તારાપુરથી ઝડપાયો પાકિસ્તાની જાસૂસ

Wednesday 25th October 2023 06:55 EDT
 
 

આણંદઃ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા માટે જાસૂસી કરતા એક યુવકને ગુજરાત એટીએસએ આણંદથી ઝડપી પાડ્યો છે. આ યુવક ભારતના નંબરો મારફતે ઇન્ડિયન આર્મીના નંબર પાકિસ્તાન સુધી પહોંચાડતો હતો અને એક ટેક્નોલોજીની મદદથી ડિફેન્સના કર્મચારીઓના ફોનમાં ટ્રોઝન કરીને ઇન્ફોર્મેશન પાકિસ્તાન સુધી મોકલતો હતો. જેના બદલામાં પાકિસ્તાનથી તેને મોટી રકમ મળતી હતી. આરોપી હાલ ગુજરાત એટીએસની કસ્ટડીમાં છે અને તેની ઊલટ તપાસ થઈ રહી છે.
તપાસમાં સામે આવ્યું છે કે આરોપી લાભશંકર દુર્યોધન મહેશ્વરી પાકિસ્તાનમાં પરેશાન હોવાનો ડોળ કરી પત્ની સાથે 1999માં ગુજરાત આવી ગયો હતો અને 2005માં તેણે ભારતીય નાગરિકત્વ પણ મેળવી લીધું હતું. જે બાદ તેણે પાકિસ્તાન માટે જાસૂસી કરવાનું શરૂ કર્યું હતું.
કેવી રીતે કરી જાસૂસી?
લાભશંકરે ભારતીય સિમકાર્ડ તેના સંબંધી દ્વારા પાકિસ્તાન પહોંચાડી એક્ટિવેટ કરાવ્યું હતું. જે સિમકાર્ડની મદદથી પાકિસ્તાની એજન્સીઓ ભારતીય સેનાના જવાનોના ફોનમાં માલવેર વાઇરસ મોકલી તેને હેક કરી તેનો કંટ્રોલ પોતાના હસ્તક કરી લેતી હતી અને તેમાંથી ઘણા મહત્ત્વના ડેટા મેળવી રહી છે. એટીએસ દ્વારા અન્ય બે શકમંદોની પણ તપાસ કરાઈ રહી છે. ગુજરાત એટીએસએ પાકિસ્તાની જાસૂસી એજન્સીના એજન્ટ સહિત 7 વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
આ ગતિવિધિની જાણ સેન્ટ્રલ એજન્સીને મળી હતી
ગુજરાતી એટીએસનાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આરોપી ઘણા સમયથી જાસૂસ તરીકે કામ કરતો હતો અને તે મોબાઇલ નંબર અને ભારતીય આર્મીના અધિકારીઓના ફોનમાંથી ડિટેઇલ મેળવી પાકિસ્તાનને પહોંચાડવાનું કામ કરતો હતો. ઘણા સમયથી ચાલતી આ ગતિવિધિની જાણ સેન્ટ્રલ એજન્સીને મળી હતી, જેની તપાસ ગુજરાત એટીએસને સોંપી હતી. ઝડપાયેલા શખ્સે કેટલા અધિકારીનો ડેટા અને ફોનની વિગત પાકિસ્તાન પહોંચાડી તે મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાની જાસૂસ લાભશંકર મહેશ્વરીનું આણંદના તારાપુરમાં સાસરું હતું. વિઝા પર ભારત આવ્યા બાદ તેણે તારાપુરમાં કરિયાણાનો ધંધો શરૂ કર્યો હતો. ગત જાન્યુઆરીમાં તેની વિરુદ્ધ ખાદ્યતેલમાં ભેળસેળનો ગુનો નોંધાયો હતો.


comments powered by Disqus