ઈઝરાયેલ-પેલેસ્ટાઇન લોહિયાળ લડાઈનો અંત છે, અંત નથી...

વિષ્ણુ પંડ્યા Wednesday 25th October 2023 07:40 EDT
 
 

આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે પણ ગાઝા પટ્ટી, સિરીયા, ગોલન હાઇટ, વેસ્ટ બેન્ક, ઈઝરાયેલ અને હમાસની વચ્ચે આકાશી અને જમીની જંગ વધુને વધી ઉગ્ર અને ઘાતક બની રહ્યો છે. મારો અને ખતમ કરો સિવાય બીજો કોઈ નારો જ નથી જાણે! હમાસ અને તેના સાથી દેશોનો ઇરાદો ઈઝરાયેલ અને યહુદીઓને એવી દશાએ પહોંચાડવાનો રહ્યો છે કે તે ફરી પાછું બેઠું થઈ ના શકે. ઈઝરાયેલનું સીધું નિશાન હમાસ છે, તેને નષ્ટ કર્યા વિના આરોઓવારો નથી એ તેણે સમજી લીધું છે.
 .. પણ આ હમાસના ચહેરા અનેક છે. તેનો મૂળ ચહેરો કટ્ટર ઈસ્લામિક છે, તેણે 23 લાખ “ઘેટો” (વસતિથી ખીચોખીચ) લોકોની બનેલી ગાઝા પટ્ટીમાં એકધારી સત્તા ભોગવી છે. પી.એલ.ઓ અને હમાસ નામ જ અલગ છે. ભારતમાં અને બીજે કેટલોક વર્ગ તેને પ્રગતિવાદી ગણાવે છે, યાસર અરાફત તેનો “ક્રાંતિકારી” નેતા હતો. પેલેસ્ટાઇનની મુક્તિના નામે લાંબા સમયથી ત્યાં લડાઈ ચાલે છે, પણ કોઈ ફાવી શકતું નથી.
આ ઇસ્લામિક વિસ્તારોની વચ્ચે 1947માં ઈઝરાયેલ નામે યહુદીઓનો દેશ રચાયો તે સૌના દિમાગમાં ખટકે છે, હકીકતમાં જેરૂસલેમમાં સૌથી પ્રાચીન પ્રજા યહૂદી હતી, પછી ઈસાઈ અને છેલ્લે મુસ્લિમો આવ્યા. આક્રમણ કરીને આવ્યા. યહૂદી પ્રજાની પનોતી હજાર વર્ષોથી બેઠી હતી. ક્યાંય તેનો કોઈ દેશ નહોતો રહ્યો, બધે વ્તેને ધુત્કાર મળતો. હિટલરે તો યહૂદી વંશને જ ખતમ કરવાનું યુદ્ધ આદર્યું, ગેસ ચેમ્બર અને શ્રમ છાવણીઓમા યહુદીઓએ જેટલા જીવ ગુમાવ્યા એટલું બીજી પ્રજાએ ભાગ્યે જ સહન કર્યું હશે.
દુનિયામાં વાત ફેલાવાઇ કે યહુદીઓ ભારે કંજૂસ છે, નિર્મમ છે, દુષ્ટ છે. હવે તેણે બીજા વિશ્વયુદ્ધ પછી જમીનનો એક ટુકડો મિડલ ઈસ્ટમાં આપવામાં આવ્યો હોય તો તેમાં ખોટું શું છે? આ પ્રજાએ ઉત્તમ વૈજ્ઞાનિકો, ચિંતકો, સાહિત્યકારો આપ્યા છે, પ્રાચીન વીરાસત છે તેમની, દુનિયા આખીમાં હડધૂત થયેલા યહુદીઓની સરકાર આજે પણ યાદ કરે છે કે એકમાત્ર ભારત એવો દેશ હતો કે જેણે યહૂદી પ્રજાને આશરો આપ્યો હતો. બેન ગુરિયન તેનો અડીખમ , દૂરદ્રષ્ટા નેતા હતો, ઈઝરાયેલ તેના સ્વપ્નનું નિર્માણ છે. આ પ્રજાની પોતાની પ્રાચીન ભાષા છે, હિબ્રૂ અને તે બાઇબલની પણ ભાષા છે. દુનિયામાં આ પ્રજા જુદીજુદી જગ્યાએ જીવન ગુજરાન કરી રહી હતી ત્યારે પણ તેની પ્રાર્થનાનું પહેલું વાક્ય રહેતું: ‘નેક્સ્ટ યર ઇન જેરૂસલેમ...’ આજે આ પ્રાચીન નગર તેણે હસ્તક છે, દેશને પરિશ્રમથી બદલાવ્યો, વિકસિત કર્યો, સમુદ્રના ખારાં પાણી મીઠાં-પીવા જેવા બનાવ્યા, કિબુટ્ઝ નામે સહજીવનની નવી રચના કરી, પ્રત્યેક ઇઝરાયેલી પરિવારમાંથી એક યુવક સેનામાં જાય તેવી પરંપરા ઊભી કરી, ખેતી અને ઉત્પાદનમાં સમૃદ્ધ થયા. હવે કોઈ હમામ કે કોઈ હિજબુલ્લાહ એવું કહે કે ઈઝરાયેલ ખતમ થવું જોઈએ તો કોણ માને? ઈજિપ્તથી માંડીને જૉર્ડન, સિરીયા, ઈરાન જેવા દેશો આવું માને એટલું જ નહીં આક્રમણ પણ કરે. એવા એક આક્રમણમાં ઇઝરાયેલે ઈજીપ્તના દાંત ખાટા કરી દીધા પછી લડાઈનું નામ નથી લેતું. પણ હમાસ, સિરીયા, જોર્ડન, ઈરાનનો રસ્તો અને ઇરાદો ઈઝરાયેલને પૂરું કરવાનો છે.
તેણે માટે ફીલીસ્તીન અર્થાત પેલેસ્ટાઇનનો મુદ્દો માફક આવી ગયો છે. તે બધાને ઈઝરાયેલથી મુક્ત સ્વાધીન પેલેસ્ટાઇન બનાવવું છે. તેને અલ-અક્સા મસ્જિદ જોઈએ છે, કારણ કે ઇસ્લામને માટે દુનિયાની સૌથી ત્રીજી મોટી મસ્જિદ છે. જેરૂસલેમ પર યહૂદી, ઈસાઈ, મુસ્લિમ ત્રણેનો દાવો છે.
ભારતે ફિલિસ્તીન મુક્તિને સિદ્ધાંત રૂપે ટેકો આપ્યો છે જે આજે પણ ચાલુ છે. પીએલઓનો નેતા યાસર અરાફત ભારતની મુલાકાતે આવ્યો હતો. ઇન્દિરા ગાંધીને તે “બહેન” તરીકે માનતો હતો. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ફીલીસ્તીનની મુલાકાતે જનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન હતા.
પણ, આનો અર્થ એવો તો નહીં જ કે મુક્તિના બહાને કટ્ટર આતંકવાદ કરવા દેવો. હમાસનો હેતુ એવો જ છે. શું ગાઝા પટ્ટીમાં ઇસ્લામને માનનારો નાગરિક શાંતિથી જીવવો જોઈએ તો ઇઝરાયેલમાં જીવનારાઓને શાંતિથી જીવવા દેવા જોઈએ કે નહીં? તેને બદલે, યહૂદી નાગરિકોને બાનમાં લેવા, તેને મારી નાખવાની ચેતવણી આપવી, યહૂદી સ્ત્રીને નગ્ન કરીને ટ્રકમાં ખુલ્લી રીતે લોકોને દેખાડવી, બાળકોના માથા કાપી નાખવા, ગીત=સંગીતમાં મગ્ન યુવકોને બંદૂકથી ઉડાવી દેવા.... આ અસભ્ય, અમાનુષ, રાક્ષસી કૃત્યોની ખિલાફ લડવું એ ઇઝરાયેલની ફરજ પણ બની જાય છે.
આ હમાસ છે શું? દેખીતી રીતે તો કટ્ટર ઈસ્લામિક સંસ્થા છે. તેનું અરબી નામ “HARAKH-AL-MUQAWAMAH-AL-ISLAMIYYAH’ છે. અર્થાત તે ઇસ્લામની સુરક્ષાનો હેતુ ધરાવે છે. તેનું પોતાનું અલ-અકસા ટીવી ચેનલ છે. અલ ફત્તેહ છે, જે ઈસ્લામિક બાળકોના દિમાગમાં ઝેર પેદા કરતી સામગ્રી આપે છે. ગાઝા પટ્ટીમાં ચૂટણીમાં જીત્યા પછી ત્યાં અલ-કાયદાની માફિયાગીરી વધી.
હમાસના ચાર વિભાગ છે. એક સૈનિકી, બીજો પ્રશાસન, ત્રીજો મઝહબી,અને ચોથો મીડિયા. 1973માં મુસ્લિમ બ્રધરહૂડમાથી અલ-ઇસ્લામિયા થયું, તેમાથી હમાસ આવ્યું. તેનું મૂળ કામ તો ગાઝામાં દાન, સહાય અને સેવાનું હતું. અત્યારે તેનું ઝનૂન તેને જ ભરખી જાય તેવા સંજોગો છે, દેખીતી રીતે પાકિસ્તાન, ઓમાન, ટ્યુનિશિયા, ઈરાન, કુવૈત, કાતાર, મલેશિયા, અફઘાનિસ્થાન, મોરોક્કોનો હમાસને ટેકો છે. પણ ઈસ્લામિક દેશો આ વખતે એવા ઝનૂની નથી રહ્યા કે હમાસને વગર વિચાર્યે ટેકો આપે. અરબ અમીરાત, મોરોક્કો, બહેરાઈન, સુદને તો ઈઝરાયેલને માન્યતા પણ આપી છે. 1949માં તુર્કીએ માન્યતા આપી. મહત્વની વાત એ પણ છે કે યહૂદી-મુસ્લિમ પૂરતો આ સંઘર્ષ નથી, શિયા અને સુન્ની વચ્ચેનો પણ છે. ઈરાન શિયાપંથી છે. ઇઝરાયેલની આસપાસના દેશો મિસર,જૉર્ડન, લેબેનોન, સિરીયા, ઈરાક, તુર્કી, ઈરાન, મોરોક્કો, સાઉદી અરબ, સુદાન છે.
સંઘર્ષ ઘણો જૂનો છે. 23 લાખ લોકો ગાઝામાં વસે છે. 1973માં જ્યારે ઈઝરાયેલ પર હુમલો થયો હતો, તેના 50 વર્ષે એજ પૂર્વસંધ્યાએ હમાસે હુમલાનું દુષ્કૃત્ય આચર્યું. 1973માં મિસર અને સિરીયાને પરાજયની બદનામી વેઠવી પડી હતી, તેવું જ નસીબ હમાસનું છે પણ તે પહેલા કેટલા લોકો મરશે? આંકડા વધતાં જાય છે. ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં વીજળી, પાણી વગેરે બંધ કરી દીધા. આતંકવાદીઑ તો બંકરોમાં સલામત રહે છે! મોરચા એક નથી, અનેક છે. વેસ્ટ બેન્ક, પૂર્વ જેરૂસલેમ, સિરીયા, લેબેનોન પણ ઉમેરાતા જાય છે.
જલ્દીથી આ યુદ્ધનો અંત આવી શકે? હા, જો હમાસ તદ્દન ખલાસ થઈ જાય, ગાઝા પટ્ટી શરણે આવે, કેટલાક મુસ્લિમ દેશો યુદ્ધ વિરામ કરાવે, અગાઉ જેમ કેટલાક કરારો થયા હતા, જેને અબ્રાહમ કરાર તરીકે ઓળખાવાય છે એવું કોઈક પરિણામ આવે. પણ, કટ્ટરતા સાથેનું યુદ્ધ તદ્દન નષ્ટ થતું નથી, એક યા બીજી રીતે, એક યા બીજા સ્થાને ચાલુ રહે છે. એટલે આનો ઉપાય એક જ છે, જેટલા દેશોને આવો આતંક નડે છે તે એકત્રિત થાય, સંયુક્ત રીતે આતંકવાદ સામે સખત પગલાં લે. ભારત સરકાર જુદાજુદા વિશ્વ સંમેલનોમાં આ વાત કરી રહી છે. વર્તમાન બે યુદ્ધો યુક્રેન-રશિયા અને બીજું ઈઝરાયેલ-હમાસ મનુષ્યતાના બાલિશ સ્વભાવની ખતરનાક નિશાની છે.


comments powered by Disqus