પાકિસ્તાન પરત ફરેલા નવાઝે ભારત સાથે સારા સંબંધો રાખવા સોગંદ લીધા

Wednesday 25th October 2023 07:09 EDT
 
 

લાહોરઃ બ્રિટનમાં 4 વર્ષ દેશનિકાલનાં ગાળ્યા બાદ પાકિસ્તાન પરત ફરેલા પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે લાહોરમાં રેલીને સંબોધી હતી. તેમણે ભારત સાથે સારા સંબંધો રાખવા સોગંદ લીધા છે. તેમણે કહ્યું હતું કે, ઇસ્લામાબાદ કાશ્મીર મુદ્દાને વાતચીત દ્વારા શાંતિથી ઉકેલવા ઇચ્છે છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ - નવાઝના સુપ્રીમો નવાઝ શરીફે કહ્યું હતું કે, અમે એક સ્વતંત્ર અને વ્યાપક વિદેશનીતિ અપનાવવા માગીએ છીએ. અમે આખા વિશ્વ સાથે ભલાઈ અને સમાનતાનો વ્યવહાર કરવા માગીએ છીએ. અમે પડોશી દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપીને પાક.ને આર્થિક સત્તા બનાવવા માગીએ છીએ. બીજા સાથે લડીને કે સંઘર્ષ કરીને પાકિસ્તાનનો વિકાસ કરી શકાશે નહીં.
શરીફે કહ્યું કે, જો પાકિસ્તાનથી પૂર્વ પાકિસ્તાન એટલે કે બાંગ્લાદેશ અલગ ન થયું હોત તો ભારતમાંથી પસાર થતો એક આર્થિક કોરિડોર બનાવી શકાયો હોત. પાકિસ્તાનના વિકાસ માટે અમે પડોશીઓ તેમજ વિશ્વના અન્ય દેશો સાથે સારા સંબંધો રાખવા ઇચ્છીએ છીએ. પાક.ના વિકાસ માટે તમામ રાજકીય સંસ્થાઓ તેમજ સંગઠનોએ બંધારણનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ.


comments powered by Disqus