દરેક શિયાળા પહેલાં અખબારોમાં ચેતવણી આપતા મથાળા બંધાય છે કે બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ ભંગાણના આરે પહોંચી ગઇ છે. કોરોના મહામારી અને તે પછીના સમયગાળામાં એનએચએસ પરના ભારણમાં તોતિંગ વધારો થયો છે. તેમાં પણ નર્સ, પેરામેડિકલ સ્ટાફ, જુનિયર અને સીનિયર ડોક્ટરો દ્વારા વારંવાર હડતાળોના કારણે દર્દીઓનું વેઇટિંગ લિસ્ટ 7.75 મિલિયનને વટી ગયું છે. હોસ્પિટલો ક્ષમતા કરતાં વધુ બોજો વહન કરી રહી છે. ઇમર્જન્સી સર્વિસમાં પણ દર્દીઓને સારવાર માટે કલાકો સુધી રાહ જોવી પડતી હોય છે. એમ્બ્યુલન્સના એવરેજ વેઇટ ટાઇમમાં પણ વધારો થયો છે. આવી સ્થિતિમાં અંતે તો દર્દી અને તેના પરિવારજનને જ સહન કરવાનું આવે છે. એક સમયે દેશના ગૌરવ સમાન આ આરોગ્ય સેવા આજે ખસ્તાહાલ બની રહી છે. વેતનના મામલે સરકાર અને એનએચએસના કર્મચારીઓ વચ્ચે સતત ચાલી રહેલા ગજગ્રાહે પરિસ્થિતિને વધુ બદતર બનાવી છે. એનએચએસ દેશના કરદાતાઓ દ્વારા ચાલતી નિઃશુલ્ક સેવા છે. બીજા વિશ્વયુદ્ધ બાદ વર્તમાન સમયમાં કરદાતા સૌથી ઊંચા દરે કર ચૂકવી રહ્યો છે છતાં તે તેના જ નાણા દ્વારા સંચાલિત આ સેવાનો સમયસર લાભ મેળવી શક્તો નથી તેનાથી મોટી વિડંબણા શું હોઇ શકે. સવાલ એ છે કે શું એનએચએસની સેવાઓ શું ફરી એકવાર 2012 પહેલાંની સ્થિતિએ પહોંચી શકશે? તે સમયે એનએચએસમાં સારવાર માટે આટલું લાંબુ વેઇટિંગ લિસ્ટ રહેતું નહોતું. સુનાક સરકાર આ દિશામાં હવાંતિયા તો મારી રહી છે પરંતુ એનએચએસની વિડંબણાઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. પગાર વધારા અને વર્કિંગ કન્ડીશનથી નારાજ ડોક્ટરો અને નર્સો નોકરી છોડીને વિદેશોમાં સારા પેકેજ સાથે પલાયન કરી રહ્યાં છે જેથી એનએચએસમાં કર્મચારીઓની અછત ચરમ પર પહોંચી છે. ઘણા નાગરિકો એનએચએસમાં થઇ રહેલા વિલંબને કારણે હવે સર્જરી અને મેડિકલ સારવાર માટે વિદેશો તરફ નજર નાખી રહ્યાં છે. એક આંકડા પ્રમાણે 2018માં મેડિકલ સર્જરી માટે વિદેશમાં જનારા બ્રિટિશરોની સંખ્યા 1,52,000 હતી જે 2021માં લગભગ બમણી થઇને 2,34,000 પર પહોંચી હતી. એનએચએસને તારવા માટે સરકારે કોઇ સંજીવની જડીબુટ્ટી જ શોધી કાઢવી પડશે અન્યથા કોઇપણ સરકાર આ નિઃશુલ્ક સેવાયજ્ઞને જારી રાખવામાં સફળ રહેશે નહીં.


