અમદાવાદઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) બાદ હવે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ની ઓફિસ અમદાવાદમાં કાર્યરત્ થઈ રહી છે. આ માટે કેન્દ્ર સરકારની ટીમે ઓફિસ પસંદ કરી લીધી છે. ગણતરીના અધિકારીઓની ટીમ નક્કી થયા બાદ કામગીરી અમદાવાદથી શરૂ થશે. છેલ્લા કેટલાક મહિનાથી દેશમાં દેશવિરોધી જુદાંજુદાં સંગઠનોની છૂપી પ્રવૃત્તિ વધી રહી છે. તેના પર વોચ રાખવા તમામ સુરક્ષા એજન્સી એલર્ટ થઈ ગઈ છે, પરંતુ પાડોશી દેશની ડ્રગ્સ સિન્ડિકેટ, આઇએસઆઇએસ સાથે સંકળાયેલા લોકોની ગુજરાતમાં અવરજવર સહિતની બાબતોને ધ્યાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં RAWની ઓફિસ કાર્યરત્ કરવાની વિચારણા તાકીદે અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ડ્રગ્સ કન્સાઇન્ટમેન્ટના છેડા ગુજરાત સુધી પહોંચી રહ્યા છે. તાજેતરમાં જ એનઆઇએ દ્વારા ઝડપી લેવાયેલા આઇએસઆઇએસના સમર્થકોએ પણ ગુજરાતનાં ચોક્કસ સ્થળોની રેકી કરી હતી અને વીડિયો ઉતાર્યા હતા. તેઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલાં જ તેમને ઝડપી લેવાયા છે. દેશમાં દુશ્મનોના સ્લીપર સેલ એક્ટિવ છે, તેને પગલે દેશની સુરક્ષાને લઈને મોટા પ્રશ્નો ઊભા થયા છે. આ પરિસ્થિતિમાં હાલ તો ગુજરાતમાં સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઇમબ્રાન્ચ, એસઓજી, એટીએસ સહિતની એજન્સીઓ વોચ રાખી રહી છે અને દેશના દુશ્મનોને માત આપી રહ્યા છે. હવે દેશવિરોધી તત્ત્વોને માત આપવા માટે અને વળતો જવાબ આપવા માટે પણ ખાસ એજન્સીઓની ટીમ તહેનાત કરવી જરૂરી છે.


