું તો અમદાવાદથી વડોદરાના રસ્તા પર મહિસાગર નદી આવે છે, જેના કિનારે કિનારે અંદર જતાં અંતરિયાળ સ્થાને વડલાનું એક ઠૂઠું ઊભું હતું, જે હવે રહ્યું નથી. એને ફાંસિયો વડ કહેવામાં આવે છે. દરવર્ષે ત્યાં એક ફાંસિયા વડનો મેળો પણ થાય છે. લોકો શા માટે મેળો ભરાય છે તે અંગે અવગત નથી પણ ઇતિહાસના અંધારામાં સફર કરીએ તો દસ્તાવેજો અને ગેઝેટ્સના આધારે ખ્યાલ આવે કે ત્યાં એક એવો વડ હતો. તાત્યા ટોપે પંચમહાલ થઈને વડોદરા સુધી પહોંચવાનો હતો અને વડોદરાના ગાયકવાડને નેતૃત્વ લેવાની વિનંતી કરવાનો હતો, જો કે તે થઈ ન શક્યું. જો કે ગામડાના લોકોએ તાત્યા ટોપેને મદદ કરી, એવા 250 ગ્રામજનોને ફાંસિયા વડની ડાળીએ લટકાવીને બ્રિટિશર્સે મારી નાખ્યા હતા. અમદાવાદના કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં પણ કતારબદ્ધ અનેક સૈનિકોને ગોળીએ વીંધી નાખવામાં આવ્યા હતા. પહેલાં તેમને ઘોઘા લઈ જવાયા, જ્યાં ભયંકર વરસાદ પડતાં તેમને પરત લાવવામાં આવ્યા, અને અહીં તેમને ઠાર મારવામાં આવ્યા.
એક કિસ્સો વાત યાદ આવે છે. આજે આપણે સ્ત્રીસશક્તિકરણની વાતો કરીએ છીએ, પરંતુ આપણી નારીઓ પહેલાથી જ બહાદુર છે. દ્વારકામાં 1857 બાદ જનરલ ડોનાવન નામનો અંગ્રેજ નેવી લઈને સમુદ્રકિનારે આવ્યો અને જહાજમાંથી તોપના ગોળા દ્વારકાધીશના મંદિર તરફ છોડ્યા. એ સમયે વાઘેરો પાસે તો બંધૂકડીઓ હતી, જેનાથી કઈ રીતે તોપના ગોળાનો સામનો થઈ શકે! આ સમયે એક યુક્તિ અજમાવવામાં આવી. દ્વારકાની વાઘેર માણેક સ્ત્રીઓ એકત્ર થઈ અને પોતાના ગાભા, ગાદલાં, ગોદડાં વગેરેને સાથે લીધાં. જેને પાણીમાં ભીના કરી દ્વારકાધીશ મંદિરની દીવાલો પર ઊભી રહી અને તોપના ગોળા આવ્યા તેને ઝીલ્યા. આજે એ અજાણ મહિલાઓનાં નામ આપણી પાસે નથી. આ પરાક્રમમાં કઈ વાઘેરાણીઓ હશે, કેટલી મહિલાઓ મરી હશે, તે કોણ હશે એ પ્રશ્નાર્થો મૂકી આપણે ત્યાં ગયા છીએ.
આ ઘટનાઓ જોઈએ ત્યારે એમ લાગે કે કેવી-કેવી વીરલતા સાથે આ લોકો લડ્યા હશે. સામાન્ય રીતે દંતકથાઓ અને કથાઓ હોય છે કે વાઘેરો, માણેકો બહારવટિયા હતા. અંગ્રેજોએ સૌપ્રથમ બનાવટી કથા આ જ ઊભી કરી છે, જેમાં કેટલાંક રજવાડાં પણ તેમની સાથે ભળ્યાં હતાં એ વાત સાચી છે. જો કે એ લોકો માત્ર બહારવટિયા નહોતા, સ્વતંત્રતાપ્રેમી ચાહકો હતા. 1857માં નાનાસાહેબ પેશ્વાના ભાઈ રાવસાહેબ દ્વારકા ગયા હતા અને ત્યાં સમજૂતી કરીને 1820થી 1865 સુધી લડનારા વાઘેરોનો સાથ લીધો હતો. એ સાથ લેવામાં તેમની સાથે જે બે પીઢ નાયકો ઊભા થયા - એક જોધો માણેક અને ભોલો માણેક.
જોધા માણેક એક ફિલોસોફર યોદ્ધો હતો. ‘જોધા પ્રિત લગાયો’ એવું એમનું એક લોકગીત હતું. ગીરના જંગલમાં લડતાં લડતાં એ મર્યો. મૂળુ માણેકને પકડવામાં આવ્યો, વડોદરાની જેલમાં રાખ્યો ત્યાંથી એ ભાગી છૂટ્યો. તેની સાથે પાંચ લોકો હતા. ઝવેરચંદ મેઘાણીએ એમને પાંચ પાંડવ કહ્યા છે. આ પાંચેય પાંડવો પોરબંદર પાસેના પછોડા ગામના પાદરે થાક્યા-પાક્યા, ભૂખ્યા-તરસ્યા દલિતોના ઝૂંપડામાં આરામ લેતા હતા. ત્યાં કોઈને ખબર પડી ગઈ અને આખો પોલીસ કાફલો પોરબંદરથી આવવા માંડ્યો અને એમને ચારેય તરફથી ઘેરી વળ્યા. મૂળુ માણેકે ત્યારે તેના એક ચારણ સાથીદારને કહ્યું, ‘જો મારા માથા પર ઇનામ છે, તું જઈને એમને કહે કે અહીં મૂળુ માણેક છે અને એમને પકડી જાય તો તને ઇનામ મળશે.’ સાથીદારે આ સમયે કહ્યું, ‘શું હું આ માટે તારી સાથે છું? મરશું તો પણ સાથે અને જીવશું તો પણ સાથે.’ આ સમયે પોલીસ દ્વારા આ ઝૂંપડામાં આગ લગાવી દેવાઈ દીધી, જ્યાંથી તેઓ નીકળી તેમની સામે લડ્યા અને વીરગતિને પ્રાપ્ત થયા. આજે તમે પછોડા ગામના પાદરે જાઓ, તો ફૂંકાતા પવનની વચ્ચે આ પાંચેયની ખાંભલીઓ પડી છે. બહુ ઓછું ધ્યાન લેવાય છે, કોઈ બીજો દેશ હોય તો સ્વાતંત્ર્યવીરોનું ત્યાં સ્મારક બન્યું હોત.
સમોમાં એક ભૂખણચંદ નામનો વણિક હતો. હિન્દુસ્તાનમાં પહેલી વખત પોતે પગાર આપી કોઈ સેના ઊભી કરી હોય તો એ ભૂખણચંદ શેઠ હતા. એણે ઘોડા ખરીદ્યા, માણસો ખરીદ્યા, બંદૂકો લીધી - બ્રિટશર્સની સામે લડવા માટે. 1857માં બળવો સમોથી વચ્ચેના તમામ વિસ્તારો સાથે અમદાવાદ સુધી પહોંચ્યો અને સ્વતંત્રતા મેળવવાનું એક સાહસ તે સમયે થયું હતું. વિજાપુરની પાસેના સમો ગામમાં આજે પણ એક શાળામાં બે લોકોની સમાધિ પડી છે. જે બંનેને ફાંસી અપાઈ હતી.
મારા પુસ્તકની 101 ઘટનાઓમાં લંડન સુધી પહોંચેલા લોકોનો પણ બહુ મોટો ફાળો છે અને તે ફાળો આપણે થોડો પણ વિચારીએ તો તેને ન્યાય આપી શકાય. લંડનના કેટલાક લોકો વિશે જણાવું તો તેનું મૂળ કચ્છ અને સૌરાષ્ટ્રમાં. સુરેન્દ્રનગરના કંથારિયામાંથી બેરિસ્ટર રાણા પેરિસ ગયા, માંડવીમાંથી પંડિત શ્યામજીકૃષ્ણ વર્મા લંડન પહોંચ્યા અને પ્રથમ સ્નાતક બન્યા. ભારત આવી ફરી પાછા ગયા, ઇન્ડિયા હાઉસ અને ઇન્ડિયન સોશિયોલોજી અખબાર શરૂ કર્યું. 1905થી 1923 સુધી આ અખબાર ચાલ્યું. પહેલાં લંડન પછી પેરિસ અને જીનિવા. તે સમયે ઇન્ડિયા હાઉસમાં સાવરકર, લાલા હરદયાલ, વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, મદનલાલ ધીંગરા - કેવા કેવા લોકો! કેવાં કેવાં પરાક્રમ કર્યાં 1905માં! તે સ્થાનો આજે કેટલાંક છે, કેટલાંક નથી. મશવેલ હિલ રોડ પર ડાબી તરફના રળિયામણા રસ્તા પર 60મી ઇમારતમાંથી ફ્રેન્ચ પોષાકમાં નીકળતા, તે તેમનું નિવાસસ્થાન હતું. તેની પાસે જ ત્યાં આર્કવેવ બ્રિજ છે. એક વખત સી.બી. પટેલે મને બોલાવ્યો ત્યારે તે બ્રિજ પરથી અમે ચાલ્યા હતા. ત્યારે અમને ખ્યાલ આવ્યો કે અહીંથી પંડિત શ્યામજીકૃષ્ણ વર્મા અને અન્ય ક્રાંતિકારીઓ ચાલીને ઇવનિંગ વોક કરવા નીકળતા હશે, ત્યારે કેવી વાતો થતી હશે? મશવેલ હિલ પરની સુંદર અને સુઘડ ત્રણ માળની ઇમારતમાં પંડિત શ્યામજીકૃષ્ણ વર્માનું નિવાસસ્થાન હતું, જે આજે પણ હયાત છે. એ જ રીતે એક બીજી ઇમારત પણ છે, જે ઇન્ડિયા હાઉસના નામે ઓળખાય છે. ત્યાં એક ફ્લેગ છે, જેમાં વર્તુળાકારે બીજા પણ બે નિર્દેશ છે. ભારત માતા કી જય અને વંદે માતરમ. આ ઇન્ડિયા ફ્લેગ પણ આજે છે. એનાં દર્શન કરવાનો મને મોકો મળ્યો. સ્મારક તરીકે જાળવણી માટે લંડનના એક હેમંત પાધ્યા નામના એક ભાવનાશીલ નાગરિકે આ બધાં કામ કર્યાં હતાં. જે આજે પણ ત્યાં છે.
1857ના સંઘર્ષને બળવો, વિપ્લવ, ફિતુર કહેનારા અંગ્રેજોને જવાબ આપવા માટે આખી દુનિયામાં 1857ની અર્ધ શતાબ્દી 1905માં લંડનમાં ઊજવાઈ હતી, અને એ જગ્યા હતી સેફ્ટ્સબરી એવેન્યૂ પરની ઇન્ડિયન રેસ્ટોરાં. એક બીજી પણ જગ્યા છે પેન્ટોન વિલા જેલ.
લંડનના કેલેડોનિન રોડ પરથી પસાર થતાં આ પેન્ટોન વિલા જેલ દેખાય છે.આ માત્ર જેલ નથી, આપણા બે મહાન સપૂતોનું ફાંસીનું તીર્થસ્થાન છે. - મદનલાલ ધીંગરા અને સરદાર ઉધમસિંહ.

વિક્ટોરિયા રેલવે સ્ટેશન પણ એક ઇતિહાસ સંભાળીને બેઠું છે. વિક્ટોરિયા રેલવે સ્ટેશનથી પેરિસથી લંડન આવેલા વિનાયકરાવ દામોદર સાવરકરને પકડવામાં આવ્યા અને તે ધરપકડ બાદ માર્સેલ્સ બંદરગાહેથી ભૂસકો માર્યો, પકડાયા અને ભારત આવ્યા અને તેમને આંદામાનમાં બે જનમટીપની સજા અપાઈ. વિક્ટોરિયા રેલવે સ્ટેશને જ્યારે ઉતર્યા ત્યારે દાદાભાઈ નવરોજજીની પૌત્રી કેપ્ટન પેરિન તેમની સાથે હતાં.
હવે એક જ્વલંત-જ્વાળામુખી જેવી કવિતા અંગે આપને વર્ણવું. 1930માં ધંધૂકાની કોર્ટમાં આરોપી ઝવેરચંદ કાળીદાસ મેઘાણીને ઊભા કરવામાં આવ્યા હતા. આરોપ હતો કે બરવાળામાં તમે ભરબપોરે ગાંધીજીના નમક સત્યાગ્રહ માટે લોકોને ઉશ્કેરતી ઉશ્કેરણીજનક સભા ભરી. પિંજરામાં મેઘાણી ઊભા છે, ન્યાયમૂર્તિ ઇશાણી પણ બેઠા છે અને લોકો પણ આવ્યા છે. આરોપનામું મુકાયું ત્યારે મેઘાણીએ કહ્યું, ‘જે દિવસે અને સમયે તમે આરોપ મૂક્યો છે, તે સમયે હું મારા બોટાદના મકાનમાં ઘસઘસાટ ઊંઘતો હતો, છતાં તમારે કંઈપણ સજા કરવી હોય તો કરી શકો છો.’ જે અંતર્ગત ન્યાયમૂર્તિ ઇશાણીએ તેમને 2 વર્ષની સજા કરી. લોકોએ કહ્યું કે, ‘સાહેબ આ તો અમારો લાડલો કવિ છે, એને કવિતા ગાવા દ્યો.’ જે અંતર્ગત ન્યાયમૂર્તિએ હા પાડી હતી. મેઘાણીએ પિંજરામાં ઊભા રહીને લલકારી - છેલ્લી પ્રાર્થના.
હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ;
કલેજાં ચીરતી - કંપાવતી અમ ભયકથાઓ;
મરેલાનાં રુધિર ને જીવતાનાં આંસુડાંઓ;
સમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુ ઓ!
 બીજી સરસ કવિતા લખી હતી.
અમારે ઘર હતાં, વ્હાલાં હતાં, ભાંડુ હતાં, ને
પિતાની છાંય લીલી, ગોદ માતાની હતીયે;
ગભૂડી બ્હેનના આંસુભીના હૈયાહિંચોળે
અમારાં નૈન ઊનાં ઝંપતાં આરામ-ઝોલે.
કાર્યક્રમના અંતે ગુજરાત સમાચારના ઓપરેશનલ હેડ શ્રીજિતભાઈ રાજન દ્વારા હાજર રહેલા સૌકોઈનો આભાર માનવામાં આવ્યો હતો. શ્રીજિતભાઈ રાજને કહ્યું કે, ગુજરાત સમાચારની સુવર્ણજયંતીના ભાગરૂપે શ્રેણીબદ્ધ કાર્યક્રમ યોજાયા, તેમાં આ પણ એક અણમોલ મણકો હતો. ભારતની આઝાદીના અમૃત મહોત્સવ પર્વે યોજાયેલી આ ઝૂમ ઇવેન્ટમાં અમારા આગ્રહથી જોડાયેલા તમામનો એબીપીએલ પરિવાર આભાર માને છે. પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાનો સવિશેષ આભાર કે તેઓે તેમના અતિવ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને આ કાર્યક્રમમાં જોડાયા અને આપણને સૌને ‘ગુજરાતનાં ક્રાંતિતીર્થો’ની ઘરેબેઠાં યાત્રા કરાવી. વિષ્ણુભાઈ આપનો ખૂબખૂબ આભાર. આપ સૌને સ્વતંત્રતાપર્વની શુભકામનાઓ જય ભારત – જય બ્રિટન – જયજય ગરવી ગુજરાત.


comments powered by Disqus