ભારત-કેનેડાના સંબંધોમાં કડવાશ, સ્થિતિ સુધરતાં જ વિઝાની સેવા શરૂ થશે

Wednesday 25th October 2023 07:05 EDT
 
 

નવી દિલ્હીઃ ભારત અને કેનેડાના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે, ત્યારે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે આશા વ્યક્ત કરી હતી કે, કેનેડા સાથેના તણાવભર્યા સંબંધો હોવા છતાં વિઝાની સેવા ટૂંક સમયમાં ફરી કાર્યરત્ થશે. તેમણે જણાવ્યું હતું કે, આપણા સંબંધો મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ હું કહેવા માગું છું કે આપણે જે સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ તે કેનેડાના રાજકારણના ચોક્કસ વર્ગની નીતિઓ સાથેની છે. ભારતમાંથી 41 કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢવાના મામલે જણાવ્યું હતું કે, અમે રાજદ્વારીઓની સંખ્યામાં સમાનતાની વાત કરી હતી, કારણ કે કેનેડિયન રાજદ્વારીઓ આપણા દેશની બાબતોમાં સતત દખલ કરી રહ્યા હતા.
રાજદ્વારીઓની સુરક્ષા અમારા માટે પ્રાથમિકતા
જયશંકરે કહ્યું કે, વિઝાના મુદ્દાને અસ્થાયી રૂપે રોકી દેવામાં આવ્યો હતો. રાજદ્વારીઓની સુરક્ષા અમારા માટે પ્રાથમિકતા હતી. ભારત સ્થિતિ પર નજીકની નજર રાખી રહ્યું છે. આશા છે કે પરિસ્થિતિ સુધરશે, ત્યારે આપણા રાજદ્વારીઓ તેમની મુખ્ય ફરજો નિભાવી શકશે.
કેનેડામાં તિરંગાનું અપમાન, ભારતીય દૂતાવાસે ખાલિસ્તાનીઓની નારાબાજી
કેનેડા સરકારની મહેરબાનીને કારણે ખાલિસ્તાન સમર્થકો ભારત વિરોધી પ્રવૃત્તિઓને અંજામ આપતા રહ્યા છે. તાજા ઘટનાક્રમમાં ખાલિસ્તાન સમર્થક શીખ ફોર જસ્ટિસ સંગઠને વાનકુંવર ખાતે ભારતના દૂતાવાસ બહાર ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો. ભારત સરકાર વિઝા સેવા ફરી શરૂ કરવા સ્થિતિઓની સમીક્ષા કરી રહી છે, તેવામાં આ ઘટના બની છે. સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલી તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના લોકો હાથમાં ખાલિસ્તાનના ધ્વજ અને કેનેડાના ધ્વજ સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.


comments powered by Disqus