ગાંધીધામના રૂ. 800 કરોડના કોકેઇન હેરાફેરીમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું

Wednesday 25th October 2023 06:25 EDT
 
 

ભુજઃ ગાંધીધામમાં રૂ. 800 કરોડના કોકેઇનની હેરાફેરીના કેસમાં પાકિસ્તાન કનેક્શન ખૂલતાં ગુજરાત એટીએસની ટીમ દોડતી થઈ છે. ગુજરાત એટીએસની ટીમ દ્વારા કચ્છમાં તપાસ હાથ ધરાઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત એટીએસની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે અને અનેક આરોપીનાં નામ પણ બહાર આવી શકે છે.
કરાચીના હાજી સલીમનું નામ ખૂલ્યું
ગાંધીધામમાં રૂ. 800 કરોડના કોકેઇનની હેરાફેરીના કેસમાં ગુજરાત એટીએસની તપાસમાં પાકિસ્તાનના કરાચીનું કનેક્શન સામે આવ્યું છે. આ મામલે કરાચીના હાજી સલીમનું નામ ખૂલતાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ડ્રગ્સના નેટવર્કની તપાસ માટે ગુજરાત એટીએસની ટીમે કચ્છમાં તપાસ હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો?
ગુજરાતનો દરિયાકિનારો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગસમાન બન્યો છે. રાજ્ય અને દેશમાં ડ્રગ્સ ઘુસાડવા માટે ડ્રગ્સ તસ્કરો આ દરિયાકિનારાનો ઉપયોગ કરે છે, જેમાં પણ કચ્છના દરિયાકાંઠેથી અત્યાર સુધીમાં અનેક વખત મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે. તાજેતરમાં જ ગાંધીધામથી પોલીસે બાતમીના આધારે અંદાજે રૂ. 800 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.
80 કિલોથી વધુ ડ્રગ્સ મળી આવ્યું હતું
કચ્છ પૂર્વ એલસીબીને યોગ્ય બાતમી મળતાં સ્થાનિક પોલીસની ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન પોલીસે મીઠીરોહર વિસ્તારની ખાડીમાંથી બિનવારસી હાલતમાં પડેલાં 80 કિલોથી વધુ ડ્રગ્સના જથ્થાને કબજે કર્યો હતો. જે બાદ એફએસએલની તપાસમાં કોકેઇન હોવાનું સામે આવ્યું હતું.


comments powered by Disqus