આઝાદી પછી પહેલીવાર ગુજરાતમાં 562 રજવાડાંના વંશજોનું સન્માન થશે

Wednesday 25th October 2023 06:06 EDT
 
 

અમદાવાદઃ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ 562 રજવાડાંના વિલીનીકરણ માટે જાણીતા છે. વર્તમાન સ્થિતિએ રાષ્ટ્રવિરોધી પરિબળો સક્રિય થયાં છે. આવી સ્થિતિમાં આદ્યાત્મિક ચેતના થકી રાષ્ટ્રચેતના લાવવાના ઉદ્દેશ સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પહેલ કરવામાં આવી છે. જેના ભાગરૂપે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતીએ તમામ 562 રજવાડાંને એકત્રિત કરી તેમનું સન્માન કરવામાં આવશે. આ નિમિત્તે આઝાદી બાદ પહેલી વખત ગુજરાતમાં 562 રજવાડાંના વંશજોને આમંત્રિત કરી તેમનું સન્માન કરવા માટે અતિભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ 562 પૈકી 222 રજવાડાં માત્ર કાઠિયાવાડનાં જ હતાં.
આ પ્રસંગ માટે અત્યાર સુધી મહારાણા પ્રતાપ, શિવાજી અને કૃષ્ણકુમારસિંહજીના વંશજ સહિતના 51 રાજવી પરિવારે કાર્યક્રમમાં આવવા કન્ફર્મેશન આપ્યું છે. રાજવી પરિવારના વંશજોનું સન્માન કરવા અમદાવાદના ગોતા બ્રિજ પાસે સરદાર પટેલ રાષ્ટ્રચેતના મહાસંમેલન સ્થળ નિશ્ચિત કરાયું છે. 31 ઓક્ટોબરે આ કાર્યક્રમમાં રાજ્યના ખૂણેખૂણેથી એક લાખથી વધુ યુવાનો એકત્ર થવાનો અંદાજ છે. અમદાવાદથી શરૂ થનારું આ અભિયાન દરેક જિલ્લા અને ત્યારબાદ તમામ રાજ્ય સુધી પહોંચાડવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને લક્ષ્યાંક મૂક્યો છે. સમગ્ર રાજ્યમાંથી આશરે 10 હજાર કાર રેલીસ્વરૂપે કાર્યક્રમમાં પહોંચશે. તે પોતાની સાથે તેમના ગામની માટી લઈને આવશે. આ માટીને ઉમિયા મંદિરના ગર્ભગૃહમાં પધરાવવામાં આવશે. 2થી 6 નવેમ્બર દરમિયાન અહીં ભાગવત સપ્તાહ યોજાશે. એક દિવસના કાર્યક્રમ માટે ફાઉન્ડેશન દ્વારા આશરે બે કરોડનો ખર્ચ કરાયો છે.
આઝાદી બાદ પહેલી વખત રાજવી વંશજો એક મંચ પર આવશે
વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના અધ્યક્ષ આર.પી. પટેલે કહ્યું કે, સરદારે માત્ર 73 દિવસમાં 562 રજવાડાંને ભેગાં કરી દેશના ટુકડા થતા અટકાવ્યા હતા. આ રજવાડાંએ દેશ ખાતર આપેલા બલિદાનની યુવા પેઢીને યાદ કરાવવા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આઝાદી બાદ પહેલી વખત રાજવી વંજશો એક મંચ પર આવશે.


comments powered by Disqus